Western Times News

Gujarati News

પંચમહાલ પોલીસે અપહરણ કરાયેલા બે બાળકોને મધ્યપ્રદેશમાંથી છોડાવ્યા

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લામાં પોલીસ દ્વારા ઝડપભેર અને સુનિયોજિત કામગીરી હાથ ધરી મધ્યપ્રદેશ રાજ્યના કુક્ષી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ થયેલા બે નાબાલિક બાળકોને સુરક્ષિત રીતે છોડાવવામાં આવ્યા છે. આ સફળ કામગીરીથી પોલીસ પ્રત્યે જન વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

માહિતી મુજબ, ફરીયાદી પિંટુ રામા ચૌહાણના ઓળખીતો ધર્મેન્દ્ર ચૌહાણ છેલ્લા એક માસથી તેમના ઘરે રહેતો હતો અને બાળકોને નદીએ સ્નાન માટે લઈ જતો હતો. તા. ૨૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ તેણે અજય (ઉ.વ. ૬) અને દીપક (ઉ.વ. ૪) નામના બંને બાળકોને નદીએ લઈ જવાની આડમાં મોટરસાયકલ પર લઈ જઈ અપહરણ કર્યું હતું.

સાંજ સુધી બાળકો પરત ન આવતા પરિવારે શોધખોળ શરૂ કરી, પરંતુ કોઈ માહિતી ન મળતાં મધ્યપ્રદેશના કુક્ષી પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાઈ હતી.

આ ઘટનાની જાણ થતાં પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતે તાત્કાલિક પગલાં લઈ લોકલ ક્રાઈમ બ્રાંચની અલગ-અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા અને બાળકોને સલામત મુક્ત કરાવવા સુચના આપી હતી. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. વોરા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા માનવ સૂત્રોના આધારે તપાસ હાથ ધરી.

સુચિત માહિતીના આધારે ગોધરા બાયપાસ રોડ નજીક દારુણીયા વિસ્તારમાં ફિલ્મી અંદાજમાં પીછો કરી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને બંને બાળકોને સલામત રીતે મુક્ત કરાવવામાં આવ્યા હતા. બાદમાં આરોપીને આગળની કાર્યવાહી માટે મધ્યપ્રદેશની કુક્ષી પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ કામગીરી દરમિયાન પોલીસની સતર્કતા, કાર્યકુશળતા અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે જોવા મળી હતી. પોલીસ અધિક્ષક ડૉ. દુધાતે બાળકો સાથે મુલાકાત કરી તેમની તબિયત અંગે પૂછપરછ કરી અને માનવતાભર્યો અભિગમ દાખવ્યો હતો. બાદમાં બંને બાળકોને તેમના પિતા સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું.આ સફળ કામગીરીથી સાબિત થયું છે કે ગુજરાત પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાગરિકોની સુરક્ષા માટે હંમેશા પ્રતિબદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.