Western Times News

Gujarati News

બોડેલીમાં ઈજાગ્રસ્ત દીકરીને ઉંચકીને પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા પિતા

પ્રતિકાત્મક

ભૂમિકા રાઠવા નામની વિદ્યાર્થિનીને પરીક્ષાના એક દિવસ અગાઉ જ પગમાં ફેક્ચર થયું હતું

(એજન્સી)બોડેલી, શિક્ષણના મહત્ત્વ અને પિતા-પુત્રીના અનોખા સંબંધની એક હૃદયસ્પર્શી ઘટના છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સામે આવી છે. ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષાના એક દિવસ પહેલા જ પગમાં ફેક્ચર થવા છતાં, પિતાના અડગ મનોબળ અને શાળા સંચાલકોના સહયોગથી એક વિદ્યાર્થિનીએ હિંમત હાર્યા વગર પોતાની પરીક્ષા આપી હતી.

બોડેલીની શેઠ એચ.એચ. હાઈસ્કૂલ ખાતે ધોરણ-૧૦ની પરીક્ષા ચાલી રહી છે. આ દરમિયાન ભૂમિકા રાઠવા નામની વિદ્યાર્થિનીને પરીક્ષાના એક દિવસ અગાઉ જ પગમાં ગંભીર ફેક્ચર થયું હતું.

ચાલવામાં અસમર્થ હોવા છતાં ભૂમિકાનું વર્ષ ન બગડે તે માટે તેના પિતા આત્મારામભાઈએ મક્કમ નિર્ધાર કર્યો હતો. તેઓ પોતાની દીકરીને કારમાં શાળા સુધી લાવ્યા, અને પરીક્ષા કેન્દ્ર સુધી પોતાના ખભે ઉંચકીને લઈ ગયા હતા. પિતાના આ ત્યાગ અને દીકરીની ભણવા પ્રત્યેની ધગશ જોઈને પરીક્ષા કેન્દ્ર પર હાજર શિક્ષકો, સ્ટાફ અને અન્ય વાલીઓ પણ ભાવુક થઈ ગયા હતા.

ભૂમિકાની બેઠક વ્યવસ્થા મૂળભૂત રીતે શાળાના બીજા માળે હતી, જે તેના માટે ચડવું અશક્્ય હતું. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષા કેન્દ્રના સંચાલકોએ ત્વરિત નિર્ણય લીધો હતો. માનવતાના ધોરણે ભૂમિકા માટે ખાસ વ્યવસ્થા કરી તેની બેઠક ગ્રાઉન્ડ ફ્લોર ખસેડવામાં આવી હતી, જેથી તેને કોઈ તકલીફ ન પડે.

પોતાની દીકરી પ્રત્યેની ફરજ નિભાવતા પિતા આત્મારામભાઈએ જણાવ્યું હતું કે, “મારી દીકરીનું ભવિષ્ય મારા માટે સૌથી મહત્વનું છે. કોઈ પણ સંજોગોમાં તેની પરીક્ષા છૂટે નહીં અને તેનું વર્ષ ન બગડે તે માટે હું કંઈ પણ કરવા તૈયાર છું.” આ ઘટનાએ સાબિત કર્યું છે કે જ્યાં ઈચ્છાશક્તિ અને સહકાર હોય ત્યાં કોઈ પણ મુશ્કેલી આડી આવતી નથી. સોશિયલ મીડિયા પર પણ આ પિતાની હિંમત અને શાળાના સહયોગની ખૂબ પ્રશંસા થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.