ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી એ વકીલ મતદારોને પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવી “ન્યાયધર્મ” અને વકીલોના વ્યવસાયિક હિતને ઉજાગર કરવાનો અવસર કેમ ?!
જે. જે. પટેલે ફોજદારી બારમાંથી વકીલોની સેવા કરી ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન પદ સુધી પહોંચ્યા પણ સમગ્ર વકીલ આલમની જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમ, રાજકારણ જોયા વગર ફકત સેવા કરી છે ! અને ભાડા-ભથ્થા ઘેર નથી લઈ ગયા એ મોટી વાત છે ?!!
એવા વકીલ ઉમેદવારો ચૂંટો જે વ્યવસાયે વકીલ હોય કારણ કે આજકાલ કથિત ભૂતિયા વકીલ મતદારો પણ ઘણાં હોવાનું મનાય છે !
અમેરિકન મહિલા ઉદ્યોગપતિ, સાહસિક અને કોસ્મેટીક ઈન્કના સ્થાપક મેરી કે. એશ કહે છે કે, “મોટા ભાગના લોકો ડ્રોઈંગ રૂમમાં પિયાનો સજાવીને પરલોક સિધાવી જાય છે, એમણે કયારેય એ વગાડવાની હિમ્મત નથી કરી હોતી”!! જયારે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં મતદાન થવા જઈ રહ્યું છે
ત્યારે આપણે એટલું તો વિચારીએ કે, ગુજરાત બાર કાઉન્સિલમાં ચેરમેન પદ ધારણ કરી શ્રી જે. જે. પટેલ સમગ્ર વકીલ આલમ માટે જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમ, સંપ્રદાય જોયા વગર ફકત ને ફકત ” વકીલ મિત્ર” માટે કામ કર્યુ છે ! ગુજરાત બાર કાઉન્સિલનો અવાજ સમગ્ર દેશમાં ગુંજતો કર્યા છે ! ગુજરાત બાર કાઉન્સિલ માટે જુદા, જુદા તબકકે થઈને આજદિન સુધી વકીલોના હિતાર્થે આશરે ૩૪ કરોડ અને ૫૦ લાખ રૂપિયા જેટલી માતબર રકમ મેળવી છે !
આ રકમમાંથી તેમણે સેવા જ કરી છે ! ગુજરાત બાર કાઉન્સિલમાંથી ભાડા-ભથ્થા ઘેર લઈ ગયા હોવાનું કયાંય ચર્ચાયુ નથી ! જુનીયર્સ વકીલો સનદ લેવા જાય ત્યારે તેમના કામો સરળતાથી થાય તેનું આયોજન કર્યુ છે ! ગુજરાત બાર કાઉન્સિલની કચેરીમાં, ઓફિસમાં સતત હાજરી આપી વકીલોની સમસ્યાઓ દુર કરી છે ! શ્રી જે. જે. પટેલે ગુજરાત બાર કાઉન્સિલમાં રાજકીય પિયાનો વગાડીને સેવા તો ફકત વકીલોની જ કરી છે !
અને તેનો લાભ પણ વકીલોને જ થયો છે ! ફોજદારી બારના પૂર્વ સેક્રેટરી શ્રી હર્ષદભાઈ જાની કોંગ્રેસી વિચાર ધારાને વરેલા છે ! પણ છતાં કહે છે કે, શ્રી જે. જે. પટેલ ફોજદારી બારમાં કારોબારી સભ્ય તરીકે ચૂંટાયા હતાં ત્યારે ફોજદારી કોર્ટ કમ્પાઉન્ડમાં થયેલા “હવન ખર્ચ” માટે શ્રી જે. જે. પટેલે દસકાઓ પહેલાં ૮૦ હજાર રૂપિયાની મદદ કરી હતી ! આમ શ્રી જે. જે. પટેલ ફોજદારી કોર્ટના વકીલોના પાયાના કાર્યકર છે !
