જખૌ દરિયાકાંઠે મરીન કમાન્ડોનું મેગા સર્ચ ઓપરેશન
પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, ભારતની દરિયાઈ સીમા પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાના ભાગરૂપે કચ્છના દરિયાકાંઠે ‘સ્પેશિયલ સર્ચ ડ્રાઇવ’ યોજવામાં આવી હતી. ખાસ કરીને જખૌ સેક્ટરમાં મરીન ટાસ્ક ફોર્સ અને કમાન્ડો દ્વારા દરિયાઈ પટ્ટી પર સઘન ચેકિંગ હાથ ધરીને સુરક્ષા કવચ મજબૂત કરવામાં આવ્યું છે.
આ સ્પેશિયલ ડ્રાઇવ એડીજીપી અમિત વિશ્વકર્મા અને આઈજીપી એ.એમ. મુનિયાના સીધા માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. જખૌ સેક્ટરના ડીવાયએસપી આર.એમ. ચૌધરીના નેતૃત્વમાં મરીન કમાન્ડોની ટીમોએ જખૌ બંદરથી લઈને શિયાળ બારી સુધીના વિશાળ તટીય વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારત સોલ્ટ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓએ ચાંપતી નજર રાખી હતી.
વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને દરિયામાં ચાલી રહેલા યુદ્ધોના કારણે અનેક જહાજોને નુકસાન થયું છે. આ જહાજોના અવશેષો કે મિસાઈલ જેવા વિસ્ફોટક સાધનો દરિયાના મોજાં સાથે કિનારે તણાઈ આવવાની શક્્યતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક માછીમારોને સાવધાન કરવામાં આવ્યા છે. જો આવી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવા મળે તો તરત જ પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા માછીમારો સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો. માછીમારોને કોઈ પણ શંકાસ્પદ બોટ કે અજાણી વ્યક્તિઓની હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને સહકાર આપવા જણાવાયું છે. કચ્છની સરહદ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની હોવાથી મરીન ટાસ્ક ફોર્સ દ્વારા પેટ્રોલિંગ અને સર્વેલન્સમાં વધારો કરવામાં આવ્યો છે.
