Western Times News

Gujarati News

ત્રિદિવસીય ભવ્ય પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ -સાકરિયામાં ભીડભંજન હનુમાનદાદાના મંદિરે ભક્તિનો મહાસાગર ઉમટ્યો

પૂજ્ય જિજ્ઞેશદાદાના આશીર્વચન અને સત્સંગનો દિવ્ય લ્હાવો મળશે

(પ્રતિનિધિ)મોડાસા, મોડાસા તાલુકાના સાકરિયા ગામે બિરાજમાન અને ભક્તોના સંકટ હરનારા સુપ્રસિદ્ધ ભીડભંજન હનુમાનદાદાના મંદિરે ત્રિદિવસીય ભવ્ય પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવનો અત્યંત મંગલમય વાતાવરણમાં પ્રારંભ આજ તા.૨૨ મીથી થયો છે.

આ દિવ્ય મહોત્સવની પૂર્વ સંધ્યાએ મંગળવારે સાંજે આયોજિત સંગીતમય સુંદરકાંડના કાર્યક્રમમાં જાણે આખું મોડાસા પંથક હનુમાનજીની ભક્તિમાં લીન થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મહોત્સવની પૂર્વ સંધ્યાએ ખ્યાતનામ ગાયક ધવલકુમારના સૂરીલા અને મધુર સ્વરે સુંદરકાંડનું પઠન કરવામાં આવ્યું હતું.

હનુમાનજીના ગુણગાન ગાતી ચોપાઈઓ જ્યારે સંગીતના તાલે ગુંજી ઉઠી, ત્યારે ઉપસ્થિત હજારો ભક્તો મંત્રમુગ્ધ બની ગયા હતા. ધવલકુમારની પ્રસ્તુતિએ વાતાવરણમાં એવી દિવ્યતા ભરી દીધી હતી કે ભક્તો પળવાર માટે સંસારની માયા ભૂલી પ્રભુ ભક્તિમાં ગરકાવ થઈ ગયા હતા.

ભીડભંજન દાદા પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને પગલે મોડાસા શહેર સહિત સમગ્ર પંથકમાંથી ભાવિકોનો અભૂતપૂર્વ મહેરામણ ઉમટી પડ્‌યો હતો. વિશાળ ડોમ અને મંડપ શ્રદ્ધાળુઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. આ પાવન અવસરે આબાલવૃદ્ધ સૌ કોઈએ, જેમાં બાળકોથી માંડીને વડીલો સુધીના તમામ લોકોએ શ્રદ્ધાપૂર્વક સુંદરકાંડનું શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી.

હજારોની મેદની હોવા છતાં મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અદભૂત અને પ્રશંસનીય રહી હતી. બેસવાની સુઘડ સગવડ, લાઈટિંગ અને અનુશાસન જોઈને આવેલા શ્રદ્ધાળુઓએ ટ્રસ્ટની કામગીરીની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. મહોત્સવના પ્રથમ દિવસે જ આટલો મોટો જનસૈલાબ ઉમટતા હવે પછીના બે દિવસ દરમિયાન ભક્તિનો રંગ વધુ ઘેરો બનશે તેવું જણાઈ રહ્યું છે. સમગ્ર પંથકમાં અત્યારે ભીડભંજન હનુમાનદાદાના જયઘોષ ગાજી રહ્યા છે.

આ મહોત્સવના બીજા દિવસે એટલે કે તા. ૨૩ ને ગુરુવારની સાંજ સાકરિયા પંથક માટે અવિસ્મરણીય બની રહેશે, કારણ કે આ પ્રસંગે સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય જિજ્ઞેશદાદા (રાધે રાધે) ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન પાઠવશે. દાદાના મુખેથી હનુમાનજીની મહિમા સાંભળવા માટે માત્ર મોડાસા જ નહીં, પરંતુ સમગ્ર અરવલ્લી -સાબરકાંઠા જિલ્લામાંથી ભક્તોનો મોટો સમુદાય ઉમટી પડે તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.