ફોજદારી બારના પૂર્વ સેક્રેટરી અને પૂર્વ પ્રમુખ, વરિષ્ઠ અને કાબેલ એડવોકેટ શ્રી બી. એમ. ગુપ્તાએ વકીલોની સેવા માટે મદદ માટે આગવું બાર એસોસીએશન બનાવ્યું તેનું ગુજરાત બર કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરવાના કામને પ્રાથમિકતા આપી શ્રી જે. જે. પટેલે તેમના વકીલ મંડળનું રજીસ્ટ્રેશન કરાવી તેમાં શ્રી બી. એમ. ગુપ્તાના કાર્યને નૈતિક બળ પુરૂં પાડયું હતું !
અને છેલ્લે ફોજદારી બારમાં વકીલાત કરતા મહિલા એડવોકેટની સલામથી ઉપર હુમલો થયો, વકીલાતની વ્યવસાયિકતા ઉપર હુમલો થયો ત્યારે શ્રી જે. જે. પટેલે નેતૃત્વ કરી અવાજ ઉઠાવ્યો હતો ! તેની આ બોલતી જીવંત તસ્વીર છે ! ત્યારે હવે ફોજદારી કોર્ટના સમગ્ર વકીલ આલમે અને મહિલા ધારાશાસ્ત્રીઓએ વિચારવાનો અને સહકાર આપવાનો આ એક સુંદર અવસર છે !
અને માટે શ્રી જે. જે. પટેલ સમગ્ર વકીલ આલમને જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમ અને રાજકારણને બાજુ પર મુકીને પ્રથમ પ્રેફરન્સસનો મત માંગે છે ! ત્યારે આ વકીલોની કરેલી સેવાનું ઋણ પણ ચૂકવવાનો આ અવસર છે ! ફરી વકીલોની સેવા કરવાની તક આપવાનો આ સકારત્મક અવસર છે ! એવું પણ જાગૃત વકીલો કહેતા થયા છે ! હવે વકીલોએ વિચારવાનું છે કે તેમનું ઉત્તરદાયિત્વ શું છે ??!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા )
જર્મન વૈજ્ઞાનિક વોલ્થર હર્મન નર્સ્ટ કહે છે કે, “આ બ્રહ્માંડ આપણે ધારીએ છીએ એટલું વિચિત્ર નથી, આપણે વિચારી શકીએ તેનાથી પણ વધુ વિચિત્ર છે ! માટે તો આ ધરતી પર જન્મતું પ્રત્યેક બાળક શ્રી ભગવાનનો એ સંદેશો લઈને આવે છે કે, શ્રી પરમેશ્વરે માનવ જાત ઉપરથી વિશ્વાસ ગુમાવ્યો નથી”!! બ્રિટીસ વૈજ્ઞાનિક સર ફ્રાન્સીસ ગાલ્ટન કહે છે કે,
“વધુ બહેતર માણસ જાત પેદા કરવી એ હવે તાકીદની જરૂરિયાત બની ગઈ છે, સરેરાશ માણસ રોજીંદા કાર્યા કરીને આધુનિક સભ્યતાને જ આગળ વધારી રહ્યો છે”!! આ “સત્ય” છે !! કારણ કે, વિચક્ષણ, સંવેદનશીલ, માનવતાવાદી, ન્યાયપ્રિય, સ્વાતંત્ર્યપ્રિય અને પ્રભાવશાળી, કર્મશીલ માનવી જ કુદરતી ન્યાયના સિધ્ધાંતો અને મૂલ્યો આગળ વધારે છે ! અને ઈશ્વરની દુનિયા તેના થકી ટકી છે ! બાકી તો આ માનવ જગતમાં દંભી, પાખંડી અને પ્રપંચી સત્તાના શાસકોથી ઘેરાયેલું છે ?!
સુફીયાણી વાતો કરનારા અનેક લોકો તમને મળશે, પોતાને માટે જીવનારા લોકો તમને મળશે અને સત્તા માટે ગમે તે કરવા તૈયાર લોકો મળશે ?! પણ કમ સે કમ ઈશ્વરસર્જીત આ ધરતી પર “ન્યાયતંત્ર” દ્વારા “ન્યાયધર્મ” ને જીવંત રાખનારા અને તેની વૈશ્વિક સમજ ધરાવતા માનવીઓને “સત્તાના સૂત્રો” સોંપવાની જરૂર છે ! ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં જાગૃત, વિચારશીલ અને માનવતાવાદી વકીલો એવા વકીલ ઉમેદવારોને ચૂંટે જે કુદરતના ન્યાયના સિધ્ધાંતો, નૈતિકતાથી નજીક
હોય ?!
