Western Times News

Gujarati News

કડી-ઊંઝા પાલિકામાં ચૂંટણી પહેલાં BJPનો ભગવો લહેરાયો

કડીમાં ૩૬માંથી ર૮ અને ઊંઝામાં ૩૬માંથી રર બેઠકો બિનહરીફ કરવામાં ભાજપને સફળતા

મહેસાણા, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં બુધવારે ફોર્મ પરત ખેંચવાના દિવસે ચિત્ર સ્પષ્ટ થયું છે જેમાં મહેસાણા જિલ્લાની કડી અને ઉંઝા નગરપાલિકામાં ભાજપની રણનીતિ સામે કોંગ્રેસ સહિતના તમામ પક્ષો નિષ્ફળ નિવડ્યા હતા અને આ બંને પાલિકા પર ભાજપે ચૂંટણી પહેલાં જ ભગવો લહેરાવી દીધો છે.

ભાજપને કડીમાં ૩૬માંથી ર૮ અને ઉંઝામાં ૩૬માંથી રર બેઠકો બિનહરીફ કરવામાં સફળતા મળી હતી. આમ મહેસાણા જિલ્લામાં જિ.પં.ની ૩, તા.પં.ની ૧પ, નગરપાલિકાની ૬૦ અને મહેસાણા મહાનગરપાલિકાની પ મળી કુલ ૮૩ બેઠકો બિનહરીફ કરવામાં સફળતા મળી છે.

સાબરકાંઠા જિલ્લા અને વાવ-થરાદ જિલ્લામાં જોકે ભાજપને બિનહરીફ બેઠકો કરવામાં ભારે મહેનત કરવી પડી હતી. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર પાલિકામાં ભાજપને બે બેઠકો બિનહરીફ કરવામાં સફળતા મળી હતી જયારે ઉત્તર ગુજરાતમાં હિંમતનગર પાલિકામાં કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ બન્યા હતા. જયારે સાબરકાંઠામાં હિંમતનગર તા.પં.ની ર, પ્રાંતિજ તા.પં.ની ૧ બેઠક બિનહરીફ થઈ હતી.

આ ઉપરાંત વાવ-થરાદ જિલ્લામાં થરાદ પાલિકામાં વોર્ડ – ૬માં એક બેઠક ભાજપે બિનહરીફ કરી છે જયારે ભાભર તા.પં.ની મીઠા બેઠક બિનહરીફ થઈ હતી જયારે પાટણ જિલ્લામાં રાધનપુર તા.પં.ની ર, શંખેશ્વર તા.પં.ની ૧, સમી તા.પં.ની ૧ બેઠક તથા અરવલ્લી જિલ્લામાં બાયડ નગરપાલિકામાં ર૪માંથી ૧૮ બેઠકો બિનહરીફ થઈ હતી.

તેમજ ધનસુરા તા.પં.ની પ બેઠક, મેઘરજ તા.પં.ની ૧ બેઠક બિનહરીફ બની હતી. બનાસકાંઠા જિલ્લામાં બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ર૩ બેઠકો બિનહરીફ થયા હતા જેમાં ભાજપે જિ.પં.માં ૧, તા.પં.માં ૯ અને ડીસા, પાલનપુર પાલિકામાં ૧૩ બેઠકો કબજે કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.