લીંબુની છાલમાં મળશે ‘નેચરલ પેક્ટિન’, ફૂડ ઈન્ડસ્ટ્રીમાં આવશે ક્રાંતિ
અમદાવાદ: સામાન્ય રીતે આપણે લીંબુનો રસ કાઢ્યા બાદ તેની છાલને કચરાપેટીમાં ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ હવે આ જ છાલ ફૂડ ઈન્ડસ્ટ્રીમાં મોટું પરિવર્તન લાવી શકે છે. અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠના ફૂડ એન્ડ ન્યુટ્રીશન વિભાગની વિદ્યાર્થિની ઘુમર જાદવે ‘ઓપ્ટિમાઈઝેશન ઓફ પેક્ટિન એક્સટ્રેક્શન ફ્રોમ લેમન પિલ્સ વેસ્ટ’ (લીંબુની છાલના કચરામાંથી પેક્ટિન મેળવવું) વિષય પર એક સફળ સંશોધન કર્યું છે. આ સંશોધન દ્વારા તેમણે સાબિત કર્યું છે કે લીંબુની ફેંકાયેલી છાલમાંથી ગુણવત્તાસભર નેચરલ પેક્ટિન મેળવી શકાય છે.
શું કહે છે આ સંશોધન?
વિદ્યાર્થિની ઘુમર જાદવે વિભાગના વડા પ્રો. નિખિલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ આ સંશોધન હાથ ધર્યું હતું. તેમના જણાવ્યા મુજબ, હાલમાં ફૂડ ઈન્ડસ્ટ્રીમાં મોટાભાગે સિન્થેટિક (કૃત્રિમ) પેક્ટિનનો ઉપયોગ થાય છે. લાંબા ગાળે આ કૃત્રિમ પેક્ટિન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સંશોધનમાં સામે આવ્યું છે કે લીંબુના વેસ્ટમાં ૩૫ ટકાથી વધુ પ્રમાણમાં કુદરતી પેક્ટિન રહેલું હોય છે, જે ફૂડ પ્રોસેસિંગ માટે અત્યંત ઉપયોગી છે.
નેચરલ પેક્ટિનના અનેકવિધ ફાયદા
લીંબુની છાલમાંથી મેળવવામાં આવેલું આ કુદરતી પેક્ટિન ફૂડ ઈન્ડસ્ટ્રીમાં નીચે મુજબ ઉપયોગી થઈ શકે છે:
-
ફૂડ આઈટમ્સમાં: જામ, જેલી, જ્યુસ અને ડેરી પ્રોડક્ટ્સ બનાવવામાં તેનો ઉપયોગ થઈ શકે છે.
-
સૂક્ષ્મ પોષકતત્વો: તે ફૂડને સોફ્ટ બનાવવામાં મદદરૂપ થાય છે.
-
ઔષધીય ઉપયોગ: ડાયરિયાના નિદાનમાં દવા તરીકે તેનો અસરકારક ઉપયોગ થઈ શકે છે.
-
ડાયાબિટીસમાં રાહત: ડાયાબિટીસના દર્દીઓ માટે લો-શુગર ડાયટ બનાવવામાં આ નેચરલ પેક્ટિન ખૂબ જ ગુણકારી છે.
પર્યાવરણ અને અર્થતંત્ર માટે પણ લાભદાયી
આ સંશોધન માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ પર્યાવરણ અને આર્થિક દૃષ્ટિએ પણ અનેક રીતે ફાયદાકારક છે:
૧. આયાત પર નિર્ભરતા ઘટશે: હાલમાં ભારત મોટાભાગનું પેક્ટિન વિદેશથી આયાત કરે છે. જો આ સંશોધનનો મોટા પાયે અમલ થાય તો આયાતનો ખર્ચ ઘટાડી શકાય છે. ૨. રોજગારીની તકો: જો આ ટેકનોલોજીને યોગ્ય દિશા અને પ્રોત્સાહન મળે તો નાના પાયે ઉદ્યોગો શરૂ થઈ શકે છે, જેનાથી લોકોને નવી રોજગારી મળી શકે. ૩. પ્રદૂષણમાં ઘટાડો: લીંબુના વેસ્ટનો નિકાલ કરવાની સમસ્યા હળવી થશે અને કચરાનું યોગ્ય મેનેજમેન્ટ થવાથી પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.
પેક્ટિન ડાયરિયામાં કેવી રીતે કામ કરે છે?
પેક્ટિન એ એક પ્રકારનું ‘સોલ્યુબલ ડાયટરી ફાઈબર’ (પાણીમાં ઓગળી જતું રેસાતંતુ) છે. જ્યારે તે શરીરમાં જાય છે, ત્યારે તે નીચે મુજબની પ્રક્રિયા કરે છે:
-
પાણીનું શોષણ: ડાયરિયા દરમિયાન આંતરડામાં પાણીનું પ્રમાણ વધી જાય છે. પેક્ટિન એક જેલ (Gel) જેવો પદાર્થ બનાવે છે જે આંતરડામાં રહેલા વધારાના પાણીને શોષી લે છે.
-
સ્ટૂલ (મળ) ને ઘટ્ટ બનાવવું: પાણી શોષવાની ક્ષમતાને કારણે તે મળને ઘટ્ટ બનાવવામાં મદદ કરે છે, જેનાથી વારંવાર શૌચ જવાની સમસ્યામાં રાહત મળે છે.
-
આંતરડાનું રક્ષણ: પેક્ટિન પાચનતંત્રની અંદરની દીવાલ પર એક રક્ષણાત્મક પડ બનાવે છે, જે સોજા (Inflammation) માં ઘટાડો કરે છે અને આંતરડાને શાંત રાખે છે.
