નેપાળના PM પદના આશાસ્પદ દાવેદાર બાલેન શાહ ‘Gen Z’માં લોકપ્રિય: સંભાળી શકે છે નેપાળનું સુકાન
એક રહસ્યમય વ્યક્તિત્વ, રાજકીય નેતા કરતા રેપર તરીકે વધુ જાણીતા-કાઠમંડુમાં જન્મેલા બાલેન શાહ એક સ્ટ્રક્ચરલ એન્જિનિયરમાંથી રેપર બન્યા
કાઠમંડુ, 6 માર્ચ જો વર્તમાન પ્રવાહોને સંકેત માનવામાં આવે તો, નેપાળનો જનાદેશ એક એવા ‘મિલેનિયલ’ વડાપ્રધાનની પસંદગી કરવા જઈ રહ્યો છે જે ‘Gen Z’ (નવી પેઢી) ની લોકપ્રિયતાના મોજા પર સવાર થઈને સત્તા સંભાળશે. બાલેન્દ્ર શાહ પરંપરાગત રાજનેતાની છબી ધરાવતા નથી; તેઓ એક સંગીતકાર અને સોશિયલ મીડિયા ઉત્સાહી જેવા છે જે અત્યંત આત્મવિશ્વાસ સાથે લોકપ્રિયતા મેળવી રહ્યા છે.
Nepal polls: Prime Ministerial aspirant Former mayor and rapper Balendra Balen Shah takes early lead over KP Oli
“બાલેન સહજતામાં માને છે. તેઓ ફેમસ રીતે કહે છે કે ‘કોઈ પ્લાન ન હોવો એ જ મારો પ્લાન છે’,” તેમ કાઠમંડુના જાણીતા સંગીતકાર 25 વર્ષીય રજત દાસ શ્રેષ્ઠે જણાવ્યું હતું. રજત તે પ્રદર્શનકારીઓમાં સામેલ હતા જેમણે ગયા વર્ષે રસ્તા પર ઉતરીને તત્કાલીન કે.પી. શર્મા ઓલી સરકારના રાજીનામાની માંગ કરી હતી.
નેપાળની ચૂંટણી કવર કરી રહેલા જર્મનીના આંતરરાષ્ટ્રીય પબ્લિક બ્રોડકાસ્ટર ડોઇશ વેલે (DW) ના દિલ્હી સ્થિત પત્રકાર સ્યમંતક ઘોષે જણાવ્યું કે, “તેઓ ‘ફેન્ટમ’ જેવા છે; તેમના મુખ્ય જૂથના સભ્યો પણ જાણતા નથી હોતા કે તેઓ ક્યાં છે, ક્યાં હશે અથવા તેમના પ્લાન શું છે.”
તેમણે ઉમેર્યું, “Gen Z માટે તેમની છબી એક ‘તારણહાર’ જેવી છે.” સોમવાર, 2 માર્ચના રોજ જ્યારે આ “તારણહાર” ઝાપા-5 મતવિસ્તારના દમક ખાતેની તેમની કેમ્પ ઓફિસથી બહાર નીકળ્યા, ત્યારે નજીકની ગલીઓમાંથી આવેલા ઓછામાં ઓછા 50 ચાહકોએ તેમની એસયુવી (SUV) ને ઘેરી લીધી અને તેમનું નામ પોકારવા લાગ્યા.
બાલેને સ્મિત સાથે તેમનું અભિવાદન કર્યું અને ડ્રાઇવિંગ સીટ પર બેઠા બેઠા જ તેમની ‘સેલ્ફી’ ની વિનંતી સ્વીકારી હતી. ચાહકો તેમને જોતા જ રહી ગયા અને તેજ ગતિએ જતી એસયુવી પાછળ ઉડતી ધૂળ વચ્ચે તેઓ હાથ હલાવીને બૂમો પાડતા રહ્યા.
તેમને નાટકીય અંદાજ પસંદ છે. જાહેર કાર્યક્રમોમાં તેઓ પોતાના ડાર્ક ચશ્મા ઊંચા કરીને જ્યારે “આઈ લવ યુ” કહે છે ત્યારે પ્રશંસકોના ટોળા જાણે મંત્રમુગ્ધ થઈ જાય છે. તેમ છતાં, તેઓ મોટે ભાગે એકલા રહેવાનું પસંદ કરે છે અને અન્ય નેતાઓની જેમ રેલીઓ સંબોધવા કે સ્થાનિકો સાથે ભળવાને બદલે પ્રચાર દરમિયાન મતવિસ્તારમાં ઝડપથી પસાર થવાનું પસંદ કરે છે.
