Western Times News

Gujarati News

દાહોદમાં ઢોલ મેળો યોજાશે ૪૦૦થી વધુ ઢોલીઓ ભાગ લેશે

AI Image

દાહોદ, દાહોદ જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખતા અઢારમાં સાંસદ ઢોલ મેળાનું આયોજન આવતી ર૮મી તારીખે કરવામાં આવ્યું છે. પૂર્વ નિવૃત્ત આઈપીએસ અધિકારી નગરસિંહ પલાસ દ્વારા સ્થાપિત ભીલ સુધારણા મંડળના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલો આ ઢોલ મેળો વિશાલ લોકચળવળનું સ્વરૂપ ધારણ કરી ચૂકયો છે.

શરૂઆતના સમયમાં અનેક વિરોધ અને અટકળો વચ્ચે માત્ર પ૦ ઢોલીઓ સાથે શરૂ થયેલો આ મેળો વર્ષોથી સતત વિકાસ પામતો રહ્યો છે. ગયા વર્ષે ૩૭૦ જેટલા ઢોલીઓએ ભાગ લીધો હતો જ્યારે આ વર્ષે ૪૦૦થી વધુ ઢોલ મંડળીઓ ઉપસ્થિત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ ઢોલ મેળાનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સંસ્કૃતિના પરંપરાગત ઢોલ, માંદળ અને વાંસળી જેવા લોકવાદ્યોને પ્રોત્સાહન આપવાનો છે. પશ્ચિમી સંસ્કૃતિના વધતા પ્રભાવ અને ડીજેના કર્કશ અવાજ વચ્ચે આદિવાસી લોકગીતો અને પરંપરાગત સંગીત ધીમે ધીમે વિસરાઈ રહ્યા છે. સમાજમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને સાંસ્કૃતિક વિમુખતાને ધ્યાનમાં રાખીને યુવા પેઢી પોતાની મૂળ ઓળખ સાથે જોડાયેલી રહે તે માટે આ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

મેળા દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ઢોલ મંડળીઓને પ્રોત્સાહન ઈનામો આપવામાં આવે છે જે યુવાનોમાં પરંપરાગત કળા પ્રત્યે ઉમંગ અને ગૌરવની ભાવના જાગૃત કરે છે.

આ વર્ષે શનિવારે સવારના ૧૦ઃ૦૦ વાગ્યાથી સાંજના પઃ૦૦ વાગ્યા સુધી રેલવે સ્પોટ્‌ર્સ ગ્રાઉન્ડ ખાતે આ ઢોલ મેળો યોજાશે. દાહોદ ઉપરાંત પંચમહાલ, મહિસાગર, છોટાઉદેપુર તેમજ રાજસ્થાનના બાંસવાડા ડુંગરપુર અને મધ્યપ્રદેશના અલીરાજપુર, ઝાબુઆ અને ધાર સહિતના વસ્તારોમાંથી ઢોલ મંડળીઓ ભાગ લેવા આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.