અફઘાનિસ્તાનમાં ભારે વરસાદને પગલે ૧૦ દિવસમાં ૭૭ મોત
(એજન્સી)કાબુલ, યુદ્ધ અને આર્થિક સંકટથી ઘેરાયેલા અફઘાનિસ્તાન પર હવે કુદરતી આફત તૂટી પડી છે. છેલ્લા ૧૦ દિવસથી પડી રહેલા અતિભારે વરસાદ, તોફાન અને ભૂસ્ખલનને કારણે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે.
અફઘાનિસ્તાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ આફતમાં અત્યાર સુધીમાં ૭૭ લોકોના મોત થયા છે અને ૧૩૭થી વધુ લોકો ઘાયલ થયા છે. ભારે વરસાદને કારણે આવેલા પૂર અને લેન્ડસ્લાઇડમાં અત્યાર સુધીમાં ૭૯૩ મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થયા છે. જ્યારે ૨,૬૭૩ મકાનોને અંશતઃ નુકસાન પહોંચ્યું છે. આ આફતથી અંદાજે ૫,૮૦૦ પરિવારો પ્રભાવિત થયા છે.
રહેણાંક મકાનો ઉપરાંત કૃષિ જમીન, પાણીના કુવાઓ અને સિંચાઈ નહેરોને પણ ભારે નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ભૂસ્ખલન અને પથ્થરો ધસી પડવાને કારણે અફઘાનિસ્તાનના મહત્વના હાઈવે બંધ થઈ ગયા છે. કાબુલ-જલાલાબાદ હાઈવેઃ પાકિસ્તાન સરહદને જોડતો આ મુખ્ય રસ્તો બંધ થતા વાહનવ્યવહાર ઠપ થયો છે. હિન્દુ કુશ પર્વતમાળામાં આવેલો સાલંગ પાસ બંધ થવાથી કાબુલનો ઉત્તરીય શહેરો (કુંદુઝ અને મઝાર-એ-શરીફ) સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
Inundaciones repentinas causadas por las fuertes lluvias han cobrado la vida de 77 personas y dejado otras 137 heridas por todo #Afganistán, informó en un comunicado la Autoridad Nacional de Gestión de Desastres de Afganistán (ANGDA).
De acuerdo con la ANGDA las grandes… pic.twitter.com/SPvHLNxfpf
— David de la Paz 戴维 (@daviddelapaz) April 4, 2026
મુસાફરોને લાંબા અને મુશ્કેલ ડાયવર્ઝન લેવાની ફરજ પડી રહી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આગામી દિવસોમાં પણ વધુ વરસાદ અને તોફાનની આગાહી કરી છે. લોકોને નદી કિનારા અને પૂરની સંભાવના ધરાવતા વિસ્તારોથી દૂર રહેવા કડક સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન ભૌગોલિક રીતે અત્યંત સંવેદનશીલ હોવાથી અહીં દર વર્ષે ભારે હિમવર્ષા અને વસંતઋતુના પૂર સેંકડો લોકોનો ભોગ લે છે. વર્ષ ૨૦૨૪માં પણ અચાનક આવેલા પૂરમાં ૩૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
