Western Times News

Gujarati News

ગુજરાતના માર્ગ અને મકાન વિભાગમાં વર્ચસ્વ કોનું? પટેલિયાનુ કે ગાંધીનુ?

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગનું બજેટ રૂપિયા ૨૯/- હજાર કરોડનું છે! આ વિભાગના સચિવ તરીકે હાલ પી.આર.પટેલિયા સેવારત છે જ્યારે આ જ વિભાગમાં સ્પેશિયલ સેક્રેટરી તરીકે જે.એ. ગાંધી ફરજ બજાવે છે.

સચિવાયમા થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો એવું કહેવાય છે કે હોદ્દાની રૂએ ભલે પટેલિયા વિભાગના સર્વોચ્ચ સ્થાને હોય પણ સમગ્ર વિભાગમાં વર્ચસ્વ અને દબદબો તો સ્પેશિયલ સચિવ જે.એ.ગાંધીના જ છે.

આ અંગે એવું કહેવાય છે કે જે.એ.ગાંધી પાસે (૧)-નેશનલ હાઇવે (૨)- પંચાયત હસ્તકના રોડ (૩) g.s.r.d.બોર્ડનુ મેનેજિંગ ડિરેક્ટરનું પદ અને (૪)-સમગ્ર ઉતર ગુજરાતનો હવાલો સંભાળે છે.

આ અંગનું સૌથી મોટું આશ્ર્‌ચર્ય એ છે કે ખાસ સચિવ ગાંધી પાસે આ તમામ બાબતોનો(રા.ક.ના મંત્રી પાસે હોય છે એવો) સ્વતંત્ર હવાલો છે.તેઓએ મંજૂર કરેલી ફાઈલ વિભાગના સર્વોચ્ચ વડા અને સચિવ પાસે મુકવાની હોતી નથી.

એ સીધી મુખ્યમંત્રી પાસે જાય છે! એટલે કે તેઓ સચિવની સમાંતર સત્તા ધરાવે છે.નવાઈની વાત એ છે કે જે.એ. ગાંધી વયનિવૃત થઈ ગયા હોવા છતાં આવી ભવ્ય સત્તાઓ ભોગવે છે!

હેં શું,સચિવાલયમાં કોઈ સચિવાલયનું પાણી જ નથી પીતું?

સચિવાલયમાં પાણીના સંગ્રહ માટે રાખવામાં આવેલા ટાંકાઓ કોઈ દિવસ સાફ કરાતા જ નથી!

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોઇક વાર તો એવી ઘટનાઓ આકાર લેતી હોય છે કે સાંભળનારને એ દુનિયાની આઠમી અજાયબી લાગે!વાત જાણે એમ છે કે સરદાર ભવન (નવા) સચિવાલયમાં જે લોકો નોકરી કરવા આવે છે એ પૈકીના લગભગ ૮૦ થી ૯૦ ટકા કર્મચારીઓ સચિવાલયનું પાણી પીતા જ નથી,

બલકે ઘરેથી લાવેલું પાણી જ પીએ છે.અરે એક કર્મચારી બહેન તો ઘરેથી ૩-૪ વોટર બેગ લઈને સચિવાલયમાં નોકરી કરવા આવે છે, એ ઉપરાંત સચિવાલયના ગેટ નંબર -૧ પાસે ઉભા રહેતા સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પણ મીનરલ પાણીની બોટલનું જ પાણી પીવાનું પસંદ કરે છે.

આનુ કારણ એ છે કે સચિવાલયમાં પાણીના સંગ્રહ માટે રાખવામાં આવેલા ટાંકાઓ કોઈ દિવસ સાફ કરાતા જ નથી! આ વાતનો સૌથી મોટો પુરાવો એ છે કે સ્વર્ણિમ સંકુલ -૧ અને સ્વર્ણિમ સંકુલ -૨મા બેસતા મંત્રીઓ અને રા.ક.ના મંત્રીઓની કચેરીમાં પણ જે પાણી આપવામાં આવે છે

એ પણ બ્રાન્ડેડ વોટર બોટલ દ્વારા જ આપવામાં આવે છે જે સૂચવે છે કે સરકારને પણ સચિવાલયના પાણીમાં વિશ્વાસ રહ્યો નથી! આ પરિસ્થિતિ ગંભીર છે અને સામાન્ય વહીવટ વિભાગ અને અને માર્ગ અને મકાન વિભાગે સંકલન સાધીને સચિવાલયમાં આવેલા પાણીના ટાંકા નિયમિત રીતે સાફ થાય એવું તંત્ર ગોઠવવું જોઈએ.

બોલો લ્યો,ગાંધીનગરમાં ચોર પોલીસની પી. સી.આર. વાન લઇને ચોરી કરવા ગયો!!

