ઈરાને ભારતીય વિદેશ નીતિના વખાણ કર્યા
ભારત વધુ મોટી ભૂમિકા ભજવી શકેઃ ભારતમાં ઈરાનના પ્રતિનિધિ અબ્દુલ માજિદ કહીમ ઈલાહીનું નિવેદન
(એજન્સી)નવી દિલ્હી, એક જ સમયે અમેરિકા, ઈરાન, ઈઝરાયેલ અને અન્ય દેશો સાથે સકારાત્મક સંબંધ રાખવાના ભારતના વલણની વિશ્વમાં ચર્ચા છે. હવે ઈરાને પણ ભારતની કૂટનીતિના પેટછૂટા વખાણ કર્યા. ઈરાનના સુપ્રીમ લીડરના ભારતમાં પ્રતિનિધિ અબ્દુલ માજિદ હકીમ ઈલાહીએ કહ્યું કે ભારત મોટી ભૂમિકા ભજવી શકે છે.
અત્રે જણાવવાનું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાનને અલ્ટીમેટમ આપીને ખળભળાટ મચાવેલો છે. જેને પગલે યુદ્ધ વધુ ભીષણ થવાના સંકેત મળી રહ્યા છે. જો કે ટ્રમ્પનો એવો પણ દાવો છે કે સોમવારે ડીલ થઈ શકે છે.
હવે જોવાનું એ રહેશે કે આ યુદ્ધ અંગે આગામી દિવસોમાં શું પરિણામ આવે છે? સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ ઈલાહીએ કહ્યું કે ભારતીય કૂટનીતિ ખુબ સારી છે અને તેઓ આ મામલે વધુ મોટી ભૂમિકા પણ ભજવી શકે છે. નોંધનીય છે કે તેમનું આ નિવેદન એવા ટાણે આવ્યું છે કે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે.
આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે ઈરાને વખાણ કર્યા હોય. થોડા દિવસ પહેલા ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ પણ કહ્યું હતું કે, ભારત તણાવ ઘટાડવામાં એક પ્રભાવી અને સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. ગ્લોબલ સાઉથના એક પ્રમુખ દેશ તરીકે અને પોતાની સંતુલિત વિદેશ નીતિના કારણે ભારત તણાવ ઘટાડવામાં અને વાતચીત વધારવામાં મદદ કરવા માટે એક વિશેષ સ્થાન ધરાવે છે.
તેમણે કહ્યું કે ભારતના તમામ પક્ષો સાથે ઐતિહાસિક અને રણનીતિક સંબંધ છે. જે આ ગેરસમજોને ઘટાડવા અને રાજનયિક રસ્તાઓને મજબૂત કરવામાં એક ભરોસાપાત્ર ખેલાડી તરીકે કામ કરવામાં સક્ષમ બનાવે છે. આ બધા વચ્ચે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ ભારતના વિદેશમંત્રી એસ જયશંકર સાથે હાલમાં જ ફોન પર વાત કરી.
જયશંકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે ઈરાનના વિદેશમંત્રી અરાઘચીનો ફોન આવ્યો. વર્તમાન સ્થિતિ પર વાતચીત કરી. જયશંકરે કતારના પીએમ શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસીમ અલ થાની સાથે પણ રવિવારે વાત કરી હતી.
