Western Times News

Gujarati News

યુપીમાં તોફાની તત્વોની પાસે ૨૩ લાખની વસુલી શરૂ થઇ

File

૫૩થી વધુ તોફાની તત્વની ઓળખ કરવામાં આવ્યા બાદ વસુલી: યોગી સરકારે આક્રમક પગલા માટે કસેલી કમર

લખનૌ, ઉત્તરપ્રદેશમાં નાગરિક સુધારા કાનૂનના સંદર્ભમાં હિંસા થયા બાદ તોફાની તત્વો સામે કાર્યવાહી કરવાની શરૂઆત યોગી સરકારે કરી દીધી છે. આના ભાગરુપે યોગી સરકાર આક્રમકરીતે પગલા લેવાના મૂડમાં દેખાઈ રહી છે. સીસીટીવી ફુટેજ, વિડિયો અને અન્ય બાબતો મારફતે તોફાની તત્વોની ઓળખ કરવામાં આવ્યા બાદ તેમને નોટિસ ફટકારીને હવે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે. જંગી વસુલી તોફાની તત્વો પાસેથી કરવામાં આવનાર છે.

ઉત્તરપ્રદેશમાં નાગરિક સુધારા કાનુનને લઇને ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં વસુલી માટે કાનુની કાર્યવાહી શરૂ કરવામાં આવી ચુકી છે. મુજફ્ફરનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિક સુધારા કાનુનને લઇને હિંસાના સંબંધમાં ૫૩ લોકોની ઓળખ કરી લીધી છે. હવે તેમની પાસેથી વસુલીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે ગયા વર્ષે ૨૦મી ડિસેમ્બરના દિવસે સીએએ અને એનઆરસીને લઇને હિંસા થઇ હતી. આ હિંસા દરમિયાન જાહેર સંપત્તિને નુકસાન કરવામાં આવ્યુ હતુ. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મુજફ્ફરનગર જિલ્લો રાજ્યમાં એવા પ્રથમ જિલ્લા તરીકે છે જ્યાં વસુલી માટે કાનુની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આશરે બે મહિના પહેલા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જાહેરાત કરી હતી કે તે દેખાવ દરમિયાન હિંસા વેળા જાહેર સંપત્તિને નુકસાન કરનાર તત્વોની પાસેથી વસુલી પણ કરવામાં આવનાર છે. ૫૭ લોકોને નોટીસ જારી કરવામાં આવી હતી. ૨૦મી ડિસેમ્બરના દિવસે થયેલી હિંસા દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલા નુકસાન બદલ તેમની પાસેથી વસુલી કેમ કરવામાં ન આવે તે સંબંધમાં નોટીસ જારી કરી છે. આ નોટીસ સીસીટીવી, ફોટો અને વિડિયોના આધાર પર જારી કરવામાં આવી છે. પોલીસે જે ૫૭ લોકોને નોટીસ ફટકારી હતી તે પૈકી ૫૩ લોકો દ્વારા જવાબ આપી દેવામાં આવ્યા છે. ત્રણ લોકો દ્વારા જવાબ આપવામાં આવ્યા નથી. વહીવટીતંત્ર દ્વારા હવે ૫૩ લોકોની પાસેથી ૨૩.૪૧ લાખ રૂપિયાની વસુલી માટે પ્રક્રિયાને તીવ્ર બનાવી દીધી છે.

આ રકમને સામુહિક રીતે જમા કરવાની રહેશે. તપાસ દરમિયાન ચાર લોકોને ક્લીન ચીટ મળી ગઇ હતી. ૨૦મી ડિસેમ્બરની હિંસામાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા વધીને ૭૯ થઇ છે. ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં એસડીએમે ૧૩ લોકોને સીએએની સામે મહિલાઓને પ્રદર્શન કરવા માટે ઉશ્કેરવાના આરોપમાં ૫૦-૫૦ લાખ રૂપિયા જમા કરવા માટે નોટિસ ફટકારી છે. સાથે સાથે તેમને બે ગેરન્ટર રજૂ કરવાના આદેશ કર્યા છે. તમામ આરોપીઓ પર નખાશ વિસ્તારમાં નાગરિક સુધારા કાનૂનની સામે ધરણામાં મોટી સંખ્યામાં મહિલાઓને સામેલ થવા ઉશ્કેરવાના આરોપ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.