કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે PPPના ધોરણે થીમ આધારિત ‘કેન્ડી વર્લ્ડ’ તૈયાર થશે
AI Image
સ્માર્ટ અને ચાઈલ્ડ-ફ્રેન્ડલી સિટી તરફ આગળ વધતું અમદાવાદ, પરિવારજનો માટે ફોટોગ્રાફી અને ફરવાનું ખાસ સ્થળ તૈયાર થશે
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના ઐતિહાસિક કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે હવે એક અનોખું અને આધુનિક મનોરંજન કેન્દ્ર ઉભું થવા જઈ રહ્યું છે. આવનારા અંદાજે એક વર્ષમાં અહીં કેન્ડી વર્લ્ડ નામનું થીમ આધારિત મનોરંજન પાર્ક સાકાર થશે, જે ખાસ કરીને બાળકો અને પરિવારજનો માટે નવી મજા અને યાદગાર અનુભવ આપનારું બની રહેશે.
આ પ્રોજેક્ટ અંદાજે ૪,૧૩૩ ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવશે, જેમાં થીમ આધારિત પ્રવેશદ્વાર, ટિકિટિંગ ઝોન, ફૂડ કાઉન્ટર્સ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. મુલાકાતીઓને અલગ પ્રવેશ અને બહાર નીકળવાની વ્યવસ્થા સાથે સુરક્ષિત અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવશે.
મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ કૅન્ડી વર્લ્ડમાં બાળકો માટે કલ્પનાશક્તિને ઉજાગર કરતું એક ફેન્ટસી વર્લ્ડ તૈયાર કરવામાં આવશે. અહીં આઇસ્ક્રીમ લેન્ડમાં બબલ બ્લાસ્ટ, ગેમ ઝોન અને થીમ આધારિત કૂડ કિઓસ્ક રહેશે, જ્યારે મિલ્કી વે ગેલેક્સી-માં દોરડાથી બનેલું ઇન્ટરેક્ટિવ પ્લેગ્રાઉન્ડ અને સેન્સરી અનુભવ આપતી રમતો ઉપલબ્ધ રહેશે.
પેપરમિન્ટ વેલી માં માઉન્ટન સ્કી અને ઇન્ફ્લેટેડ કેન્ડી મેન્શન જેવી પ્રવૃત્તિઓ બાળકોને આકર્ષશે. અંદાજે રૂ. ૧૨ થી ૧૫ કરોડના ખર્ચે બનનાર આ પ્રોજેક્ટ શહેરવાસીઓ ખાસ કરીને બાળકો અને પરિવારો માટે નવી મનોરંજન ડેસ્ટિનેશન તરીકે ઉભરાશે. આ પ્રોજેક્ટ માટે આશરે ૪,૧૩૩ સ્ક્વેર મીટર જેટલી જગ્યા ખાનગી એજન્સીને ફાળવવામાં આવશે.
તેના બદલામાં એએમસીને પ્રતિ વર્ષ પ્રતિ સ્ક્વેર મીટર મુજબ રૂ. ૧૮૭ મુજબ બેઝટ રેન્ટલ ભાડું એટલે રૂ. ૭.૭૨,૮૭૧ મળશે. એટલું જ નહીં. પ્રોજેક્ટમાંથી મળનારી કુલ આવકમાંથી ૩૫ ટકા રેવન્યુ શેર પણ એએમસીને મળશે. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્થિર આવકનો સ્રોત પણ ઉપલબ્ધ થશે અને આર્થિક લાભ પણ મળશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રવેશદ્વાર પાસે જ રંગબેરંગી ડિઝાઇનવાળું ગ્રાન્ડ એન્ટ્રરસ પ્લાઝા અને ચોકલેટ મોન્યુમેન્ટ જેવા આકર્ષણો ઉભા કરવામાં આવશે, જેથી પરિવારજનો માટે ફોટોગ્રાફી અને ફરવાનું ખાસ સ્થળ તૈયાર થશે. આ ઉપરાંત રંગીન રેઇનબો સ્લાઇડ, થીમ આધારિત જિજર ગ્રેની હાઉસમાં ઇમર્સિવ રાઇડ, કેન્ડી કેસલ’માં ડાર્ક રાઇડ તથા ‘મમેઇડ એન્ડ કેન્ડી ક્રિએચર્સ’ જેવી લાઇવ પ્રદર્શન પ્રવૃત્તિઓ પણ મુલાકાતીઓને આકર્ષશે.
પાર્કમાં યુવાનો અને પરિવાર માટે નીઓન પિકલબોલ કોર્ટ, ફન રાઇડ્સ અને ફોટો બુથ્સની પણ વ્યવસ્થા કરવામાં આવશે. પ્રાથમિક આયોજન મુજબ પ્રવેશ માટે વ્યક્તિ દીઠ અંદાજે રૂ. ૪૦ જેટલી ટિકિટ દરની વિચારણા કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ એક્ટિવિટીઝની ફી રૂ. ૫૦ થી રૂ. ૧૦૦ સુધી રાખવામાં આવી છે.
કાંકરિયા તળાવ પહેલેથી જ અમદાવાદના મુખ્ય મનોરંજન અને પર્યટન કેન્દ્રોમાં સ્થાન ધરાવે છે. હવે ‘કેન્ડી વર્લ્ડ’ શરૂ થતાં શહેરમાં બાળકો અને પરિવાર માટે શહેરમાં મોજ-મસ્તી અને મનોરંજનનું એક નવું નજરાણું બનશે અને સ્થાનિક પ્રવાસન પ્રવૃત્તિઓને પણ વધુ વેગ મળશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદીઓને પોતાના શહેરમાં જ આંતરરાષ્ટ્રીય ધોરણનું થીમ આધારિત મનોરંજન પાર્ક અનુભવવાનો અવસર મળશે.
