Western Times News

Gujarati News

ટ્રમ્પની હત્યાના કાવતરામાં ઈરાન સાથે સંડોવાયેલા પાકિસ્તાની નાગરિકને દોષિત જાહેર કરાયો

File Photo

ન્યૂયોર્ક, 7 માર્ચ-2026 અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા માટે ઈરાન સાથે મળીને કાવતરું ઘડવાના આરોપમાં એક પાકિસ્તાની નાગરિકને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.

શુક્રવારે એક ફેડરલ જ્યુરીએ આસિફ મર્ચન્ટને ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) ના નિર્દેશ હેઠળ ટ્રમ્પ અને સંભવતઃ અન્ય રાજકારણીઓની હત્યા કરવા માટે શૂટરો ભાડે રાખવાનો પ્રયાસ કરવા બદલ ગુનેગાર ઠેરવ્યો છે. 47 વર્ષીય મર્ચન્ટને હવે આજીવન કેદની સજા થઈ શકે છે.

FBI એ કાવતરું નિષ્ફળ બનાવ્યું: આ હત્યાનું કાવતરું 2024 ના પ્રમુખપદના પ્રચાર દરમિયાન અમલમાં મૂકવાનું હતું, પરંતુ તે નિષ્ફળ ગયું કારણ કે જે પાકિસ્તાની વ્યક્તિનો મર્ચન્ટે મદદ માટે સંપર્ક કર્યો હતો તે FBI નો બાતમીદાર નીકળ્યો. FBI ના ડાયરેક્ટર કાશ પટેલે જણાવ્યું હતું કે, “અમે આ જીવલેણ કાવતરાને અટકાવ્યું છે. ઈરાન દ્વારા અમેરિકી ધરતી પર નાગરિકોને નુકસાન પહોંચાડવાનો આ પહેલો પ્રયાસ નહોતો.”

મર્ચન્ટની કબૂલાત અને તાલીમ: ટ્રાયલ દરમિયાન મર્ચન્ટે કબૂલાત કરી હતી કે તેણે IRGC પાસેથી જાસૂસીની તાલીમ લીધી હતી. તેણે જણાવ્યું કે ટ્રમ્પ ઉપરાંત તેના નિશાન પર પ્રમુખ જો બિડેન અને ભારતીય મૂળના અમેરિકન નેતા નિક્કી હેલીના નામ પણ હતા. મર્ચન્ટે દાવો કર્યો હતો કે ઈરાને તેના પરિવારને ધમકી આપી હોવાથી તે આ કાવતરામાં જોડાયો હતો.

કાવતરાની વિગતો:

  • મર્ચન્ટની ધરપકડ જુલાઈ 2024 માં થઈ હતી જ્યારે તે અમેરિકા છોડી રહ્યો હતો.

  • તેણે હૂમલો કરવા માટે ‘માફિયા’ સભ્યોને ભાડે રાખવા, દસ્તાવેજો ચોરવા અને વિરોધ પ્રદર્શન આયોજિત કરવાનું કામ સોંપાયું હતું.

  • તેણે અન્ડરકવર ઓફિસરોને (જેમને તે ભાડૂતી શૂટર સમજતો હતો) 5,000 ડોલરનું ડાઉન પેમેન્ટ પણ આપ્યું હતું.

  • ન્યૂયોર્કની એક હોટલમાં નેપકિન પર કાવતરાનો નકશો દોરતા તેની રેકોર્ડિંગ પણ પુરાવા તરીકે રજૂ કરવામાં આવી હતી.

રહસ્યમય સંયોગ: બ્રુકલિન ફેડરલ કોર્ટના જજ એરિક કોમિટીએ આ કેસને “રસપ્રદ સમયમાં ચાલી રહેલી ટ્રાયલ” ગણાવી હતી. નોંધનીય છે કે મર્ચન્ટની ધરપકડના બીજા જ દિવસે, પેન્સિલવેનિયામાં એક રેલી દરમિયાન ટ્રમ્પ પર ગોળીબાર થયો હતો (જે મર્ચન્ટના કાવતરા સાથે સંબંધિત નહોતો), જેમાં ગોળી તેમના કાનને સ્પર્શીને નીકળી ગઈ હતી.

દરમિયાન, અમેરિકાના વોર સેક્રેટરી પીટ હેગસેથે બુધવારે જણાવ્યું હતું કે અમેરિકાએ આ કાવતરાના ઈરાની માસ્ટરમાઈન્ડને ખતમ કરી દીધો છે, જોકે તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.