Western Times News

Gujarati News

અમદાવાદમાં વસ્ત્રાલ ખાતે “ઉત્પાદકથી ઉપભોક્તા સુધી” થીમ હેઠળ ભવ્ય કૃષિ મેળો યોજાયો

અમદાવાદ, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ-અમદાવાદ દ્વારા “ઉત્પાદક થી ઉપભોક્તા સુધી” થીમ અંતર્ગત કૃષિ મેળા અને પ્રદર્શનનું સુંદર આયોજન વસ્ત્રાલમાં આવેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ ખાતે સંયુક્ત ખેતી નિયામક શ્રીમતી મીનાબહેન દવેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

સમારંભના અધ્યક્ષ શ્રીમતી મીનાબહેન દવેએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, રોજિંદા જીવનમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનો ઉપયોગ કરીને પરિવારને કેવી રીતે બીમારીઓથી મુક્ત અને સ્વસ્થ રાખી શકાય. તેમણે સૌને પ્રાકૃતિક ખેતી અપનાવવા ખાસ અપીલ કરી હતી અને પ્રદર્શનના સ્ટોલ્સની વ્યક્તિગત મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમની રૂપરેખા આપતા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી કે.કે. પટેલે જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા સમજવી અને તેનો ઉપયોગ કરવો એ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે અનિવાર્ય છે. તેમણે પ્રકૃતિના જતન અંગે વિશેષ ભાર મૂક્યો હતો.

બાગાયત અધિકારીશ્રી દ્વારા ઉપસ્થિત સૌને બાગાયત ખાતાની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, જિલ્લા સંયોજક શ્રી ગજેન્દ્રસિંહ વાઘેલા અને પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં મેળવેલી સફળતા અને પોતાના પ્રત્યક્ષ અનુભવો વિશે વાત કરી અન્ય ખેડૂતોને આ દિશામાં વળવા પ્રેરણા આપી હતી.

મેળામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પકવેલ ખેતપેદાશો અને તેના મૂલ્યવર્ધનને લગતા વિવિધ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા, જેની મુલાકાત મોટી સંખ્યામાં શહેરી નાગરિકો અને ખેડૂત ભાઈ-બહેનોએ લીધી હતી.

આ પ્રસંગે નાયબ બાગાયત નિયામક શ્રીમતી હિરલબહેન પંડ્‌યા, બાગાયત અધિકારી શ્રીમતી રિદ્ધિબહેન વસરા તથા વસ્ત્રાલ વોર્ડના કોર્પોરેટરો સર્વ શ્રી પરેશભાઈ પટેલ, અનિરુદ્ધસિંહ ઝાલા, ગીતાબહેન પ્રજાપતિ અને મહાદેવભાઈ સહિત આત્મા અને બાગાયત વિભાગનો સ્ટાફ બહોળી સંખ્યામાં હાજર રહ્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.