“કોંગ્રેસના સમયમાં અંદાજપત્રો માત્ર આંકડાઓની માયાજાળ હતા, તેમની સરકારોએ દેશના અર્થતંત્રને ‘અનર્થતંત્ર’ બનાવી દીધું”
ગુજરાતનું રૂ. ૪,૦૮,૦૫૩ કરોડનું બજેટ ‘વિકસિત ગુજરાત @ ૨૦૪૭‘નો મજબૂત પાયો: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી
ગુજરાતનો Debt-to-GSDP રેશિયો નિયત મર્યાદા (૨૭ ટકા)થી ઘણો નીચો ૧૮.૨ ટકા; પંજાબમાં Debt-to-GSDP રેશિયો ૪૭ ટકા અને હિમાચલમાં ૪૫ ટકા
NCAERના અહેવાલ મુજબ, છેલ્લા ૧૦ વર્ષમાં દેવાના રેશિયોમાં ઘટાડો કરવામાં ગુજરાત દેશમાં સર્વશ્રેષ્ઠ
ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૨૬-૨૭ના ઐતિહાસિક અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચામાં પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈને રાજ્ય સરકારના વિઝન અને સિદ્ધિઓને ગૃહ સમક્ષ રજૂ કરી હતી. તેમણે આ અંદાજપત્રને સાડા છ કરોડ ગુજરાતીઓના સપનાઓને સાકાર કરતો અને ‘વિકસિત ગુજરાત @ ૨૦૪૭’નો મજબૂત પાયો નાખતો એક જીવંત દસ્તાવેજ ગણાવ્યો હતો.
મંત્રી શ્રી વાઘાણીએ દિન વિશેષની નોંધ લઈને ગુજરાતના પનોતા પુત્ર અને વીર કવિ નર્મદ તેમજ વીર સાવરકરને તેમની પુણ્ય તિથી નિમિત્તે ભાવાંજલિ પાઠવી હતી.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનસેવક તરીકે ૨૪ વર્ષ પૂર્ણ કરી દેશને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી છે. વર્ષ ૨૦૦૬-૦૭માં તેમણે આ જ ગૃહમાં આપેલી વિકાસની વ્યાખ્યા “વિકાસ ટુકડાઓમાં નહીં, પણ અખંડ હોય”, તે આજે સાચી સાબિત થઈ રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આજે ગુજરાતમાં રાજકીય સ્થિરતા છે, તેથી નિર્ણાયક સરકાર પ્રજા કલ્યાણના કાર્યો કરી રહી છે.
મંત્રીશ્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે, નાણા મંત્રીશ્રીએ રજૂ કરેલું અંદાજપત્ર ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. તેમણે આંકડાકીય તુલના કરતા જણાવ્યું કે, વર્ષ ૨૦૦૧-૦૨માં આ અંદાજપત્રનું કદ માત્ર રૂ. ૩૬,૦૦૦ કરોડ હતું, જે આજે ૧૧૦૦ ટકાના વધારા સાથે રૂ. ૪,૦૮,૦૫૩ કરોડ થયું છે. તેવી જ રીતે, રાજ્યની માથાદીઠ આવક પણ રૂ. ૧૯,૭૧૩થી વધીને રૂ. ૩,૦૧,૦૦૦ થઈ છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા ૬૦% વધુ છે. આજે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો ૮.૨ ટકા છે.
રાજ્યની નાણાકીય તંદુરસ્તી અંગે નીતિ આયોગના ‘ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્ષ-૨૦૨૫’ નો ઉલ્લેખ કરતા મંત્રી શ્રી વાઘાણીએ ગર્વભેર જણાવ્યું કે, ગુજરાત “Achiever” શ્રેણીમાં એટલે કે પ્રથમ કેટેગરીમાં સ્થાન ધરાવે છે. બીજી તરફ, વિપક્ષ શાસિત પંજાબ, કેરળ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો નાણાકીય વ્યવસ્થાપનમાં સૌથી છેલ્લી ‘એસ્પીરેશનલ’ કેટેગરીમાં છે. પહેલા બજેટ હંમેશા ખોટવાળા રહેતા, આજે ગુજરાત રૂ. ૨૫,૫૮૬ કરોડની મહેસૂલી પુરાંત ધરાવતું રાજ્ય બન્યું છે.
જ્યારે પણ દેવાની વાત આવે, ત્યારે કોંગ્રેસ જનતાને ગેરમાર્ગે દોરે છે. પરંતુ સત્ય એ છે કે, સરકાર કોઈ ગૃહિણીની જેમ માત્ર બચત કરીને રાજ્ય ન ચલાવી શકે. હાઈવે, બ્રિજ, નર્મદા ડેમ અને હોસ્પિટલો જેવા મોટા કામો માટે જંગી મૂડી જોઈએ. દેવું કરીને મોજશોખ કરવો તે ‘બિન-ઉત્પાદક’ છે, પણ દેવું કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું એ “ઘી પીવા” સમાન ઉત્પાદક રોકાણ છે, જેના પરિણામે જ આજે ગુજરાત નાણાકીય શિસ્તમાં અવ્વલ છે. મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું કે, ગુજરાતનું જાહેર દેવું GSDPના માત્ર ૧૮.૨ ટકા છે, જે કાયદાકીય મર્યાદા ૨૭ ટકાથી ઘણું નીચું અને અત્યંત શિસ્તબદ્ધ છે.
