ઈરાન સાથેના યુદ્ધ મુદ્દે અમેરિકામાં રાજકીય ગરમાવો: વધતી મોંઘવારી અંગે ડેમોક્રેટે ટ્રમ્પને આપી ચેતવણી
- એક મહિના પહેલા અમેરિકામાં ગેસની (પેટ્રોલ) સરેરાશ કિંમત $2.93 પ્રતિ ગેલન હતી જે એક ડોલર વધી $3.94 થઈ ગઈ છે.
- યુદ્ધને કારણે સરેરાશ અમેરિકન પરિવારને ગેસ માટે વર્ષે $2,000 અને હીટિંગ ઓઈલ માટે વધારાના $1,000 ખર્ચવા પડશે.
વોશિંગ્ટન, ૨૪ માર્ચ અમેરિકાના ટોચના ડેમોક્રેટિક નેતાઓએ ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ મુદ્દે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર દબાણ વધાર્યું છે. તેમણે વધતા જતા ખર્ચ, અસ્પષ્ટ નીતિ અને કોઈપણ ચોક્કસ અંત વગરના લાંબા યુદ્ધના જોખમ અંગે ગંભીર ચેતવણી આપી છે.
ઈરાન સાથેના યુદ્ધના ચોથા સપ્તાહમાં પ્રવેશતાની સાથે જ વહીવટીતંત્રની કામગીરી પર ડેમોક્રેટિક નેતાઓએ આકરા પ્રહારો કર્યા છે, જેનાથી અમેરિકામાં રાજકીય વિભાજન વધુ તીવ્ર બન્યું છે.
“ચોક્કસ વ્યૂહરચનાનો અભાવ”
સેનેટમાં ડેમોક્રેટિક નેતા ચક શૂમરે ગૃહમાં જણાવ્યું હતું કે, આ સંઘર્ષનો કોઈ નિર્ધારિત ઉદ્દેશ્ય કે વ્યૂહરચના નથી. તેમણે કહ્યું, “ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાન સાથેનું યુદ્ધ હવે ચોથા સપ્તાહમાં પ્રવેશ્યું છે અને તેનો કોઈ અંત દેખાતો નથી. પ્રમુખ આગળ વધવા માટે કોઈ સ્પષ્ટ યોજના આપવામાં નિષ્ફળ રહ્યા છે.”
શૂમરે વ્હાઇટ હાઉસના વિરોધાભાસી સંદેશાઓની ટીકા કરતા કહ્યું, “અહીં શું ચાલી રહ્યું છે? આ કમાન્ડર-ઈન-ચીફનું નેતૃત્વ નથી. તેઓ કાં તો મૂંઝવણમાં છે, અથવા જૂઠું બોલે છે, અથવા બંને.”
મોંઘવારીનો માર: પેટ્રોલમાં મોટો ઉછાળો
શૂમરે આ યુદ્ધને અમેરિકામાં ઈંધણના વધતા ભાવ સાથે જોડતા જણાવ્યું હતું કે:
-
એક મહિના પહેલા ગેસની (પેટ્રોલ) સરેરાશ કિંમત $2.93 પ્રતિ ગેલન હતી.
-
આજે તે વધીને $3.94 થઈ ગઈ છે — માત્ર એક મહિનામાં લગભગ એક ડોલરનો વધારો.
-
તેમણે આ વધારાને યુક્રેન પર રશિયાના આક્રમણ પછીનો સૌથી મોટો માસિક ઉછાળો ગણાવ્યો હતો.
“ઓપરેશન પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે”
કોંગ્રેસમેન ગ્રેગ લેન્ડ્સમેને દાવો કર્યો હતો કે લશ્કરી ઉદ્દેશ્યો મોટાભાગે પ્રાપ્ત થઈ ગયા છે. તેમણે કહ્યું, “આપણે ઈરાનના શાસનની મિસાઈલ અને ડ્રોન લોન્ચ કરવાની લગભગ તમામ ક્ષમતા નષ્ટ કરી દીધી છે. હવે આ ઓપરેશન પૂરું કરવાનો સમય છે. કોઈ ગ્રાઉન્ડ ટ્રુપ્સ (પાયદળ) મોકલવાની જરૂર નથી.”
આર્થિક ફટકો અને વિરોધ
સેનેટર પીટર વેલ્ચે યુદ્ધ માટે મંગાયેલા $200 બિલિયનના વધારાના ફંડનો વિરોધ કર્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે આ યુદ્ધને કારણે સરેરાશ અમેરિકન પરિવારને ગેસ માટે વર્ષે $2,000 અને હીટિંગ ઓઈલ માટે વધારાના $1,000 ખર્ચવા પડશે. તેમણે ઉમેર્યું, “હું આ કાયમી યુદ્ધનો વિરોધ કરીશ.”
કોંગ્રેસમેન સારા જેકોબ્સે આ સંઘર્ષને અમેરિકન વિદેશ નીતિની સૌથી મોટી ભૂલ ગણાવી હતી અને કહ્યું હતું કે “આગળ શું કરવું તેની કોઈ યોજના નથી.”
વધતી જતી આર્થિક મુશ્કેલીઓ અને સ્પષ્ટતાના અભાવે હવે અમેરિકી કોંગ્રેસમાં ટ્રમ્પ સરકારની ઈરાન નીતિ સામે અસંતોષ વધી રહ્યો છે.
