Western Times News

Gujarati News

જામનગરમાં કરા અને અમરેલીના પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યા

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ૧૮ માર્ચથી વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. સૌરાષ્ટ્રના જામનગર અને અમરેલી જિલ્લામાં કરા સાથે કમોસમી વરસાદ ખાબકતા તૈયાર થયેલા રવિ પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ એટલે કે ૨૦ માર્ચ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી ‘યલો ર્વોનિંગ’ જાહેર કરી છે.

જામનગર જિલ્લામાં સમી સાંજે વાતાવરણમાં એકાએક ફેરફાર આવ્યો હતો અને લાલપુર તાલુકાના બબરઝર, ટેભડા અને ખાયડી જેવા ગામોમાં કરા સાથે વરસાદ પડ્‌યો હતો. ભરઉનાળે કરા પડવાની ઘટનાથી ગ્રામજનોમાં આશ્ચર્ય ફેલાયું હતું, પરંતુ ખેડૂતોમાં ફાળ પડી છે. આ પંથકમાં જીરું, ધાણા અને ચણાનો પાક તૈયાર હોવાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન જવાનું અનુમાન છે.

અમરેલી જિલ્લામાં પણ વડિયા અને બગસરા પંથકમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટાં પડ્‌યા હતા. બગસરાના શાપર અને સુડાવડ તેમજ વડિયાના મોરવાડા અને બાંટવા દેવળીમાં કમોસમી વરસાદને પગલે ખેતરોમાં તૈયાર પડેલા ઘઉં, કપાસ અને ડુંગળીના પાક પર જોખમ ઊભું થયું છે. લણણીના સમયે જ વરસાદ પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં બે સિસ્ટમ સક્રિય હોવાથી આ માવઠું ત્રાટક્યું છેઃ ૧૯ માર્ચએ રાજ્યના તમામ જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ૨૦ માર્ચએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છમાં માવઠાની સંભાવના છે.

આ દિવસોમાં ૪૦થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે અને વીજળી પડવાની પણ શક્યતા છે. ખેતીવાડી નિષ્ણાંતોના મતે જીરું અને ધાણા જેવા સંવેદનશીલ પાકો પર વરસાદી છાંટા પડવાથી તે કાળા પડી જવાની અથવા બગડી જવાની શક્યતા વધી જાય છે. અનેક જગ્યાએ ખેડૂતો તૈયાર પાક લેવાની તૈયારીમાં હતા ત્યાં જ આ કુદરતી આફત ત્રાટકતા ‘પડ્‌યા પર પાટું’ જેવી સ્થિતિ સર્જાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.