Western Times News

Gujarati News

ખોખરામાં BJPનો અનોખો પ્રચારઃ તમિળ ભાષામાં પોસ્ટર, પત્રિકાઓનું વિતરણ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ખોખરા વોર્ડના ભાજપના ઉમેદવારો દ્વારા તમિળ ભાષામાં અનોખો ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને તમિળ સમાજના કાર્યકર્તાઓને સાથે રાખીને તમિળ ભાષામાં જ તમામ લોકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા ખોખરા વોર્ડમાં આશરે ૮ હજાર જેટલા તમિળનાડુના વતનીઓ વસે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તમિળ મતદારોને આકર્ષવા તમિળ ભાષામાં બેનરો લગાવવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ તમિળનાડુના વતનીઓ સાથે ગ્રુપ મીટિંગ, રાત્રિ મીટિંગ યોજવામાં આવી રહી છે.

ખોખરા વોર્ડના ભાજપના ઉમેદવાર નયન બ્રહ્મભટ્ટ અને કમલેશ પટેલ જણાવ્યું હતું કે, ખોખરા વોર્ડમાં વર્ષોથી તમિલનાડુના પરિવારો વસે છે અને લગભગ ૮ હજાર જેટલા મતદારો છે. ખોખરા વોર્ડના ભાજપના ઉમેદવારો અને ભાજપના નેતાઓ દરેક સમાજ અને જ્ઞાતિના લોકો સાથે બેઠક કરી રહ્યાં છે.

અમદાવાદમાં ખોખરા વોર્ડમાં સૌથી વધુ તમિલ સમાજના લોકો રહે છે ત્યારે ભાજપના ચારેય ઉમેદવાર દ્વારા તમિલ સમાજના આગેવાનો અને લોકો સાથે બેઠક કરી હતી. ભાજપના નેતાઓએ તમિલ કાર્યકર્તાને સાથે રાખીને તમિલ ભાષામાં જ તમામ લોકોને મતદાન માટે અપીલ કરાવવામાં આવી હતી.

ભાજપ દ્વારા સૌ પ્રથમ વખત તમિલ ભાષામાં મતદાન માટે પેમ્પલેટ અને સોશિયલ મીડિયા બેનર બનાવવામાં આવ્યા છે. ભાજપના ઉમેદવારોના નામ અને વિગતો સાથે પત્રિકાઓ વહેચવામાં આવી છે.

જે પણ તમિલ સમાજના લોકો છે તેમના મોબાઈલમાં તમિલ ભાષામાં બનાવેલું પોસ્ટર મોકલવામાં આવી રહ્યું છે. ખોખરા વોર્ડમાં ૮૦૦૦ જેટલા તમિલ મતદારો છે ત્યારે ભાજપ દ્વારા તમિલ સમાજના મત મેળવવા માટે તેમની સાથે બેઠક કરી મતદાન કરવા અપીલ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.