Western Times News

Gujarati News

કઠલાલના પિઠાઈ ગામે લગ્ન પ્રસંગમાં ડીજે પ્રકરણમાં છની ધરપકડ

(પ્રતિનિધિ) નડિયાદ, કઠલાલ તાલુકાના પિઠાઈ ગામે લગ્ન પ્રસંગ દરમિયાન બે ડીજે સાઉન્ડ સિસ્ટમ વચ્ચે કોમ્પિટિશન યોજી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવા બદલ કઠલાલ પોલીસે છ શખ્સોની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે પપ્પુ ડીજે સિસ્ટમ સહિત અંદાજે ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરી છે.

મળતી માહિતી મુજબ તા ૨૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ બપોરના સમયે કઠલાલ પોલીસને માહિતી મળી હતી કે પિઠાઈ ગામે લગ્નમાં આવેલી બે અલગ-અલગ જાનના ડીજે વચ્ચે જોરદાર કોમ્પિટિશન ચાલી રહી છે. આ સ્પર્ધા જોવા માટે આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્‌યા હતા. ડીજે પર ચઢીને કેટલાક શખ્સો મોટેથી અવાજ કરી, જાહેર જનતાને ત્રાસ થાય તે રીતે અશ્લીલ ઇશારા અને ઉશ્કેરણીજનક કૃત્યો કરી રહ્યા હતા. જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની ભીતિ સેવાતા કઠલાલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસે સ્થળ પરથી ઉશ્કેરણીજનક કૃત્યો કરતા છ શખ્સોની અટકાયત કરી હતી. જેમાં વિશાલકુમાર ઉર્ફે વિશુ રાકેશભાઈ સોલંકી (રહે. દેદરડા, આણંદ), રાહુલકુમાર સુનિલભાઈ રાવળ (રહે. વડતાલ), દિનેશભાઈ નરેશભાઈ પરમાર (રહે. આખડોલ), સચીનકુમાર જીતુભાઈ ઠાકોર (રહે. નડિયાદ), મીતકુમાર ઉર્ફે મીત નરેન્દ્રસિંહ ચૌહાણ (રહે. નડિયાદ) અને ધર્મેશકુમાર લાલસિંહ પરમાર (રહે. આખડોલ) નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ગોફીલ ડીજેના ડ્રાઈવર, ઓપરેટર અને અન્ય પાંચ શખ્સો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે જે હાલ ફરાર છે. આ મામલે કઠલાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૩, ૨૬૨, ૨૭૬, ૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આ કાર્યવાહી દરમિયાન ૪૦ લાખની કિંમતનું પપ્પુ ડીજે સિસ્ટમ આઈસર ગાડી નંબર ય્ત્ન-૦૯-છેં-૧૦૨૫ સાથે જપ્ત કર્યું છે. હાલ પોલીસ દ્વારા ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.