Western Times News

Gujarati News

રાજકોટમાં પેલેસ રોડ પર એપાર્ટમેન્ટમાં ગૂંગળામણથી માતા-પુત્રના કરુણ મોત

(એજન્સી)રાજકોટ, રાજકોટના પેલેસ રોડ વિસ્તારમાં આવેલી એક રહેણાંક સોસાયટીમાં મોડી રાત્રે આગ લાગવાની અત્યંત કમનસીબ ઘટના બની છે. આ દુર્ઘટનામાં ચોથા માળે આવેલા એક ફ્‌લેટમાં લાગેલી આગના ધુમાડામાં ગૂંગળાઈ જવાથી વૃદ્ધા અને તેમના પુત્રનું કરુણ મોત નીપજ્યું છે.

આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અમદાવાદ શહેરના વેજલપુરમાં તાજેતરમાં મોડી રાતે લાગેલી આગની ઘટનામાં પિતા-પુત્રના મોત થયાની ઘટના હજુ ભુલાઈ નથી, ત્યાં હવે રાજકોટમાં મકાનમાં આગ લાગવાની ઘટનામાં માતા-પુત્રના મોતની ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો હતો.

રાજકોટમાં મનમંદિર એપાર્ટમેન્ટના મકાનમાં શોર્ટસરકીટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળે છે. જો કે, એફએસએલની તપાસના અંતે જ આગનું ચોક્કસ કારણ જાણી શકે છે. પોલીસ દ્વારા માતા-પુત્રની લાશને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપીને તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, પેલેસ રોડ પર વર્ધમાનનગર શેરી નંબર ૮માં આવેલા ‘મનમંદિર એપાર્ટમેન્ટ’ના ચોથા માળે, બ્લોક નંબર ઝ્ર-૪૦૨માં ગત રાત્રે (૨૫ ફેબ્રુઆરી) આશરે ૧૨ વાગ્યાના અરસામાં અચાનક આગ ફાટી નીકળી હતી.

આગની જ્વાળાઓ એટલી ભીષણ હતી કે જોતજોતામાં હોલ અને રસોડામાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટના સમયે ફ્‌લેટમાં ૯૨ વર્ષીય પ્રભાબેન ભગવાનજીભાઈ પુજારા અને તેમના ૬૨ વર્ષીય પુત્ર નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ પુજારા સૂતા હતા.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંનેના શરીર પર દાઝ્યાના ગંભીર નિશાન નહોતા, પરંતુ આગને કારણે પેદા થયેલા કાળા ઘટ્ટ ધુમાડાને લીધે શ્વાસ લેવામાં તકલીફ પડતા તેઓ બેભાન થઈ ગયા હતા.

સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, આગનું ચોક્કસ કારણ જાણવા માટે હ્લજીન્ની મદદ લેવામાં આવી રહી છે. આ કરુણ દુર્ઘટનામાં એકમાત્ર આશ્વાસન એ રહ્યું કે મૃતક નરેન્દ્રભાઈનો પુત્ર સમીર, જે થોડા દિવસો પહેલા જ રાજકોટ આવ્યો હતો, તે સમયે ઘરે હાજર નહોતો. પૌત્ર બહાર હોવાથી તેનો આબાદ બચાવ થયો છે, પરંતુ પિતા અને દાદીના અચાનક નિધનથી પરિવાર પર આભ તૂટી પડ્‌યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.