Western Times News

Gujarati News

ઈરાનના પહાડોમાં અમેરિકાનું અત્યાર સુધીનું સૌથી મોટું રેસ્ક્યૂ ઓપરેશન

  • જો 2 દિવસમાં ઈરાન નહીં માને, તો તેના પર અમેરિકી સેનાનો ભીષણ કહેર વર્તાશે.

મોતને હાથતાળી આપી પાયલટને ઉગારી લાવી યુએસ આર્મી

તેહરાન/વોશિંગ્ટન: પશ્ચિમ એશિયાના રણમેદાનમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે અમેરિકી સેનાએ એક અસાધારણ મિશન પાર પાડ્યું છે. ઈરાની સરહદમાં ક્રેશ થયેલા અમેરિકી F-15 ફાઈટર જેટના ગુમ થયેલા પાયલટને અમેરિકી સ્પેશિયલ ફોર્સે ભારે ગોળીબાર વચ્ચે ઈરાનના દુર્ગમ પહાડોમાંથી જીવતો બચાવી લીધો છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઓપરેશનને “અમેરિકી ઈતિહાસનું સૌથી સાહસિક સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન” ગણાવ્યું છે.

ભારે ગોળીબાર વચ્ચે જીવસટ્ટો ખેલતું ઓપરેશન

રાષ્ટ્રપતિ ટ્રમ્પે રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું કે, ઈરાનના જે પહાડી વિસ્તારમાં અમેરિકી કર્નલ (પાયલટ) ફસાયા હતા, ત્યાં દુશ્મનો તેમનો પીછો કરી રહ્યા હતા. તેઓ પાયલટની એકદમ નજીક પહોંચી ગયા હતા, પરંતુ અમેરિકી વાયુસેનાએ ડઝનબંધ ઘાતક વિમાનો અને હેલિકોપ્ટરો મોકલીને ઈરાની સેનાના ઘેરાબંધી તોડી નાખી હતી અને પાયલટને સફળતાપૂર્વક સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

કેવી રીતે ફસાયા હતા પાયલટ?

ગયા શુક્રવારે (3 એપ્રિલ) કુવૈત ઉપર ઉડી રહેલા અમેરિકી ફાઈટર જેટને ઈરાની એર ડિફેન્સે નિશાન બનાવ્યું હતું. વિમાન ક્રેશ થતા પહેલા એક પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો, જ્યારે બીજા પાયલટ (કર્નલ) લાપતા થયા હતા. તેઓ ઈરાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં પડ્યા હોવાના અહેવાલ હતા.

ઈરાને પાયલટ પર રાખ્યું હતું $60,000નું ઈનામ

અમેરિકી પાયલટને પકડવા માટે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સે (IRGC) આખા વિસ્તારની ઘેરાબંધી કરી હતી. ઈરાને એટલી હદ સુધીની જાહેરાત કરી હતી કે જે કોઈ પાયલટને જીવતો પકડશે તેને 60,000 ડોલરથી વધુનું ઈનામ આપવામાં આવશે. સ્થાનિક લોકોને પણ આ શોધખોળમાં જોડવામાં આવ્યા હતા, પરંતુ અમેરિકી કમાન્ડોએ ઈરાની સેનાના નાક નીચેથી પાયલટને બચાવીને પોતાની તાકાતનો પરચો આપ્યો છે.

ટ્રમ્પનું ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ: “ભીષણ કહેર વર્તાશે”

પાયલટના સફળ રેસ્ક્યૂ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે વધુ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે ઈરાનને માત્ર 48 કલાકનો અંતિમ સમય આપતા ચેતવણી આપી છે કે:

  • ઈરાન કાં તો સમજૂતી કરે અથવા હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ને વેપાર માટે ખોલી દે.

  • જો 2 દિવસમાં ઈરાન નહીં માને, તો તેના પર અમેરિકી સેનાનો ભીષણ કહેર વર્તાશે.

US Air Force, F-15 Crash, Donald Trump, Iran Conflict, Pilot Rescue Mission, Strait of Hormuz, International News Gujarati, US Army News, Breaking News


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.