કોઈ ડીલ નહી થઈ તો ઈરાનમાં તબાહી મચાવીશુંઃ ડોનાલ્ડ ટ્રમ્પ
File Photo
અમેરિકાની ધમકી સામે ઈરાન મક્કમ-દુશ્મન દેશો માટે હોર્મુઝ ખોલવામાં નહીં આવે ઃ ઈરાન
(એજન્સી)તેહરાન, અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ દિવસને દિવસે વધુ આક્રમક બની રહ્યું છે. અમેરિકા દ્વારા શરતો મૂકવા છતાં ઈરાન આ શરતોને ગેરવ્યાજબી ગણી રહ્યું છે અને અમેરિકાની ધમકી સામે આજે સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટ અમેરિકા-ઈઝરાયલ જેવા દુશ્મન દેશો માટે ક્યારેય ખોલવામાં નહીં આવે. તેની ચાવી જ ખોવાઈ ગઈ છે. ત્યારે બીજી બાજુ, ટ્રમ્પે ધમકી આપી છે કે, હોર્મુઝ સહિતના મુદ્દે જો કોઈ ડીલ નહીં થાય તો ઈરાનમાં ૨૪ કલાકની અંદર તબાહી મચાવી દઈશું.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાને પાકિસ્તાન દ્વારા મધ્યસ્થી મારફતે મોકલવામાં આવેલા ૧૫ મુદ્દાના શાંતિ અને યુદ્ધવિરામ પ્રસ્તાવને સીધો જ નકારી કાઢ્યો છે. એક તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર હુમલાની ધમકીઓ આપી રહ્યા છે, તો બીજી તરફ ઈરાને પણ અત્યંત કડક વલણ અપનાવતા સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોઈના દબાણ કે ધમકી હેઠળ વાટાઘાટો કરશે નહીં. ઈરાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈપણ શાંતિ મંત્રણા માત્ર અને માત્ર તેના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવશે.
એસોસિએટેડ પ્રેસના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને યુદ્ધનો અંત લાવવા માટે એક ડ્રાફ્ટ પ્રસ્તાવ તૈયાર કરીને ઈરાન અને અમેરિકા બંનેને મોકલ્યો હતો. આ પ્રસ્તાવમાં મુખ્યત્વે ૪૫ દિવસના યુદ્ધવિરામ (સીઝફાયર) અને વેપાર માટે મહત્વની ગણાતી હોર્મુઝની સામુદ્રધુનીને ફરીથી ખોલવાની અપીલ કરવામાં આવી હતી. જોકે, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘાઈએ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ઈરાને પોતાની સ્થિતિ અને શરતો મધ્યસ્થીને પહેલેથી જ જણાવી દીધી છે.
ઈરાને સ્પષ્ટ કર્યું છે કે વાટાઘાટો અને ધમકીઓ બંને એકસાથે ન ચાલી શકે. પ્રવક્તા બાઘાઈએ આકરા શબ્દોમાં કહ્યું કે, તમે એક તરફ વાતચીત માટે ડેડલાઈન આપો છો અને બીજી તરફ યુદ્ધની ધમકીઓ આપો છો, આ બંને વસ્તુઓ એકબીજાથી તદ્દન વિપરીત છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ઈરાન પોતાની વ્યાજબી અને કાયદેસરની માંગણીઓ દુનિયા સમક્ષ રજૂ કરવામાં જરાય ખચકાતું નથી.
આને કોઈ નબળાઈ કે સમાધાન ન સમજવું, પરંતુ આ ઈરાનનો આત્મવિશ્વાસ છે. ઈરાને એમ પણ કહ્યું છે કે તેણે અમેરિકાને આપવા માટેનો પોતાનો રાજદ્વારી જવાબ તૈયાર કરી લીધો છે અને જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તેની સત્તાવાર જાહેરાત કરાશે.
ઈરાન- અમેરિકા યુદ્ધ વચ્ચે ઈરાને સંકેત આપ્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટ હવે તેના નિયંત્રણ હેઠળનું એક વ્યૂહાત્મક હથિયાર બની ગયું છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ અનુસાર, પરવાનગી મળ્યા પછી છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ જહાજોને સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે અમેરિકા આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગને સંપૂર્ણપણે ફરીથી ખોલવા માટે ઈરાન પર સતત દબાણ કરી રહ્યું છે. જોકે, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે આ માર્ગ હવે સામાન્ય રહેશે નહીં, ખાસ કરીને અમેરિકા અને ઈઝરાયલ માટે.
આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી છે. છમ્ઝ્ર ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે જો કોઈ કરાર ન થાય તો અમેરિકા આખા દેશનો નાશ કરી શકે છે. તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે પાવર પ્લાન્ટ અને પુલ જેવા મહત્વપૂર્ણ માળખાને નિશાન બનાવી શકાય છે. ટ્રમ્પે અગાઉની સમયમર્યાદા લંબાવી છે અને મંગળવાર સાંજ સુધી નવું અલ્ટીમેટમ જાહેર કર્યું છે. તેમણે કહ્યું હતું કે ઈરાન પાસે “સોદો કરવા માટે પૂરતો સમય છે”, પરંતુ જો તે નહીં થાય તો તેના પરિણામો ગંભીર હશે.
ઈરાને આ ધમકીઓને ફગાવી દીધી છે અને બદલો લેવાની ચેતવણી આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બકાઈએ જણાવ્યું હતું કે જો ઈરાનના માળખા પર હુમલો કરવામાં આવશે તો તે તે જ સ્તરે જવાબ આપશે. રસપ્રદ વાત એ છે કે, ઈરાને પણ અમેરિકાને રાજદ્વારી રીતે ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ઘણા દેશોમાં ઈરાની દૂતાવાસોએ સોશિયલ મીડિયા પર ટ્રમ્પના નિવેદનોનો જવાબ આપ્યો,
તેમની મજાક ઉડાવી, બંને દેશો વચ્ચેના તણાવને વધુ તીવ્ર બનાવ્યો હતો. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠાનો મોટો હિસ્સો તેમાંથી પસાર થાય છે. “પસંદગીના જહાજો” માટે ઈરાનની પરવાનગી સૂચવે છે કે તે આ માર્ગનો ઉપયોગ દબાણના સાધન તરીકે કરી રહ્યું છે. ઈરાને દાવો કર્યો છે કે અમેરિકા અને ઈઝરાયલી હુમલાઓએ દેશભરમાં ડઝનબંધ યુનિવર્સિટીઓ, શાળાઓ અને સંશોધન કેન્દ્રોને નુકસાન પહોંચાડ્યું છે.
સરકારના પ્રવક્તા ફાતેમા મોહાજેરાનીના જણાવ્યા અનુસાર, ૨૮ ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું ત્યારથી ૧૦૦,૦૦૦થી વધુ નાગરિક સુવિધાઓ પ્રભાવિત થઈ છે. તેમણે કહ્યું કે દુશ્મન ઈરાનની સિદ્ધિઓને સહન કરી શકતા નથી. જોકે, આ દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટી થઈ નથી.
ઈઝરાયલી દરિયાકાંઠે એક બ્રિટિશ યુદ્ધ જહાજ પર હિઝબુલ્લાહ એન્ટી-શિપ મિસાઈલનો હુમલો થયો છે. અહેવાલો સૂચવે છે કે હુમલો આકસ્મિક હતો અને જહાજને નુકસાન થયું હતું. જોકે, બ્રિટન તરફથી કોઈ સત્તાવાર પુષ્ટી મળી નથી. દરમિયાન, આ ઘટના દરિયાઈ મોરચે વધતા ખતરાને દર્શાવે છે, જ્યાં નૌકાદળ સંઘર્ષ હવે વધી રહ્યો છે.
ઈઝરાયલી સૈન્યએ પુષ્ટી કરી હતી કે ઈરાન તરફથી બીજો મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર પ્રદેશમાં ચેતવણી આપવામાં આવી છે. સૈન્ય અનુસાર, સંરક્ષણ પ્રણાલીઓ સક્રિય છે અને આવનારી મિસાઈલોને અટકાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. રહેવાસીઓને મોબાઇલ ફોન દ્વારા એલર્ટ મેસેજ પણ મોકલવામાં આવ્યા છે. સતત થઈ રહેલા હુમલાઓને કારણે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે, અને નાગરિકોને સતર્ક રહેવા વિનંતી કરવામાં આવી છે.
