Western Times News

Gujarati News

પુજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા Creative Spark 2026 ખાતે ક્રિએટિવિટી ઈન એડવર્ટાઈઝીંગ વિષય પર પ્રવચન

અમદાવાદ એડ્વર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન (AACA) અને ગુજરાત યુનિવર્સિટી સેન્ટર ફોર પ્રોફેશનલ કોર્સિસ (GU-CPC)નાં સંયુક્ત ઉપક્રમે ક્રિએટિવ સ્પાર્કનું સફળ આયોજન

અમદાવાદ, 26 ફેબ્રુઆરી, 2026: ક્રિએટિવિટી, સ્પષ્ટતા અને જાગૃત વિચારશક્તિનું અનોખું સંમેલન ત્યારે સર્જાયું જ્યારે પુજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીએ Creative Spark 2026 દરમિયાન શક્તિશાળી મુખ્ય ભાષણ આપ્યું.

વિદ્યાર્થીઓ, એડ્વર્ટાઇઝિંગ પ્રોફેશનલ્સ અને મીડિયા પ્રતિનિધિઓને સંબોધતા સ્વામીએ જણાવ્યું કે સર્જનાત્મકતા માત્ર કલા નથી, પરંતુ સમસ્યાઓના ઉકેલ માટેનું શિસ્તબદ્ધ અને જવાબદાર અભિગમ છે. તેમણે યુવાનોને “આંખ, કાન અને મન ખુલ્લું રાખો” એવી પ્રેરણા આપી અને જણાવ્યું કે જીવનમાં પડકારો સતત આવે છે, પરંતુ દરેક સમસ્યામાં તેનો ઉકેલ છુપાયેલો જ હોય છે.

તેમણે વિશ્વપ્રસિદ્ધ ટેનિસ ખેલાડી આન્દ્રે અગાસીની આત્મકથા “ઓપન” નો ઉલ્લેખ કરી દૃઢતા, એકાગ્રતા અને માનસિક સ્પષ્ટતાનું મહત્ત્વ સમજાવ્યું. તેમણે જણાવ્યું કે સફળતા માટે સાદગી, સ્વતંત્ર વિચારશક્તિ અને ધૈર્ય અનિવાર્ય છે.

સ્વામીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યું કે વિચારોને સરળ, સ્પષ્ટ અને હેતુપૂર્ણ રાખવા, શૈક્ષણિક જ્ઞાનને વાસ્તવિક અનુભવ સાથે જોડવા અને ઉકેલ મળ્યા સુધી અવિરત પ્રયત્ન કરતા રહેવા. એક અસરકારક રૂપકમાં તેમણે કહ્યું: “જો તમને પંખીઓની ચહક સાંભળવી હોય, તો પિંજરો ન ખરીદો — વૃક્ષ વાવો.”

તેમણે સમજાવ્યું કે પંખીઓનો કલરવ સ્વતંત્રતા અને સર્જનાત્મકતાનું પ્રતિક છે. પિંજરામાં બંધ વિચારોથી નવીનતા શક્ય નથી; ખુલ્લું અને પોષણ આપતું પર્યાવરણ જ સચોટ ક્રિએટિવ સોલ્યુશન્સ સર્જે છે.

ક્રીએટીવ સ્પાર્ક 2026 અંતર્ગત વિદ્યાર્થીઓએ “Sports City Ahmedabad 2036 – A Vision for the Future” અને “Future in Our Hands – Balance of Technology, Nature & Humanity” જેવા વિષયો હેઠળ પોતાની સર્જનાત્મકતા રજૂ કરી. વિજેતાઓને વિઝનરી એવોર્ડ અને ઈનોવેટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

આ પ્રસંગે AACA ના પ્રમુખ મનીષ ગાંધીએ જણાવ્યું કે AACAના 35 ગૌરવસભર વર્ષ નિમિત્તે ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઇઝિંગ અંતર્ગત મિડિયા એવોર્ડસ, કલા સંગમ, લીડર્સ ટોક-શો, ક્રીકેટ કાર્નિવલ, બ્લડ ડોનેશન કેમ્પ જેવા વિવિધ આયોજન કરેલ છે.  ટૂંક સમયમાં AACA 35 વર્ષની ક્રિએટિવ જર્ની દર્શાવતી કોફી ટેબલ બુક પણ પ્રકાશિત કરશે.

કાર્યક્રમના અંતમાં સ્વામીજીએ સૌ ઉપસ્થિતોને સાથે લઈને નૈતિક, નવીન અને ઉકેલ-કેન્દ્રિત ક્રિએટિવિટી માટે પ્રતિબદ્ધતા લેવડાવી. તેમણે સંકલ્પ અપાવ્યો કે દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં ઇન્ટેગ્રિટી, પ્રોફેશનલિઝમ અને સમાજપ્રતિ જવાબદારી સાથે કાર્ય કરશે. આ પ્રેરણાદાયી સંદેશ યુવા પ્રતિભાઓ માટે નવી દિશા અને નવી ઊર્જાનું પ્રતિક બન્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.