જરાય સાચું માનવાનું મન ન થાય થાય એવા સમાચાર એ છે કે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પોલીસની પોલીસ કન્ટ્રોલ રૂમ (પી.સી.આર.)વાન દ્વારા ચોરી કરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલા શ્યામાપ્રસાદ મુખરજી નગરમાં રહેતા રણછોડ ઝરમરિયા ગત તા.૧૯/૪/૨૬ના રોજ મુખર્જીનગરના બેઝમેન્ટમા પોતાની કાર લેવા ગયા ત્યારે જોયું તો તેમની કારના ચાર પૈડાની વ્હીલ પ્લેટ ગુમ થઈ ગઈ હતી.

આવું અન્ય ૩ કારમાં પણ થયું હતું! આ પછી સોસાયટીના સીસીટીવી કેમેરા ચકાસવામાં આવતા પોલીસ ખાતાની એક પી.સી.આર.વાન આવેલી નજરે પડી અને તેમાંથી એક શખ્સ સાદા વેશમાં ઊતરીને વ્હીલ પ્લેટ કાઢતો નજરે પડ્‌યો,

આ અંગે શહેરના ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.એ. શાહ અને તેમની ટીમે તપાસ કરતા ખબર પડી કે આ ચોરી કરનાર તો પોલીસ ખાતામાં આઉટ સોર્સિગથી ડ્રાઈવર તરીકે નોકરી કરતો અને સેક્ટર -૭મા રહેતો જીજ્ઞેશ મનીષ ડાભી છે.

એ પછી તેની રૂ.૫,૫૦૦/-ની કિંમતના ૮ નંગ વ્હીલ કેપ સાથે ધરપકડ કરી હતી.ગુજરાત સરકાર દ્વારા નિયમિત કર્મચારીઓની નિમણૂક ન કરીને આઉટ સોર્સિગથી કર્મચારીઓની ભરતી કરે છે તેના કેવાંકેવા જોખમ હોય છે કેવાં ભયંકર પરીણામ આવી શકે છે એ આ કિસ્સાથી ઉજાગર થયું છે હોં!

પૂર્વ સચિવ નલિન બી. ઉપાધ્યાયની પ્રફુલ્લ પટેલના સલાહકાર તરીકે નિમણૂક

ગુજરાત સરકારની ૨૦૦૪ની બેચના નિવૃત આઈ.એ.એસ. અધિકારી અને કૃષિ સચિવ તરીકે નિવૃત્ત થયેલા તથા ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેનપદે સેવા આપી ચૂકેલા નલિન બી. ઉપાધ્યાયની દીવ,દમણ,દાદરા અને નગર હવેલીના વહીવટદાર પ્રફુલ્લ પટેલનાં સલાહકાર તરીકે કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના છોઈલા ગામના વતની અને કોમર્સ ફેકલ્ટીના સ્નાતક નલિન ઉપાધ્યાય સાહિત્ય, સંગીત,નાટક વગેરે જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા વ્યક્તિ છે.

જોગાનુજોગ એ છે કે પ્રફુલ્લ પટેલ અને નલિન ઉપાધ્યાય એક જ જિલ્લાનાં વતની છે.અરવલ્લી જિલ્લો અગાઉ સાબરકાંઠા જિલ્લાનો એક ભાગ હતો અને પ્રફુલ્લ પટેલ પણ સાબરકાંઠા જિલ્લાના વતની છે.ગુજરાત સરકારમાં જુનિયર ક્લાર્ક તરીકે દાખલ થઇને સચિવપદ સુધી પહોંચીને નિવૃત થયેલા નલિન ઉપાધ્યાયની સમગ્ર કારકિર્દી બિનવિવાદાસ્પદ અને નિષ્કલંક રહી છે.નિવૃતિ પછી પણ આવું પદ મળવાં પાછળનું કારણ પણ એ જ છે.

ગુજરાત સરકાર ૨ ટકા મોઘવારી ભથ્થું ક્યારે આપશે?

કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ માટે બે ટકા મોઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી દીધી છે તેથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે ૫૮ ટકાને બદલે ૬૦ ટકા મોંઘવારી ભથ્થું મળવાનું છે.

આ મોંઘવારી ભથ્થાનો વધારો ગુજરાત સરકાર હવે તેનાં કર્મચારીઓને ક્યારે આપશે? તેની ચર્ચા સચિવાલયમાં થવા લાગી છે.એનુ કારણ એ છે કે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી થયા પછી તેઓએ એવી પ્રણાલીકા સ્થાપી છે કે મોંઘવારી ભથ્થા માટે કર્મચારીઓને બહુ રાહ ન જોવડાવી!

એ પ્રણાલીકાને નજરમાં રાખીએ તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ થયા બાદ અને આચારસંહિતા ઉઠી ગયા બાદ સંભવતઃ મે માસના પ્રારંભમાં સરકાર વધારાના ૨ ટકા મોંઘવારી ભથ્થા આપવાની જાહેરાત કરશે.આમેય મે મહિનો એ ગુજરાત રાજ્યની સ્થાપનાનો(એટલે કે જન્મનો)મહીનો છે ને?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.