ગુજરાતમાં એક વર્ષમાં કુપોષણના દરમાં ૯.૧ ટકાનો ઘટાડો: મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. મનીષાબેન વકીલ
રાજ્ય સરકારના સર્વગ્રાહી અભિગમ અને રિયલ ટાઈમ મોનિટરિંગને કારણે ગુજરાતમાં કુપોષણના દરમાં મોટો ઘટાડો નોંધાયો
પરિવાર અને સમાજની સક્રિય ભાગીદારી થકી આપણે સૌ સાથે મળીને રાજ્યને સુપોષિત બનાવીશું
વિધાનસભાના ગૃહમાં મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રીએ રાજ્યમાં કુપોષણની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સર્વગ્રાહી અભિગમ અને રિયલ ટાઈમ મોનિટરિંગને કારણે ગુજરાતમાં કુપોષણના દરમાં મોટો ઘટાડો નોંધાયો છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારના’પોષણ ટ્રેકર’ ડેટા મુજબ, જાન્યુઆરી ૨૦૨૫ માં રાજ્યમાં ઓછા વજનવાળા બાળકોની ટકાવારી ૨૦.૫ ટકા હતી, જે જાન્યુઆરી ૨૦૨૬ માં ઘટીને ૧૧.૪ ટકા થઈ છે. આમ, એક જ વર્ષમાં ૯.૧ ટકાનો માતબર ઘટાડો જોવા મળ્યો છે. આ સુધારો NFHS-5 ના જૂના આંકડાઓની સરખામણીમાં ગુજરાતની તેજ ગતિએ થઈ રહેલી પ્રગતિ દર્શાવે છે.
મંત્રીશ્રીએ ગૃહમાં ભારપૂર્વક જણાવ્યું કે કુપોષણ એ માત્ર આરોગ્યનો જ નહીં, પરંતુ સામાજિક ચિંતાનો વિષય છે. બાળ સંકલિત વિકાસ યોજના અંતર્ગત આપવામાં આવતો આહાર એ બાળકની દૈનિક જરૂરિયાતનો ત્રીજો ભાગ પૂરો પાડે છે, પરિવાર અને સમાજની સક્રિય ભાગીદારી થકી આપણે સૌ સાથે મળીને રાજ્યને સુપોષિત બનાવી શકીશું.
મંત્રીશ્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરી ૨૦૨૬ ની સ્થિતિએ અરવલ્લી જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. મોડાસા તાલુકામાં સૌથી વધુ ૧૦.૯ ટકા અને બાયડમાં ૯.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં કુપોષણમાં સરેરાશ ૫.૭ ટકાનો ઘટાડો થયો છે, જેમાં ખેડબ્રહ્મા તાલુકામાં સૌથી વધુ ૧૨.૫ ટકાનો સુધારો જોવા મળ્યો છે.
કુપોષણ મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ૬ માસથી ૩ વર્ષના બાળકોને ‘બાલશક્તિ’, સગર્ભા/ધાત્રી માતાઓને ‘માતૃશક્તિ’ અને કિશોરીઓને ‘પૂર્ણાશક્તિ’ પેકેટ્સનું વિતરણ કરવામાં આવે છે. પોષણ સુધા યોજના હેઠળ ૧૪ આદિજાતિ જિલ્લાઓમાં સગર્ભા અને ધાત્રી માતાઓને આંગણવાડી કેન્દ્ર પર એક વખતનું સંપૂર્ણ ગરમ ભોજન આપવામાં આવે છે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
