Western Times News

Gujarati News

બાળકીને ટાંકીમાં હોમી દેનાર માતાની જામીન અરજી ફગાવાઈ

અમદાવાદ, શહેરના અમરાઈવાડી વિસ્તારમાં અઢી માસની માસૂમ બાળકીને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં મોતના મુખમાં ધકેલી દેનાર કળિયુગી માતા મોનિકા મકવાણાની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે આ મામલે અત્યંત ગંભીર અવલોકન કરતા જણાવ્યું હતું કે, પ્રથમ દૃષ્ટિએ આ એક માતા દ્વારા કરવામાં આવેલું અત્યંત અમાનવીય કૃત્ય જણાય છે.

ગુનો અત્યંત ગંભીર પ્રકારનો છે. માતા દ્વારા જ પોતાના સંતાન પ્રત્યે આવું અમાનવીય વર્તન આઘાતજનક છે. તપાસ હજુ ચાલુ હોવાથી અને પુરાવાઓ સાથે ચેડાં થવાની શક્યતા છે.

ત્યારે જામીન આપવા ન્યાયોચિત નથી. પોલીસ તપાસ અને કોર્ટમાં રજૂ થયેલી વિગતો મુજબ, આરોપી માતા મોનિકા દીપકભાઈ મકવાણાની અઢી માસની પુત્રી વિશ્વા અકસ્માતે પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. જોકે, આ સમયે માનવતા દાખવવાને બદલે કે કોઈને મદદ માટે બૂમ પાડવાને બદલે, પકડાઈ જવાની બીકે મોનિકાએ ટાંકીનું ઢાંકણું બંધ કરી તેના પર તગારું ઢાંકી દીધું હતું.

આ નિર્દયતાને કારણે માસૂમ બાળકીનું ટાંકીમાં જ ગૂંગળાઈ જવાથી અને ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે મોનિકાની ધરપકડ કરી જેલમાં મોકલી આપી હતી. જેમાંથી આરોપીએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, તે નિર્દાેષ છે અને આ માત્ર એક અકસ્માત હતો.

વધુમાં ઘરે તેની ૭ વર્ષની બીજી પુત્રી છે જે માતા વગર રહી શકે તેમ નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી જામીન પર મુક્ત કરવી જોઇએ. જો કે, મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જામીન અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે, જ્યારે બાળકી ટાંકીમાં પડી ત્યારે તેને બચાવવાને બદલે આરોપીએ ટાંકીનું ઢાંકણું બંધ કરી દીધું હતું, જે ગુનાહિત માનસ દર્શાવે છે.

હજુ તપાસ ચાલુ હોવાથી જામીન આપવા જોઈએ નહીં. બીજી તરફ મૂળ ફરિયાદી અને આરોપીના પતિએ કોર્ટમાં પત્નીના જામીનનો સખત વિરોધ કરતા જણાવ્યું હતું કે, “મારી પત્ની ઝનૂની સ્વભાવની છે. જો તેને જામીન મળશે તો તે અમારી બીજી ૭ વર્ષની પુત્રીને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેથી જામીન ન આપવા જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપી માતાના જામીન ફગાવી દીધા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.