આ સંદર્ભે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતનો Debt-to-GSDP રેશિયો ૧૮.૨ ટકા જેટલો નીચો છે, જે નિયત ૨૭ ટકા કરતા ઘણો ઓછો છે, જ્યારે વિપક્ષ શાસિત પંજાબમાં Debt-to-GSDP રેશિયો ૪૭ ટકા અને હિમાચલમાં ૪૫ ટકા છે. ગુજરાતનો GSDP સદ્ધર હોવાથી જ તેને દેવું મળે છે, ભિખારીને કોઈ ઉછીના નાણા ન આપે. NCAERના અહેવાલ મુજબ, છેલ્લા ૧૦ વર્ષમાં દેવાના રેશિયોમાં ઘટાડો કરવામાં ગુજરાત દેશમાં સર્વશ્રેષ્ઠ છે.
મંત્રીશ્રીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, જે લોકોએ દાયકાઓ સુધી આંખે પાટા બાંધીને રાજકારણ કર્યું છે, તેમને વિકાસનો સૂર્યોદય દેખાતો નથી. તેમણે કોંગ્રેસના શાસનકાળનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના સમયમાં અંદાજપત્રો માત્ર આંકડાઓની માયાજાળ હતા, જેમાં વિકાસનું કોઈ સંકલિત માળખું નહોતું. તેમના શાસનમાં ભ્રષ્ટાચાર, કૌભાંડો અને ‘ગરીબી હટાવો’ના માત્ર પોકળ નારા હતા. કોંગ્રેસની સરકારોએ દેશના અર્થતંત્રને ‘અનર્થતંત્ર’ બનાવી દીધું હતું. તેમણે જનતાને વાસી ગુલાબ પણ ના આપ્યું. પણ કેટલાક નેતાઓ પોતે દરરોજ તાજા ફૂલો અને પેરીસથી ઈસ્ત્રી થઈને આવેલ કપડા પહેરતા હતા.
મંત્રીશ્રીએ વિપક્ષની આકરી આલોચના કરતા કહ્યું હતું કે, ૧૭ વર્ષ પહેલાં મુંબઈમાં થયેલા ૨૬/૧૧નો હુમલો થયો ત્યારે, કોંગ્રેસની સરકારે માત્ર ડોઝિયર મોકલ્યા અને શરણાગતિ સ્વીકારી. તેમની જ સરકારના ગૃહમંત્રીએ કબૂલ્યું હતું કે, સેના તૈયાર હતી, પણ સરકારે હુમલો કરતા રોક્યા હતા. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળના નવા ભારત સામે કોઈ આતંકી આંખ ઉઠાવે, તો આપણી સેના ઘરમાં ઘૂસીને તેનો સંહાર કરે છે, જે દુનિયાએ ઓપરેશન સિંદૂરમાં જોયું છે. આ ફરક છે કોંગ્રેસની લાચાર સરકાર અને ભાજપની દમદાર સરકાર વચ્ચે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, કોંગ્રેસે સરદાર વલ્લભભાઈ પટેલને ૪૧ વર્ષ સુધી ભારત રત્નથી વંચિત રાખ્યા અને નર્મદા યોજનાને દાયકાઓ સુધી લટકાવી રાખી, જેના કારણે પ્રોજેક્ટની કિંમત રૂ. ૬,૦૦૦ કરોડથી વધીને રૂ. ૫૬,૨૮૬ કરોડ થઈ ગઈ, આ આર્થિક પાપની કિંમત ગુજરાતની જનતાએ તેમને ચૂકવી છે.
તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના GYAN એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના મંત્રનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, સરકાર આ ચાર વર્ગોના ઉત્કર્ષ માટે કટિબદ્ધ છે. સામાજિક ન્યાય વિભાગ માટે રૂ. ૭,૦૮૬ કરોડની જોગવાઈ છે. જન ધન યોજના દ્વારા ૫૭ કરોડથી વધુ ખાતાઓ ખોલીને આર્થિક સમાવેશન કરવામાં આવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ. ૨૫,૪૦૩ કરોડ ફાળવ્યા છે. PMJAY – આયુષ્માન ભારત યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ બની છે. માર્ગ અને મકાન વિભાગ માટે રૂ. ૨૯,૭૦૯ કરોડની ઐતિહાસિક જોગવાઈ છે. જેથી હવે ગુજરાતના ગામડાના રોસ-રસ્તાઓ પણ ગ્લોબલ સ્ટાન્ડર્ડના બનાવવામાં આવશે.
ગુજરાત આજે ‘પોલીસી ડ્રિવન સ્ટેટ’ બન્યું છે. જ્યાં, સેમિકન્ડક્ટર, આઈ.ટી., બાયોટેકનોલોજી અને રીન્યુએબલ એનર્જી જેવી અનેક આધુનિક પોલિસીઓ દ્વારા રાજ્ય મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે. માત્ર ઉદ્યોગો જ નહિ, આ બજેટ ‘જગતના તાત’ ની પ્રગતિનો પણ દસ્તાવેજ છે. ખેડૂતોને હવે રાત્રે ઉજાગરા નથી કરવા પડતા, ‘કિસાન સૂર્યોદય યોજના’થી તેમને દિવસે વીજળી મળે છે. ચાલુ રવિ સીઝનમાં રાજ્યના ખેડૂતોએ ૪૪ લાખ હેક્ટરમાં વિક્રમી વાવેતર કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ અંતમાં જણાવ્યું હતું કે, આ બજેટ કોઈ હવામાં બનાવેલો દસ્તાવેજ નથી, પરંતુ આવનારી પેઢીઓ માટે સુવર્ણ ભવિષ્યનો લેખિત દસ્તાવેજ છે. તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતની સમગ્ર ટીમ ગુજરાતને આ સર્વગ્રાહી અંદાજપત્ર બદલ અભિનંદન પાઠવી પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું.
