Western Times News

Gujarati News

ભારતના સોલાર સેક્ટરને અમેરિકાનો ઝટકો: ૧૨૩ ટકા એન્ટી-ડમ્પિંગ ડ્યુટી ફટકારી

Presentation Image

(એજન્સી)નવી દિલ્હી, વૈશ્વિક ગ્રીન એનર્જી માર્કેટમાં મહાસત્તા બનવા તરફ આગળ વધી રહેલા ભારતીય સોલર મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે અમેરિકા તરફથી અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો આવ્યો છે. અમેરિકાએ ભારતીય સોલર સેલ અને મોડ્યુલ્સની આયાત પર ૧૨૩.૦૪ ટકા જેટલી પ્રાથમિક એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવાની સત્તાવાર જાહેરાત કરી છે.

આ નિર્ણય માત્ર એક ટેક્સ નથી, પરંતુ ભારતીય નિકાસકારો માટે અમેરિકન બજારના દરવાજા લગભગ બંધ કરી દેનારો એક આર્થિક પ્રહાર છે. ફેબ્રુઆરીમાં લાદવામાં આવેલી કાઉન્ટરવેલિંગ ડ્યુટી અને હવેની એન્ટી-ડમ્પિંગ ડ્યુટી મળીને ભારતીય ઉત્પાદનો પર કુલ ટેક્સનો બોજ ૨૩૪ ટકાથી પણ વધી ગયો છે. આ કઠોર નિર્ણયથી ભારતની ટોચની સોલર કંપનીઓ અને સરકારની રિન્યુએબલ એનર્જી નિકાસ રણનીતિ સામે ગંભીર પ્રશ્નાર્થચિહ્ન ઊભું થયું છે.

અમેરિકાના વાણિજ્ય વિભાગ દ્વારા ૨૩ એપ્રિલ, ૨૦૨૬ના રોજ એક વિસ્તૃત તપાસ અહેવાલના આધારે આ નિર્ણય લેવાયો હતો. તપાસમાં પ્રાથમિક રીતે સાબિત થયું છે કે ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસ જેવા દેશો તેમના સોલર ઉત્પાદનો અમેરિકન માર્કેટમાં તેની વાસ્તવિક ઉત્પાદન કિંમત કરતા ઘણી ઓછી કિંમતે વેચી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં આ પ્રક્રિયાને ડમ્પિંગ કહેવામાં આવે છે.

જ્યારે કોઈ દેશ પોતાના ઘરઆંગણે વેચાતી કિંમત કરતા પણ ઓછી કિંમતે બીજા દેશમાં માલ ઠાલવે, ત્યારે તેને અટકાવવા માટે એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવે છે. અમેરિકાનો દાવો છે કે, આ પ્રકારના અન્યાયી પ્રાઇસિંગને કારણે તેની સ્થાનિક કંપનીઓ સ્પર્ધામાં ટકી શકતી નથી અને તેમનું ઉત્પાદન ઠપ થઈ રહ્યું છે. ભારતીય સોલર નિકાસકારો અત્યારે બેવડો માર સહન કરી રહ્યા છે.

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી (૧૨૩.૦૪%)ઃ જે અત્યારે તાજેતરમાં લાદવામાં આવી છે. કાઉન્ટરવેલિંગ ડ્યુટી ઝ્રફડ્ઢ (૧૨૫.૮૭%) જે આ વર્ષે ફેબ્રુઆરીમાં લાદવામાં આવી હતી. અમેરિકાનો આક્ષેપ છે કે, ભારત સરકાર તેની સોલર કંપનીઓને વિવિધ પ્રોત્સાહનો અને સબસિડી આપે છે, જે આંતરરાષ્ટ્રીય વેપારના નિયમો વિરુદ્ધ છે. આ સબસિડીની અસરને બેઅસર કરવા માટે ઝ્રફડ્ઢ લાદવામાં આવે છે. જ્યારે આ બંને ટેક્સ ભેગા થાય છે, ત્યારે ભારતીય સોલર મોડ્યુલ્સની કિંમત અમેરિકામાં ત્રણ ગણી થઈ જાય છે, જે તેને ગ્રાહકો માટે બિલકુલ બિન-સ્પર્ધાત્મક બનાવી દે છે.

અમેરિકાની આ તપાસમાં ભારતની કેટલીક વિશાળ કંપનીઓને સીધું નિશાન બનાવવામાં આવી છે. તપાસ અહેવાલમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે અમુક કંપનીઓ માટે ડમ્પિંગ માર્જિન વધુ છે. અદાણી ગ્રુપની મુંદ્રા સોલર પીવી અને મુંદ્રા સોલર એનર્જી આ તપાસના મુખ્ય કેન્દ્રમાં છે. અમેરિકા અદાણી સોલર માટે સૌથી મોટું બજાર હતું, જ્યાં હવે નિકાસ કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે.

પ્રીમિયર એનર્જીસ આ કંપની માટે પણ વેઈટેડ એવરેજ ડમ્પિંગ માર્જિન ૧૨૩.૦૭ ટકા નક્કી કરવામાં આવ્યું છે. વારી એનર્જીસ અને વિક્રમ સોલર જેવી કંપનીઓ, જેમને વ્યક્તિગત રીતે તપાસવામાં આવી નથી, તેમના પર પણ ‘ઓલ-અધર્સ’ કેટેગરી હેઠળ સમાન દરે ટેક્સ લાગુ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.