Western Times News

Gujarati News

મોડાસાના શામપુર આશ્રમમાં ૧૮ કન્યાઓએ પ્રભુતામાં પગલાં પાડ્‌યા

નિઃશુલ્ક લગ્નોત્સવમાં સેવાની જ્યોત ઝળહળી
(પ્રતિનિધિ)મોડાસા, કહેવાય છે કે દીકરી એટલે તુલસીનો ક્યારો અને એ ક્યારાને જ્યારે યોગ્ય આંગણું મળે ત્યારે આખું જગત મહેકી ઉઠે છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શામપુર ગામમાં આવેલા આત્મજ્યોત આશ્રમખાતે રવિવારે કંઈક આવો જ દિવ્ય અને સામાજિક સમરસતાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. નિમિત્ત હતું – પ્રેમનું પાનેતર’શીર્ષક હેઠળ યોજાયેલ ૧૮ જરૂરિયાતમંદ દીકરીઓનો પ્રથમ નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ.

આત્મજ્યોત આશ્રમના પૂજ્ય સદગુરુ શ્રી દિલીપરામ મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ આયોજિત આ માંગલિક અવસરે ૧૮ નવદંપતિઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રભુતામાં પગલાં પાડ્‌યા હતા. મંગલ શરણાઈઓના સૂર અને વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે જ્યારે આ દીકરીઓએ ચોરીના ફેરા ફર્યા, ત્યારે ઉપસ્થિત સૌ કોઈની આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા.

આશ્રમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારના અનેક સંતો-મહંતોએ ઉપસ્થિત રહી નવયુગલોને સુખી દામ્પત્ય જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા.
આજના ખર્ચાળ યુગમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે દીકરીના લગ્ન કરવા એક પડકાર સમાન બની ગયા છે,

ત્યારે આત્મજ્યોત આશ્રમ અને સમસ્ત શામપુરધામ દ્વારા લેવાયેલ આ નિઃશુલ્ક લગ્નનો નિર્ણય સમાજ માટે દીવાદાંડી સમાન પુરવાર થયો છે. આ પ્રસંગે આશ્રમ પરિવાર દ્વારા દીકરીઓને ઘરવખરીની ચીજવસ્તુઓ પણ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી, જેથી તેઓ નવા જીવનની શરૂઆત કોઈપણ ચિંતા વગર કરી શકે.

૧૯મી એપ્રિલના રોજ યોજાયેલા આ ભવ્ય આયોજનને લઈને શામપુર ગામ અને સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લગ્ન મંડપમાં શણગારાયેલ સુંદર સ્ટેજ, હજારોની સંખ્યામાં ઉમટેલી મેદની અને ભોજન સમારંભની વ્યવસ્થા આયોજકોની કોઠાસૂઝ અને સેવાની ભાવનાની સાક્ષી પૂરતા હતા. સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોએ પણ આ ભગીરથ કાર્યમાં ખભેખભા મિલાવીને સહયોગ આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.