ભારે ભીડ હોવા છતાં બાલેન અત્યંત સાવધ વ્યક્તિ છે. એકવાર હાઈવે પર મુસાફરી દરમિયાન એક મીડિયાની કારે તેમની કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો અને ફોટા પાડવાનું શરૂ કર્યું. તેમણે તરત જ કાર ઉભી રાખી અને તેમના સહાયકો દ્વારા મીડિયાકર્મીઓને નમ્રતાપૂર્વક આવું ન કરવા સલાહ આપી. ત્યારબાદ મીડિયાકર્મીઓ હાઈવે પર બાલેનનો પીછો કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
27 એપ્રિલ, 1990 ના રોજ કાઠમંડુમાં જન્મેલા બાલેન શાહ એક સ્ટ્રક્ચરલ એન્જિનિયરમાંથી રેપર બન્યા છે. તેઓ એક અપક્ષ અને રાજકીય રીતે બિનપરંપરાગત ઉમેદવાર છે, જેઓ 2022 માં કાઠમંડુ શહેરના 15મા મેયર બન્યા હતા.
સત્તાધિશોને સવાલો પૂછતા તેમના રેપ મ્યુઝિક અને સોશિયલ મીડિયાની હાજરીને કારણે તેઓ પહેલેથી જ રાષ્ટ્રીય ઓળખ ધરાવતા હતા. તેમનો ઉદય શેરી સ્તરના કરિશ્મા, સોશિયલ મીડિયા પરની પકડ અને નેપાળની જૂની રાજકીય વ્યવસ્થાને ઉથલાવી દેવાના વચનનું મિશ્રણ છે.
મેયર તરીકે તેમણે દેખીતા અને પરિણામલક્ષી પ્રોજેક્ટ્સ, ભ્રષ્ટાચાર વિરોધી રેટરિક અને સક્રિય અભિગમ પર ભાર મૂક્યો જે સોશિયલ મીડિયા અને સ્ટ્રીટ પોલિટિક્સમાં ખૂબ જ સફળ રહ્યો. બિન-રાજકીય પૃષ્ઠભૂમિ હોવાને કારણે તેઓ પોતાને એક “બહારના સુધારક” (outsider reformer) તરીકે રજૂ કરવામાં સફળ રહ્યા છે.
તેમની સંગીત કારકિર્દીમાં બાલેન 2012 થી ‘નેફહોપ’ (Nephop) માં સક્રિય હતા. રાજકીય રંગ ધરાવતા રેપ ગીતો દ્વારા તેમણે યુવા નેપાળીઓ વચ્ચે પોતાની ઓળખ બનાવી હતી.
પોતાની મેયર તરીકેની મુદતના મધ્યમાં રાજીનામું આપીને બાલેનની ઓળખ કાઠમંડુની બહાર પણ ફેલાઈ ગઈ. તેઓ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીમાં જોડાયા અને આર્થિક સુધારા, યુવા સશક્તિકરણ અને ‘બ્રેઈન ડ્રેઈન’ (બુદ્ધિધનનું પલાયન) રોકવાના મુદ્દાઓ પર પ્રચાર કરીને એક પ્રબળ અવાજ તરીકે ઉભરી આવ્યા.
તેમના ઝડપી ઉદયને કારણે હવે તેમને વડાપ્રધાન પદના દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે, જેઓ પદભ્રષ્ટ પીએમ ઓલીને તેમના જ ગઢમાં પડકાર આપી રહ્યા છે. તેમના અનુયાયીઓ અને મીડિયા તેમને ભૂતકાળ સાથે છેડો ફાડનારા પ્રતીક તરીકે ચીતરે છે.
બાલેનની સફળતા તેમના કરિશ્મા, ડિજિટલ પહોંચ અને સુધારાના સંદેશ પર ટકેલી છે. તેમના પ્રશંસક રજતે ઉમેર્યું કે, બાલેન વડાપ્રધાનના પદને મેયર કરતા “વધારે સરળ” માને છે, કારણ કે મેયર તરીકે ફેરફારો કરવા માટે અનેક મંજૂરીઓ લેવી પડતી હોય છે.