ગુજરાત બાર કાઉન્સિલમાં મતદાન કરતા પૂર્વે શ્રીમદ્દ ભાગવદ્દ ગીતાના સંદેશાને અનુસરી મતદાન થશે તો જ શ્રેષ્ઠ ઉમેદવારોને ચૂંટાવાની તક એ અવસરમાં પલટાઈ શકે છે ?
શ્રીમદ્દ ભાગવદ્દ ગીતાનો એક ટુંકો, સુંદર અને સચોટ ઉપદેશ છે કે, “તમે તમારા કર્તવ્ય ધર્મનું પાલન કરો”! કર્તવ્ય ધર્મ એટલે “ન્યાયધર્મ” આજે સમગ્ર વિશ્વના લોકશાહી દેશોની સંસ્કારીતા, સભ્યતા એ ન્યાયધર્મની ઓળખ બની ગયું છે ! માટે તો આજે અમેરિકાની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ જોન રોબર્ટસે અમેરિકાના શક્તિશાળી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂધ્ધ ચૂકાદો આપવાની બંધારણીય સત્તા અને શક્તિનો ઉપયોગ કરતા અવલોકન કર્યુ કે, “પ્રમુખ પોતાની અવધિ અને દાયરાના ટેરિફ લગાવી શકે છે, પરતુ આ દાયરાના અધિકારની વ્યાપકતા, ઈતિહાસ અને બંધારણીયતા સંદર્ભે જોતાં ટેરિફ નાંખવાની સત્તા નથી”!!
ભારતની સુપ્રિમ કોર્ટની વાત કરીએ તો સુપ્રિમ કોર્ટે વર્ષ ૧૯૭૩ માં કેશવાનંદ ભારતી કેસમાં ચૂકાદો આપતાં કહ્યું કે, “બંધારણની કલમ- ૩૬૮ ભારતની સંસદને બંધારણનું પાયાગત માળખું, આધાર તંત્ર બદલવાનો અધિકાર નથી ! ત્યારબાદ ભારતની સુપ્રિમ કોર્ટે ઈલેકટ્રોલ બોન્ડને ગેરબંધારણીય ગણાવી રદ કર્યા આવું ન્યાય તંત્ર જ કરી શકે”!!
સુપ્રિમ કોર્ટે એક ચૂકાદો આપતા જણાવેલ કે, “રાઈટ ટુ પ્રાઈવશીના મળેલા અધિકારને બંધારણની કલમ-૨૧ હેઠળ આવરી લઈ મૂળભૂત અધિકાર જાહેર કર્યા”!! યુ.પી. અને અન્ય રાજય સરકારો “બુલ્ડોઝર ફેરવવાના” તંત્રની કાર્યવાહીને પણ સુપ્રિમ કોર્ટે ગેરકાનૂની ગણાવી હતી ! કારણ કે ગુન્હો કોઈ કરે અને સજા સમગ્ર પરિવારને કરી શકાય નહીં ?! આવું સુપ્રિમ કોર્ટે ઠરાવ્યું હતું ?!
આ એ હકીકત દર્શાવે છે કે, દેશની અદાલતોમાં બેસતા ન્યાયાધીશો ન્યાયધર્મ અદા કરે છે !! માટે વકીલોની વકીલાત ચાલે છે ! રાજકારણીઓના નિર્ણયોથી વકીલોની વકીલાત ચાલતી નથી ! માટે નિષ્પક્ષ, સક્ષમ અને માનવીય મૂલ્યો સાથેનો ન્યાય જોઈતો હોય તો દેશનું ન્યાય તંત્ર મજબુત બનાવો ! અને વકીલોએ તેમના પ્રશ્નો ઉકેલવા હોય તો ગુજરાત બાર કાઉન્સિલમાં પારદર્શક વહીવટ જોઈતો હોય તો, એવા વકીલ ઉમેદવારો ચૂંટો જે વ્યવસાયે વકીલ હોય કારણ કે આજકાલ કથિત ભૂતિયા વકીલ મતદારો પણ ઘણાં હોવાનું મનાય છે !
