Western Times News

Gujarati News

રઢુના યુવાન સાથે લગ્ન કર્યા બાદ લૂંટેરી દુલ્હન સોના-ચાંદીના દાગીના લઈ ફરાર

નડિયાદ, ખેડા તાલુકાના રઢુ ગામના સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા યુવાનને લગ્નની જાળમાં ફસાવી ઢગ ટોળકીએ સોના-ચાંદીના દાગીના પડાવી લઇ છેતરપિંડી કરતા ચકચાર મચી જવા પામી છે.

આ બનાવ અંગે છેતરપિંડીનો ભોગ બનેલા યુવકની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.ખેડા તાલુકાના રઢુ ગામે ઈન્દિરાનગરીમાં રહેતા દીપક અરવિંદભાઈ પરમાર (ઉં.વ.૩૫) ધોળકાની કેડિલા ફાર્મા કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.

દીપકભાઇ પરમારે પોતાના લગ્ન કરાવવા સગા સંબંધીઓને વાત કરી હતી. આ દરમિયાન તેમના બનેવી પ્રવીણ ચૌહાણે જણાવેલું કે, ધોળકાના ચલોડા ગામે રહેતા તેમના મામાનો દીકરો દીપક રામા પરમાર બહારની છોકરીઓ બતાવી સગપણ કરાવે છે.

જેથી દીપક પરમારે તેનો સંપર્ક કરતા અમદાવાદ ગેરેતપુર ખાતે મહારાષ્ટ્રની એક યુવતી લગ્ન માટે આવી છે તેમ કહેતા દીપક પરમારે યુવતીને જોવા ઈચ્છા દર્શાવી હતી. જેથી ચલોડાનો દીપક ગત તા.૧૨-૧૦-૨૦૨૫ના રોજ મહારાષ્ટ્રની સપના સાહેબરાવ અલહત નામની છોકરી તેના મામા-મામી વિનોદ ભાસ્કર મોરે અને મંગલા વિનોદ મોરે અને અમદાવાદ ગેરેતપરની બે મહિલા દલાલ કંચન ગજેન્દ્ર પરમાર, રેખા નરેશ પરમાર અને સુરતનો વિજય નામના દલાલ સાથે રઢુ ગામમાં લગ્ન કરવા ઈચ્છતા દીપક પરમારના ઘરે ગયો હતો. દીપક પરમારને સપના પસંદ આવી હતી.

આ દરમિયાન ચલોડાના દલાલ દીપક પરમાર અને ટોળકીએ લગ્ન નક્કી કરવા માટે શરૂઆતમાં અઢી લાખ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ રકઝકના અંતે રૂ.૧૭,૦૦૦નો ચઢાવો અને ચાંદીના દાગીના આપવાનું નક્કી થયું હતું. ત્યાર પછી તા.૧૩-૧૦-૨૫ના રોજ અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલા મેરેજ પોઈન્ટમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ દીપક અને સપનાના લગ્ન થયા હતા.

લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ દીપક પરમારે સપનાના મામા વિનોદ મોરેને રૂ.૧,૨૦,૦૦૦ રોકડા આપ્યા હતા, જ્યારે અન્ય દલાલો દીપક પરમાર, કંચન, રેખા અને વિજયને દલાલી પેટે દરેકને રૂ.૧૨,૫૦૦ લેખે કુલ ૫૦,૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા. આ ઉપરાંત દીપક પરમારની માતા સવિતાબેને પુત્રવધુ સપનાને સોનાની ચેઈન તેમજ ચાંદીના દાગીના પહેરાવામાં આપ્યા હતા.

સપના અને દીપક પરમારના લગ્નની તા.૧૪-૧૦-૨૦૨૫ના રોજ અમદાવાદ ખાતે લગ્ન રજીસ્ટ્રારની કચેરીમાં નોંધણી પણ કરાવવામાં આવી હતી. લગ્ન બાદ સપના સાસરીમાં રહેવા આવી હતી. તેણી ત્રણ દિવસ સુધી સાસરીમાં રહી હતી.

આ દરમિયાન તા.૧૭-૧૦-૨૫ની રાત્રે બનાવેલી રસોઈમાં કોઈ નશા કારક પ્રદાર્થ ભેળવ્યો હતો. જે જમ્યા બાદ દીપક પરમાર અને માતા સવિતાબેન ઘસઘસાટ ઊંઘી ગયા હતા. જેનો લાભ ઉઠાવી લૂંટેરી દુલ્હન સપના લગ્નમાં આપેલા સોના ચાંદીના દાગીના તેમજ મોબાઇલ ફોન લઈ ઘરના પાછળના દરવાજો ખોલી નાસી ગઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.