Western Times News

Gujarati News

યુવતીનું ગળું કાપનારા બે હેવાનને છેલ્લા શ્વાસ સુધીની સજા

કચ્છ, ભુજના ચકચારી સાક્ષી ખાનિયાની હત્યા કેસમાં ભુજ કોર્ટે માત્ર ૮ મહિનામાં જ મોટો ચુકાદો આપી કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે, પ્રેમ પ્રકરણ મામલે સાક્ષી ખાનિયાને મોહિત સિદ્ધપુરા અને જયેશ ઠાકોર નામના બે શખ્સોએ ગત ૨૮ ઓગસ્ટના ૨૦૨૫ના રોજ ભુજની સંસ્કાર કોલેજની બહાર સરાજાહેરમાં છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

જે મામલે ભુજમાં વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને ભુજના છાત્રોએ કેન્ડલ સાથે રેલી યોજીને સાક્ષીને ન્યાય મળે તે માટે રેલી યોજી હતી. આ મામલે કોર્ટે આરોપી મોહિત સિદ્ધપુરા અને જયેશ ઠાકોરને કસૂરવાર ઠેરવ્યા છે અને બંને આરોપીઓને કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. ત્યારે સાક્ષી ખાનિયાને ૮ મહિનામાં ન્યાય મળતા લોકોનો ન્યાયતંત્ર પર ભરોસો વધ્યો છે.

શું હતો આખો મામલો? ગત વર્ષે ૨૮મી ઓગસ્ટના દિવસે સમી સાંજના સમયે મોહિત સિદ્ધપુરા અને જયેશ ઠાકોર બાઈક પર ભુજની સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજનાં ગેટ બહાર આવી ૧૯ વર્ષીય કોલેજીયન વિદ્યાર્થિની સાક્ષી ખાનિયા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

ઘટના દરમિયાન અન્ય શખ્સ સાક્ષીને બચાવવા વચ્ચે પડ્યા, ત્યારે તેને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે બાદ બંનેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે સાક્ષીએ દમ તોડ્યો હતો.

બાદમાં તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક સાક્ષી ખાનિયા મૂળ ગાંધીધામની રહેવાસી હતી અને ભુજની ભાનુશાલી હોસ્ટેલમાં રહેતી સંસ્કાર કોલેજમાં જ પ્રથમ વર્ષનો અભ્યાસ કરતી હતી. જ્યારે હુમલાખોર શખ્સ મોહિત સિદ્ધપુરા અને જયેશ ઠાકોર એકબીજાના પરિચિતો હતા

અને આ આખી ઘટના પ્રેમપ્રકરણના કારણે બની હોવાનું સામે આવ્યું હતું. જે બાદ આ હત્યાકાંડના પડઘા ગાંધીધામ અને ભુજ સહિત આખા ગુજરાતમાં પડ્યા હતા અને આ ઘટના કોલેજના ગેટ પાસે જ બની હોવાથી વિદ્યાર્થીઓમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો અને તેઓએ કેન્ડલ માર્ચ યોજી ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરુ કર્યું હતું.

બાદમાં સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી બંને આરોપીઓ મોહિત સિદ્ધપુરા અને જયેશ ઠાકોરની ધરપકડ કરી હતી અને તેમની પુછપરછમાં તેઓએ પ્રેમપ્રકરણમાં આ સાક્ષી ખાનિયા હત્યાકાંડને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું હતું. જે બાદ પોલીસે આ કેસમાં હત્યાની કલમ ૩૦૨નો ઉમેરો કરી ભુજ કોર્ટમાં આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ ફાઈલ કરી હતી. જેના પરિણામે આજે ઘટનાના માત્ર ૮ મહિનાના જ સમયમાં કોર્ટે બંને આરોપીઓને કસૂરવાર ઠેરાવ્યા છે અને બંનેને કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે.

આમ કચ્છના ધ્રુજાવતા સાક્ષી ખાનિયાની હત્યાકેસમાં માત્ર ૮ મહિનામાં પીડિત પરિવારને ન્યાય મળ્યો છે અને સાક્ષીનું જાહેરમાં ગળું કાપનારા બે હેવાન મોહિત સિદ્ધપુરા અને જયેશ ઠાકોરને કોર્ટે છેલ્લા શ્વાસ સુધી જેલવાસની સજા ફટકારી છે. ત્યારે ઘટનાના માત્ર ૮ મહિનામાં કોર્ટે ચુકાદો આપતા નાગરિકોનો ન્યાયતંત્ર પર ભરોસો વધ્યો છે, સાથે જ કોર્ટોનો ચુકાદો સામે આવતા આ કિસ્સો હાલ ફરી એકવાર ભુજમાં ચર્ચાનો વિષય બન્યો છે અને મૃતક સાક્ષી સાથે જોડાયેલા તમામ લોકોની સાક્ષી સાથેની જૂની યાદો ફરી એકવાર તાજી થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.