Western Times News

Gujarati News

યુદ્ધને કારણે  ભારતે બમણા ભાવે ૨૫ લાખ ટન યુરિયા ખરીદવું પડયું

પ્રતિકાત્મક

(એજન્સી)નવી દિલ્હી, મીડિલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતના કૃષિ ક્ષેત્ર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ખાતરની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભારત એક જ ટેન્ડરમાં રેકોર્ડ ૨૫ લાખ મેટ્રિક ટન યુરિયા આયાત કરવા જઈ રહ્યું છે.

જોકે, ચિંતાની વાત એ છે કે માત્ર બે મહિનાના ગાળામાં આંતરરાષ્ટ્રીય બજારમાં યુરિયાની કિંમતો લગભગ બમણી થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, ઈન્ડિયન પોટાશ લિમિટેડ એ આ ખરીદી માટેની ડીલ ફાઈનલ કરી છે. અગાઉના ટેન્ડરમાં પશ્ચિમ કિનારા માટે યુરિયા અંદાજે ૫૦૮ ડૉલર પ્રતિ ટન હતું, જે હવે વધીને ૯૩૫ ડૉલર પ્રતિ ટન થઈ ગયું છે.

તેવી જ રીતે, પૂર્વ કિનારા માટે જે ભાવ ૫૧૨ ડૉલર હતો, તે હવે ૯૫૯ ડૉલર પ્રતિ ટન પર પહોંચી ગયો છે. આમ, વૈશ્વિક તંગદિલીને કારણે ભારતે લગભગ બમણા ભાવ ચૂકવવા પડી રહ્યા છે. ભારત વિશ્વનો સૌથી મોટો યુરિયા આયાતકાર દેશ છે. વર્ષ ૨૦૨૫માં ભારતને અંદાજે ૧ કરોડ ટન યુરિયાની જરૂરિયાત રહેવાની છે, જેની સામે આ ૨૫ લાખ ટનનો જથ્થો કુલ જરૂરિયાતનો ચોથો ભાગ પૂર્ણ કરશે. જોકે

, આયાત મોંઘી થવાથી ભારત સરકાર પર સબસિડીનો બોજ અસહ્ય બનશે. સરકાર ખેડૂતોને સસ્તા દરે ખાતર પૂરું પાડવા માટે કંપનીઓને સબસિડી આપે છે, જેનો ખર્ચ હવે આસમાને પહોંચશે. નિષ્ણાતોના મતે, ભારત દ્વારા કરવામાં આવેલી આટલી મોટી ખરીદીને કારણે વૈશ્વિક બજારમાં અન્ય દેશો માટે યુરિયાની અછત સર્જાઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.