Western Times News

Gujarati News

નોકરી પૂર્ણ કરીને ઘરે પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ થાય તો તેને ચાલુ ફરજ દરમિયાન જ થયેલું મૃત્યુ ગણાય

AI Image

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્‌યુટી’ ગણાશે

(એજન્સી)અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટે નેશનલ એક્સ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ (રોજગારના સૈદ્ધાંતિક વિસ્તરણ)ના કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતના આધારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં ઠરાવ્યું છે કે, જો કોઈ કર્મચારીનું નોકરીના સ્થળે પહોંચતા પહેલા અથવા કામ પૂરું કરીને (નોકરી પૂર્ણ કરીને) ઘરે પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ થાય તો તેને ચાલુ ફરજ દરમિયાન જ થયેલું મૃત્યુ ગણાય અને તેના પરિવારજનો કર્મચારી વળતર અધિનિયમ હેઠળ યોગ્ય વળતર મેળવવા હકદાર ઠરે છે. ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો કામદારોના હિતોના રક્ષણ માટે બહુ ઉપયોગી અને અત્યંત પ્રભાવી સાબિત થશે.

જસ્ટિસ જે.સી.દોશીએ દેવશાલા સામે ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સના ચુકાદાને ટાંકતા એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, નોકરીએ જવા કે ઘરે આવવા વચ્ચેનો સમય પણ રોજગારનો ભાગ જ ગણાય. હાઈકોર્ટે આ કેસમાં વીમા કંપની અને વાહનમાલિકની ફર્સ્ટ અપીલો આકરા વલણ સાથે ધરાર ફગાવી દીધી હતી અને વર્કમેન કમિશનરને આદેશ આપ્યો છે કે જમા થયેલી વળતરની રકમ યોગ્ય તપાસ બાદ મૃતકના વારસદારોને તાત્કાલિક ચૂકવી દેવામાં આવે.

કેસની વિગતો મુજબ, સુરતમાં સાલાસર પોલીટેક્સ પ્રાઇવેટ લિમિટેડમાં ડિલીવરી ક્લાર્ક તરીકે કામ કરતાં વિજયકુમાર ચંપકલાલ વાંકાલાનું ૩-૫-૨૦૦૨ના રોજ નોકરી પૂર્ણ કરીને ઘરે પરત ફરતી વખતે રસ્તામાં અકસ્માત સર્જાતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. સરદાર માર્કેટ પાસે એક ટેમ્પોચાલકે તેમને ટક્કર મારી હતી.

મૃતકના પરિવારજનો તરફથી કરાયેલા દાવામાં વર્કમેન કમિશનર દ્વારા વર્ષ ૨૦૦૬માં મૃતકના પરિવારજનોને ૨,૮૮,૨૧૦ રૂપિયા વ્યાજ સાથે અને ૫૦ ટકા પેનલ્ટી એટલે કે, બીજા વધારાના ૧,૪૪,૧૦૫ રૂપિયા ચૂકવવાનો વીમા કંપની અને માલિકને હુકમ કર્યો હતો. આ હુકમથી નારાજ થઈ વાહન માલિક અને વીમા કંપની દ્વારા હાઈકોર્ટમાં ફર્સ્ટ અપીલ નંબર-૨૯૯૪/૨૦૦૭ દાખલ કરાઈ હતી.

જેનો સખત વિરોધ કરતાં મૃતકના પરિવારજનો તરફથી જણાવાયું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા અને કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતો મુજબ, જો કોઈ વ્યક્તિ નોકરી પર પહોંચતી વખતે અથવા તેની સેવા પૂર્ણ કર્યા પછી ધરે પહોંચતી વખતે અકસ્માતમાં મૃત્યુ પામે છે, તો તે રોજગારના સૈધ્ધાંતિક વિસ્તારણના દાયરામાં આવે છે

અને તેથી કર્મચારી વળતર અધિનિયમ, ૧૯૨૩ હેઠળ મૃતકના આશ્રિતો યોગ્ય અને પૂરતું વળતર મેળવવા માટે હકદાર ઠરે છે. મૃતકના વારસોની દલીલો ગ્રાહ્ય રાખી જસ્ટિસ જે.સી.દોશીએ કર્મચારીઓ અને કામદારો માટે બહુ રાહતભર્યો અને માર્ગદર્શક ચુકાદો જોરી કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.