Western Times News

Gujarati News

ગુજરાત: રૂ. ૩૮૪ કરોડનું ડ્રગ્સ ઘૂસાડવાના કાવતરામાં ૬ પાકિસ્તાનીઓને ૨૦ વર્ષની સખત કેદ

File photo

ભુજ: ગુજરાતના કચ્છ જિલ્લાની એક વિશેષ અદાલતે ડ્રગ્સ માફિયાઓ સામે કડક વલણ અપનાવતા મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે ભારતીય જળસીમામાં રૂ. ૩૮૦ કરોડથી વધુ કિંમતનું હેરોઈન ઘૂસાડવાનો પ્રયાસ કરનાર ૬ પાકિસ્તાની નાગરિકોને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

શું હતું કોર્ટનું અવલોકન?

ભુજની છઠ્ઠા એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ NDPS કોર્ટના જજ વી.એ. બાધુએ આ કેસમાં ચુકાદો આપતા ગંભીર ટિપ્પણી કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, આ ડ્રગ્સનો જથ્થો ભારતીય યુવાનોને નશાના રવાડે ચઢાવીને દેશના પાયાને નબળો પાડવાની એક સુઆયોજિત રણનીતિનો ભાગ હતો. કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે, ડ્રગ્સ એ માત્ર વ્યક્તિગત સમસ્યા નથી, પરંતુ તે દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો સમાન રાષ્ટ્રીય સંકટ છે.

કેસની પૃષ્ઠભૂમિ: ડિસેમ્બર ૨૦૨૧નું ઓપરેશન

આ સમગ્ર મામલો ડિસેમ્બર ૨૦૨૧નો છે. તે સમયે ગુજરાત ATS ના DySP ભાવેશ રોજિયાને ચોક્કસ બાતમી મળી હતી કે પાકિસ્તાનના કરાચીથી ‘અલ હુસેની’ નામની બોટમાં હેરોઈનનો જથ્થો આવી રહ્યો છે. આ ડિલિવરી જખૌ દરિયાકાંઠેથી ૩૫ નોટિકલ માઈલ દૂર થવાની હતી.

The @IndiaCoastGuard in swift joint #Operations with ATS #Gujarat apprehended #Pakistani boatAl Hussaini‘ in #Indian waters with 06 crew & 77 Kgs of heroin worth approx. Rs. 400 crs 

બાતમીને આધારે, ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ૧૮ થી ૨૦ ડિસેમ્બર દરમિયાન એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ૨૦ ડિસેમ્બરની વહેલી સવારે ૨:૩૦ કલાકે રડાર પર એક શંકાસ્પદ બોટ દેખાઈ હતી. કોસ્ટ ગાર્ડની ટીમે આ બોટને ઘેરીને તેમાં સવાર ૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી. બોટની તપાસ દરમિયાન ૭૬,૯૩૬ ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. ૩૮૪.૬૮ કરોડ થવા જાય છે.

કોણ છે આરોપીઓ?

પકડાયેલા તમામ ૬ આરોપીઓ પાકિસ્તાનના કરાચીના રહેવાસી છે: ૧. મોહમ્મદ ઈમરાન મોહમ્મદ તારિક વાઘેરા (૩૧) ૨. દાનિશ મોહમ્મદ હુસેન કચ્છી વાઘેરા (૨૪) ૩. સાગર મોહમ્મદ કચ્છી વાઘેરા (૨૩) ૪. ઈસ્માઈલ ઈબ્રાહિમ બદલા (૪૫) ૫. મોહમ્મદ સાજિદ મોહમ્મદ હુસેન યાકુબલાલા કુંગારા (૨૪) ૬. અશ્ફાક મોહમ્મદ ઈશાક વાઘેરા (૨૬)

ટ્રાયલ દરમિયાન મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ સરકારી પક્ષ તરફથી ૨૦૩ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા અને ૧૩ સાક્ષીઓને તપાસ્યા હતા. તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં રાખીને, કોર્ટે તમામ ૬ આરોપીઓને દોષિત ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદ અને પ્રત્યેકને ૨ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

#DrugSmuggling #Pakistan #GujaratATS #BhujCourt #NDPS #HeroinSeizure #NationalSecurity #CoastGuard #CrimeNews


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.