Western Times News

Gujarati News

બોગસ મંજૂરીના આધારે બે વર્ષથી ધમધમતી હતી નકલી BEd. કોલેજ

V B Nandola College Una Gujarat

(એજન્સી)ઉના, ઉના પંથકના ભાચા ગામમાં ‘વનિતાબેન બચુભાઈ નાંડોળા બીએડ કોલેજ’  એનસીટીઈની બોગસ મંજૂરીના આધારે બે વર્ષ સુધી ધમધમતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વાસ્તવમાં એનસીટીઈ દ્વારા આ કોલેજને કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી ન હતી.

આ કૌભાંડમાં જવાબદારોએ એનસીટીઈના નામે નકલી મંજૂરીપત્ર તૈયાર કરી ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ વિભાગ અને જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મોકલી આપ્યો હતો.આ બોગસ પત્રને આધારે યુનિવર્સિટીએ પણ કોલેજને વિદ્યાર્થીઓની ફાળવણી કરી દીધી હોવાના અણસાર મળી રહ્યા છે. આટલી મોટી ગેરરીતિ સામે આવ્યા બાદ હવે જવાબદારો સામે કડક પોલીસ ફરિયાદ કરવાની માંગ ઉઠી છે.

છેલ્લા ઘણા સમયથી સોરઠ પંથકની બીએડ કોલેજો બોગસ હોવાની રાવ સાથે મોટો વિવાદ સર્જાયો હતો. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ઉપકુલપતિ બદલાતા જ શંકાસ્પદ બીએડ કોલેજો સામે તપાસનો ગાળિયો કસાયો હતો, જેના કારણે અનેક કોલેજોની મંજૂરી પણ રદ કરવામાં આવી હતી.

આ દરમિયાન ઉનાના ભાચા ગામની વી. બી. નાંડોળા બીએડ કોલેજ બોગસ હોવાના ગંભીર આરોપો વચ્ચે આરટીઆઈ અંતર્ગત માહિતી માંગવામાં આવી હતી.

આરટીઆઈના જવાબના આધારે કોલેજ પાસે રહેલા મંજૂરીના પત્રો સાચા છે કે ખોટા, તેની એનસીટીઈમાં ખરાઈ કરવામાં આવી હતી. અરજદારે માંગેલી માહિતીના આધારે એનસીટીઈએ ચોંકાવનારો ખુલાસો કરતા સ્પષ્ટતા કરી છે કે, ‘તારીખ ૦૫-૦૬-૨૦૨૩ અને તારીખ ૨૫-૦૭-૨૦૨૫ના રોજ અમે કોઈ પત્ર લખ્યો નથી કે આવી કોઈ મંજૂરી પણ આપેલી નથી.’

આ ઘટસ્ફોટ બાદ હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે, જે વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી ચૂક્યા છે અને જેમને ડિગ્રી એનાયત થઈ ગઈ છે, તેમનું ભવિષ્ય હવે શું?વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ દરમિયાન અનેક વિદ્યાર્થીઓએ ઉનાની વી.બી. નાંડોળા બીએડ કોલેજમાં અભ્યાસ કર્યાે છે.

આશ્ચર્યની વાત એ છે કે, આ કોલેજ પાસે એનસીટીઈની કોઈ માન્યતા જ નહોતી, તેમ છતાં ગત વર્ષે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આ કોલેજની પરીક્ષા લેવામાં આવી હતી.

એટલું જ નહીં, આ પરીક્ષાના પરિણામના આધારે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ડિગ્રી પણ એનાયત કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હવે જ્યારે કોલેજ બોગસ હોવાનો ઘટસ્ફોટ થયો છે, ત્યારે યુનિવર્સિટીની કાર્યપદ્ધતિ અને વિદ્યાર્થીઓના ભાવિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.