બંગાળના રાજકારણના ‘ચાણક્ય’ અને પૂર્વ રેલવેમંત્રી મુકુલ રોયનું નિધન
કોલકાતા, પશ્ચિમ બંગાળના રાજકારણમાં જેમની ગણતરી ‘ચાણક્ય’ તરીકે થતી હતી, તેવા કદાવર નેતા અને પૂર્વ રેલ મંત્રી મુકુલ રોયનું નિધન થયું છે. પક્ષ પલટા અને સંગઠન શક્તિના જોરે બંગાળની સત્તાના સમીકરણો બદલવામાં તેઓ નિષ્ણાત માનવામાં આવતા હતા.તૃણમૂલ કોંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ રોયનું કોલકાતાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે.
૭૧ વર્ષીય રોય લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા. તેમના પુત્ર શુભ્રાંશુ રોયે પુષ્ટિ કરી છે કે રાત્રે અંદાજે ૧ઃ૩૦ વાગ્યે અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મુકુલ રોયે પોતાના રાજકીય કરિયરની શરૂઆત યુથ કોંગ્રેસથી કરી હતી, પરંતુ મમતા બેનર્જી સાથે મળીને ટીએમસીની સ્થાપના કર્યા બાદ તેઓ રાષ્ટ્રીય ફલક પર ચમક્યા હતા.મુકુલ રોય લાંબા સમય સુધી મમતા બેનર્જીના ‘જમણા હાથ’ સમાન રહ્યા હતા.
વર્ષ ૨૦૦૬ માં તેઓ રાજ્યસભામાં પહોંચ્યા અને ત્યારબાદ કેન્દ્રમાં રેલ મંત્રી જેવી મહત્વની જવાબદારી સંભાળી. બંગાળમાં જ્યારે વર્ષ ૨૦૧૧ માં તાલિબાનના શાસનનો અંત આવ્યો અને ટીએમસી સત્તામાં આવી, ત્યારે અન્ય પક્ષોના નેતાઓને તોડીને ટીએમસી મજબૂત બનાવવામાં રોયની ભૂમિકા સૌથી મહત્વની હતી. તેમને સંગઠનના માસ્ટરમાઈન્ડ માનવામાં આવતા હતા.વર્ષ ૨૦૧૭ માં મમતા બેનર્જી સાથેના મતભેદો બાદ મુકુલ રોય ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
વર્ષ ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં ભાજપે બંગાળમાં જે ૧૮ બેઠકો જીતી હતી, તેમાં રોયની વ્યૂહરચનાનો મોટો ફાળો હતો. જોકે, વર્ષ ૨૦૨૧ માં ભાજપની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી જીત્યાના થોડા જ સમય બાદ તેઓ ફરી ટીએમસીમાં પરત ફર્યા હતા. નવેમ્બર ૨૦૨૫ માં કલકત્તા હાઈકોર્ટે પક્ષ પલટા વિરોધી કાયદા હેઠળ તેમને અયોગ્ય ધારાસભ્ય જાહેર કર્યા હતા. તેમના નિધનથી બંગાળના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે.SS1MS
