Western Times News

Gujarati News

હનુમાનજીની શયન મુદ્રાની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે ગુજરાતમાં આ સ્થળે

કહેવાય છે કે માર્ગમાં પડેલા વાનર રૂપે આવેલા હનુમાનજીની પૂંછડી પાંડુપુત્ર ભીમસેન હલાવી શક્યા નહીં અને અંતે હનુમાનજીએ પોતાનું વિરાટ સ્વરૂપ દર્શાવી તેમને નમ્રતા શીખવી.

પ્રતિનિધિ.મોડાસા, અરવલ્લી પર્વતમાળાની ઓથમાં આવેલું સાકરીયા ગામ ભક્તિ અને આસ્થાનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. મોડાસા નજીક આવેલું સાકરીયા હનુમાનજી મંદિર “ભીડભંજન હનુમાન દાદા” તરીકે જાણીતું છે, જ્યાં દાદાની શયન (સુતેલી) અવસ્થાની પ્રતિમા ભક્તોને વિશેષ આકર્ષે છે.

સમગ્ર દેશમાં અત્યંત દુર્લભ એવી આ પ્રતિમા ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે, જેના કારણે અહીં રોજબરોજ ભક્તોની અવરજવર વધતી જાય છે. પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે વસેલું આ ધામ માત્ર દર્શન માટે નહીં, પરંતુ મનને શાંતિ અને આત્મિક શક્તિ આપવા માટે પણ પ્રસિદ્ધ બની રહ્યું છે.

સ્થાનિક માન્યતાઓ અનુસાર, આ પવિત્ર સ્થાને મહાભારતકાળનો એક દિવ્ય પ્રસંગ જોડાયેલો છે. પાંડવપુત્ર ભીમસેન અને શ્રી હનુમાનજી વચ્ચે થયેલી મુલાકાતમાં ભીમસેનના બળના અહંકારનો અંત આવ્યો હતો. કહેવાય છે કે માર્ગમાં પડેલા વાનર રૂપે આવેલા હનુમાનજીની પૂંછ ભીમસેન હલાવી શક્યા નહીં અને અંતે હનુમાનજીએ પોતાનું વિરાટ સ્વરૂપ દર્શાવી તેમને નમ્રતા શીખવી. આ કથાએ સાકરીયા ધામને માત્ર લોકઆસ્થા જ નહીં, પરંતુ આધ્યાત્મિક સંદેશનું કેન્દ્ર પણ બનાવ્યું છે.

અરવલ્લીના સાકરીયા ગામે શ્રદ્ધા અને ચમત્કારનું ધામ – ભીડભંજન હનુમાનજી મંદિર

આ ઉપરાંત, વર્ષો પહેલાં અહીં ‘માધવ’ નામના વનવાસી સાધુએ હનુમાનજીની સેવા અને સાધના કરી હોવાનું પણ લોકવર્તમાનમાં કહેવાય છે. સમય જતા આ સ્થાન પ્રત્યે લોકોમાં શ્રદ્ધા વધતી ગઈ અને આજે અહીં ભવ્ય મંદિર ઊભું થયું છે.

ભક્તો માને છે કે “ભીડભંજન દાદા” તેમના જીવનના સંકટો દૂર કરે છે અને મનની શાંતિ આપે છે. શનિવાર અને મંગળવારે અહીં વિશેષ ભીડ જોવા મળે છે, જે આ સ્થળની લોકપ્રિયતાનો સાક્ષી છે. અરવલ્લી જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી ભક્તો અહીં આવીને પોતાના દુઃખો દૂર કરવા પ્રાર્થના કરે છે અને દાદા પ્રત્યેની આ અડગ શ્રદ્ધા જ આ ધામને ચિરંજીવી બનાવે છે.

સાકરીયા ગામે હનુમાનજી મંદિર નુ તારીખ ૨૨ ૨૩ ૨૪ ના રોજ ભવ્ય જીર્ણોદ્ધારનો પ્રોગ્રામ રાખેલ છે આ પ્રોગ્રામમાં કથાકાર જીગ્નેશ દાદા અને સાહિત્ય સમ્રાટ રાજભા ગઢવી ના ડાયરા નું પણ આયોજન કરેલ છે સમગ્ર સાકરીયા ગામના ગ્રામજનો દ્વારા આ કાર્યક્રમને સફળ થાય તે માટે સાકરીયા ગામના યુવાનો તથા મહિલાઓ તથા ગામના વયો વૃદ્ધવડીલો પણ આ પ્રસંગને ચાર ચાંદ લગાવા માટે થનગની રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.