Western Times News

Gujarati News

પ્રથમ લગ્નની વાત છુપાવી બીજા લગ્ન કરનાર પતિને ૩ વર્ષની કેદ

કોર્ટે આરોપીને ૨૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો

અપરિણીત હોવાનું કહી કોર્ટમેરેજ કર્યા બાદ પ્રથમ પત્નીનાં ડિવોર્સ પેપર મળી આવતાં ભાંડો ફૂટ્યો

રાજકોટ, રાજકોટમાં પ્રથમ લગ્નની વિગતો પત્ની અને કોર્ટ સામે છુપાવી બીજા લગ્ન કરનાર યુવકને જેલહવાલે થવાનો વારો આવ્યો છે. બીજા લગ્ન બાદ મનમેળ ન બેસતા આરોપીએ પત્ની અને પુત્રને તરછોડી દીધા હતા, પરંતુ કાયદાકીય લડાઈ દરમિયાન પતિના અગાઉના લગ્નના દસ્તાવેજો મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ કેસમાં કોર્ટે આરોપી પતિને ૩ વર્ષની સજા અને ૨૦ હજાર રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યાે છે.શહેરના નાનામવા રોડ પર રહેતા આશિષ કંટારીયાએ વર્ષ ૨૦૦૬માં એક યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.

લગ્ન સમયે આશિષે પોતે અપરિણિત હોવાનું જણાવી કોર્ટના કાગળોમાં પણ ખોટી વિગતો રજૂ કરી હતી. આ લગ્નજીવન દરમિયાન તેમને એક પુત્રનો જન્મ થયો હતો. જોકે, લગ્નના ૭ વર્ષ બાદ પત્નીને જાણ થઈ હતી કે આશિષે અગાઉ પણ લગ્ન કરેલા છે. જ્યારે પત્નીએ આ બાબતે પૂછપરછ કરી ત્યારે પતિએ તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને અંતે પત્ની-પુત્રને તરછોડી દીધા હતા.સરકારી વકીલ ડી.જે. વસવેલીયાએ કોર્ટ સમક્ષ દલીલો કરતા જણાવ્યું હતું કે, આરોપીએ રેકર્ડ પર પ્રથમ લગ્નની હકીકત છુપાવી હોવાનું સાબિત થયું છે.

આરોપી સામે અગાઉ પણ અન્ય ગુનામાં સજા થયેલી છે. કોર્ટે બંને પક્ષોની રજૂઆતો અને સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય રાખી આશિષ કંટારીયાને ૩ વર્ષની કેદનો આદેશ આપ્યો છે. જો આરોપી દંડની રકમ નહીં ભરે તો તેણે વધુ ૧ માસની સજા ભોગવવી પડશે. પત્નીને પતિના જૂના ડિવોર્સ પેપર મળી આવ્યા બાદ આ છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.