કહેવાય છે કે, ગુજરાત બાર કાઉન્સિલના કેટલાંક સભ્યોની વકીલાત એટલી ચાલતી નથી એના કરતા ગુજરાત બાર કાઉન્સિલમાંથી ભાડા-ભથ્થાની આવક વધુ છે ?! ગુજરાત બાર કાઉન્સિલના સભ્યોની આવકનું લીસ્ટ હજુ સુધી જાહેર કેમ કર્યુ નથી ?! કર્યુ હોય તો મિડીયા સુધી કેમ પહોંચ્યું નથી ?! વકીલ મતદારો વિચારે હવે બહું થયું ?! “એકડો”, “બગડો” નહીં પણ મત એવા ઉમેદવારોને ના આપો જે ફકત “ભાડા-ભથ્થા” લેવા ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી લડતા હોય ?! ખરૂં કે નહીં ?!
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી એ વકીલોનો વ્યવસાય બચાવવા માટે, ન્યાયતંત્રની સ્વતંત્રતા અને નિષ્પક્ષતાના સમર્થક ઉમેદવારોને મત આપવાનો ઐતિહાસિક અવસર છે ?! લાખ્ખો રૂપિયાના ભાડા-ભથ્થા ઘરે લઈ જતાં ચૂંટાયેલા સભ્યોની ચિંતા કરવાનો અવસર છે !
બર્ટ્રાન્ડ રસેલ નામના તત્વચિંતકે સરસ કહ્યું છે કે, “માનવીને પંખીની જેમ ઉડતા આવડે છે, માછલીની જેમ પાણીમાં તરતા આવડે છે પણ ધરતી પર જીવતા આવડતું નથી”!! વકીલાતના વ્યવસાય વિષે વિચારીએ તો તેમાંથી મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરૂ, ર્ડા. ભીમરાવ આંબેડકર જેવા નિષ્ઠાવાન, મજબુત મનોબળ વાળા માનવતા, લોકશાહી અને માનવ અધિકારો માટે જીવનારા અને લડનારા માનવીઓ આવ્યા !!
વકીલાતનો વ્યવસાય એક “ન્યાયધર્મ” સાથે જોડાયેલો મહત્વપૂર્ણ વ્યવસાય છે ! માટે વકીલોએ વકીલાતના વ્યવસાયનું હિત ઈચ્છતા હોય, ન્યાયતંત્રની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા ઈચ્છતા હોય તો બાર કાઉન્સિલની ચૂંટણીમાં ગાંધી, સરદાર પટેલ, પંડિત નહેરૂ, ર્ડા. ભીમરાવ આંબેડકર, ર્ડા. એ.પી.જી. અબ્દુલ કલામ જેવા ઉમદા વિચારો ધરાવતા ઉમેદવારોને શોધીને મતદાન કરો ! ચાલાકી પૂર્વકના પ્રચારથી પ્રભાવિત થયા વગર મતદાન કરી વકીલોની માતૃ સંસ્થા એવી ગુજરાત બાર કાઉન્સિલ માટે મતદાન કરો !
કહેવાય છે કે, રૂ. ૨૨, ૨૨ લાખ કે તેનાથી વધુ રૂપિયા ભાડા-ભથ્થા દ્વારા ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટાયેલા સભ્યો લઈ ગયા છે ?! વકીલોની માતૃ સંસ્થાને ફોલી ખાધી હોવાનું ચર્ચાય છે ! ત્યારે હવે વકીલ મતદારો જુનીયર્સ હોય કે સીનીયર્સ હોય અંતરઆત્માના અવાજને અનુસરીને ધીર ગંભીર બનીને મતદાન કરો ! મહિલા ધારાશાસ્ત્રીઓ વિચાર કે “ન્યાય દેવી” ન્યાય તોળે છે ! માટે મહિલા ધારાશાસ્ત્રીઓ ન્યાય દેવી બનીને મતદાન કરે એ વકીલાતના વ્યવસાય માટે અત્યંત અગત્યનું હોવાનું મનાય છે !!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.
