લોકસભાની બેઠકો 543થી વધારીને 850 કરવાનો પ્રસ્તાવ: દક્ષિણી રાજ્યોનો વિરોધ
File
વર્ષ ૨૦૨૯થી લાગુ પડશે, મહિલાઓને ૩૩% અનામત મળશે
(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્ર સરકારે લોકસભાની કુલ બેઠકો ૫૪૩ થી વધારીને ૮૫૦ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેનું ડ્રાફ્ટ બિલ સાંસદો સાથે શેર કરવામાં આવ્યું છે. પ્રસ્તાવ મુજબ, ૮૫૦ માંથી ૮૧૫ બેઠકો રાજ્યોને અને ૩૫ બેઠકો કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવશે.
સરકાર આ બદલાવ માટે બંધારણ સુધારાની તૈયારીમાં છે. આ પ્રસ્તાવને લાગુ કરવા માટે બંધારણના અનુચ્છેદ ૮૧ માં સુધારો કરવામાં આવશે. આ માટે ૧૬ એપ્રિલથી સંસદનું ત્રણ દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. તેમાં મહિલા અનામત બિલ પર પણ ચર્ચા થશે.
આ બિલને ૨૦૨૯ ની સામાન્ય ચૂંટણીઓથી લાગુ કરવાની યોજના છે. આ પગલું દેશમાં સંસદીય પ્રતિનિધિત્વને મોટા પાયે બદલી શકે છે, જોકે તેના પર વિરોધ પણ શરૂ થઈ ગયો છે.
બિલમાં બેઠકોના પુનર્નિર્ધારણ (સીમાંકન) માટે ૨૦૧૧ ની વસ્તી ગણતરીના આંકડાઓને આધાર બનાવવાની વાત કહેવામાં આવી છે. હાલમાં સત્તાવાર વસ્તીના આંકડા ૨૦૧૧ ની વસ્તી ગણતરીના જ છે.
સરકાર આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે બંધારણ સુધારા બિલ, સીમાંકન કાયદા સંબંધિત બિલ અને દિલ્હી, જમ્મુ-કાશ્મીર અને પુડુચેરી જેવા વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશો માટે એક અલગ બિલ પણ લોકસભામાં રજૂ કરશે. દક્ષિણી રાજ્યોએ વસ્તી નિયંત્રણ માટે કેન્દ્રની નીતિઓનું પાલન કર્યું, પરંતુ હવે તેમને તેની સજા મળી રહી છે.
વડાપ્રધાન પાસેથી સંસદમાં એ ખાતરી આપવાની માગ કરી છે કે દક્ષિણી રાજ્યોના હિતોને અસર થશે નહીં, પરંતુ અત્યાર સુધી કોઈ જવાબ મળ્યો નથી.
જો બેઠકો પ્રમાણના આધારે વધારવામાં આવશે, તો દક્ષિણી રાજ્યોમાં મહિલાઓ, એસસી અને એસટી સમુદાયોને નુકસાન થઈ શકે છે. આ પગલું દક્ષિણી રાજ્યોની રાજકીય તાકાત ઘટાડવાનું ષડયંત્ર હોઈ શકે છે. રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે કહ્યું કે સરકાર આ પગલું ૨૦૨૯ની લોકસભા ચૂંટણીમાં રાજકીય લાભ લેવાના ઉદ્દેશ્યથી લાવી રહી છે. જો સરકાર મહિલાઓને ૩૩% અનામત આપવા માંગે છે, તો તે હાલની ૫૪૩ બેઠકોમાં જ લાગુ કરી શકાય છે.
બેઠકો વધવાથી ઉત્તર ભારતને વધુ ફાયદો થશે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, મહિલા અનામત પછી યુપીમાં સૌથી વધુ ૪૦ લોકસભા બેઠકો વધી શકે છે. અહીં ૮૦ થી વધીને ૧૨૦ થઈ જશે.
મહારાષ્ટ્રમાં મહિલાઓ માટે ૨૪ બેઠકો અનામત થઈ જશે. અહીં લોકસભાની બેઠકો ૪૮ થી વધીને ૭૨ થઈ જશે. રિપોટ્ર્સ અનુસાર બિહારમાં મહિલા બેઠકોની સંખ્યા ૨૦ થઈ શકે છે. અહીં કુલ બેઠકો ૪૦ થી ૬૦ સુધી પહોંચી શકે છે. એમપીમાં ૧૫ મહિલા અનામત બેઠકો વધી શકે છે. તમિલનાડુમાં ૨૦ અને દિલ્હીમાં ૪ એટલે કે મહિલા બેઠકો હશે. ઝારખંડમાં ૭ મહિલા અનામત બેઠકો વધવાનો અંદાજ છે.
