Western Times News

Gujarati News

AMC ચૂંટણીઃ ૪૧૯ મતદાન મથકો સંવેદનશીલ, ૮ હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે

AI Image

પોલીસ કમિશનર એક્શનમાં, સંવેદનશીલ બુથોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

(એજન્સી)અમદાવાદ અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીનો ગરમાવો તેજ બન્યો છે અને મતદાનના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે મેદાનમાં ઉતરી સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવ્યો છે.

ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે હેતુથી કમિશનરે શહેરના વિવિધ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની વ્યક્તિગત મુલાકાત લઈ પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી.

પોલીસ કમિશનર જી.એસ. મલિકે અસારવા વિસ્તારમાં આવેલી સરકારી શાળાના મતદાન મથકની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બુથ પર તૈનાત રહેનારા જવાનોની કામગીરી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, શહેરના તમામ મતદાન મથકો પર સુરક્ષાના ચુસ્ત આયોજન કરવામાં આવ્યા છે.

શહેરમાં ૧૩૧૬ સ્થાનો પર ૪૧૭૨ બુથ પર મતદાન પ્રક્રિયા યોજાશે. શહેરમાં ૪૧૯ સ્થાનોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, શહેરમાં ૨ મતદાન મથકો અતિ સંવેદનશીલ શ્રેણીમાં છે. મતદાનના દિવસે શાંતિ જાળવવા માટે ૮૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. સુરક્ષાને વધુ મજબૂત કરવા એસઆરપીની ૭ ટીમો અને પેરા-મિલિટ્રીની ૧ ટીમ પણ બંદોબસ્તમાં જોડાશે.

શહેર પોલીસ કમિશનરે નાગરિકોને નિર્ભય થઈને મતદાન કરવાની અપીલ કરતા આશ્વાસન આપ્યું હતું કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.

તેમણે ઉમેર્યું હતું કે, કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે પોલીસ તંત્ર સજ્જ છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પંચ અને શહેર પોલીસના આ સંયુક્ત પ્રયાસોનો હેતુ મતદારોમાં વિશ્વાસ જગાડવાનો અને લોકશાહીના આ પર્વને વિઘ્‌ન વગર સફળ બનાવવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.