Western Times News

Gujarati News

અમરેલીના બગસરા પંથકમાં ૪ સિંહે ૮૦ ઘેટાં-બકરાંને ફાડી ખાધા

Files Photo

અમરેલી: ગીરકાંઠાના જિલ્લાઓમાં સિંહ- દીપડાના શિકારના કારણે માલધારીઓ અને ખેડૂતોના માલ ઢોરને નુકસાની થાય છે. સતત બની રહેલી આ ઘટના વચ્ચે ગઈકાલે રાત્રે ચાર સિંહોનું ઝૂંડ બગસરા પંથકમાં ત્રાટક્યું હતું. સિંહોએ ઘેટાં-બકરાંની ગમાણમાં હુમલો કરી અને કેટલાક ઘેટાં-બકરાંને ફાડી ખાધા હતા. આ હુમલામાં સિંહોના આતંકના કારણે ૮૦ જેટલા ઘેટાં-બકરાંના મોતથી હાહાકાર મચી ગયો છે.


મળતી માહિતી અનુસાર બગસરાના ખારી ગામમાં ગત મોડી રાત્રે વનરાજોની ત્રાડ અને ઘેટાં-બકરાંઓની ચીસથી સમગ્ર ગામ ધ્રુજી ગયું હતું. દરમિયાન સ્થાનિકોએ વનવિભાગને જાણ કરતા વનવિભાગના અધિકારી ઓએ ઘટના સ્થળની મુલાકાત લઈ અને અહેવાલ એકત્રિત કર્યો હતો.ઘટના સ્થળની આસપાસથી સિંહના પંજાના નિશાન મળી આવ્યા હતા જ્યારે નજરે જોનારા માલધારીએ સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો હતો.

સંરક્ષિત વન્ય જીવોના હુમલામાં ભોગ બનારા પશુના માલિકોને સરકારી સહાયતા મળે છે પરંતુ માલ-ઢોરની સલામતીની માંગણી સાથે વન્ય પ્રાણીઓને રેસ્ક્યૂ કરી અને જંગલમાં મૂકવામાં આવે તેવી માંગણી સ્થાનિકોએ કરી હતી.

ડાલામથ્થાઓના આતંક વચ્ચે કેટલાક ઘેટાં-બકરાં તો હતપ્રભ થઈને મોતને ભેટ્યા હોવાની માહિતી મળી છે જ્યારે કેટલાય ઘેટાં-બકરાંને સિંહોએ ફાડી ખાધા છે. દરમિયાન વનવિભાગ પાંજરા મૂકી અને સિંહોને પકડી પાડે તેવી માંગણી ઉઠી છે.

ઉલ્લેખનીય છે કે સિંહો હવે ગ્રામ્ય વિસ્તારમાં આવી રહ્યા છે. બગસરા તાલુકા નજીક માલધારીના વાડામાં ચાર સિંહોએ આ આતંક મચાવ્યો હતો. વનવિભાગ સિંહો કઈ દિશામાં ગયા તેને શોધી અને ફરીથી જંગલ તરફ ખધેડવાની કાર્યવાહી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.