૬માંથી ૫ એક્ઝિટ પોલનું તારણઃ પ.બંગાળમાં ભાજપની સરકાર
(એજન્સી)નવી દિલ્હી, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ નું મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર ઔપચારિક પરિણામો પર છે. પરંતુ તે પહેલાં જ સામે આવેલા એક્ઝિટ પોલના આંકડાઓએ બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ લાવી દીધો છે. આ વખતે બંગાળમાં દીદીનો ‘ખેલા’ ફ્લોપ જતો દેખાઈ રહ્યો છે અને મોદીનો ‘કમળ’ જોરદાર જીત સાથે ખીલતો જોવા મળી રહ્યો છે. પ્રારંભિક એક્ઝિટ પોલના ટ્રેન્ડ બંગાળમાં સત્તા પરિવર્તન તરફ ઈશારો કરી રહ્યા છે, જેમાં ભાજપ શાસક તૃણમૂલ કોંગ્રેસને કારમી હાર આપીને ૨૯૪ સભ્યોની વિધાનસભામાં સ્પષ્ટ બહુમતીથી સરકાર બનાવતું દેખાઈ રહ્યું છે.
બુધવારે સાંજે જાહેર કરાયેલા અનેક એક્ઝિટ પોલના આંકડાઓ મુજબ બંગાળમાં ભાજપનો હાથ ઉપર છે. મેટ્રિઝ અને પોલ ડાયરી બંને એજન્સીઓના સર્વેમાં ભાજપને ૧૪૬ થી ૧૬૧ બેઠકો મળવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે, જે સરકાર બનાવવા માટેના બહુમતીના આંકડા માટે પૂરતો છે. તેની સામે ૧૦ વર્ષથી વધુ સમયથી સત્તામાં રહેલી ટીએમસી ૧૨૫ થી ૧૪૦ બેઠકો સુધી સમેટાઈ જતી દેખાઈ રહી છે. આ આંકડા ગત ચૂંટણીના શાનદાર પ્રદર્શનની સરખામણીમાં ટીએમસી માટે ખૂબ મોટો ફટકો છે.
આવો જ ટ્રેન્ડ ચાણક્યના સર્વેમાં પણ જોવા મળ્યો છે. તેમના અંદાજ મુજબ ભાજપને ૧૫૦ થી ૧૬૦ બેઠકો અને ટીએમસીને ૧૩૦ થી ૧૪૦ બેઠકો મળી શકે છે. જોકે, પ્રજા પોલના આંકડા તો સૌથી વધુ ચોંકાવનારા છે. પ્રજા પોલે બંગાળમાં ભાજપની પ્રચંડ જીતની આગાહી કરી છે. આ સર્વે મુજબ ભાજપને ૧૭૮ થી ૨૦૮ બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે ટીએમસી સાવ ધોવાઈને ૮૫ થી ૧૧૦ બેઠકો પર આવી જશે.
કેન્દ્રશાસિત રાજ્ય પુડુચેરી અને આસામમાં ભાજપની સરકારની બનતી જોવા મળી રહી છે. કેરલમાં સત્તાપરિવર્તનની શક્યતાઓ જોવાઈ રહી છે. જ્યારે તમિલનાડુમાં ડીએમકેની આગેવાનીમાં સરકાર બને તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. એÂક્ઝટ પોલ પ્રમાણે પુડુચેરીમાં ભાજપની આગેવાની હેઠળ એનડીએને ૧૫થી ૨૦ બેઠકો મળી રહી છે.
જ્યારે કોંગ્રેસને ૪થી ૧૫ બેઠકો મળી રહી છે.આવી જ રીતે આસામમાં ભાજપને ૮૫થી ૧૦૧ જેટલી બેઠકો મળી રહી છે. જ્યારે કોંગ્રેસને ૧૫થી ૩૫ જેટલી બેઠકો મળતી જોવા મળી રહી છે. તમિલનાડુમાં ડીએમકે ગઠબંધનને ૧૦૦થી ૧૫૦ જેટલી બેઠકો મળી રહી છે. જ્યારે એનડીએને ૭૦થી ૧૦૦ જેટલી બેઠકો મળવાનો અંદાજ છે. કેરળમાં એલડીએફને ૫૦થી ૮૦ જેટલી બેઠકો મળી રહી છે. જ્યારે યુડીએફને ૬૦થી ૭૦ જેટલી બેઠકો મળતી હોવાનો અંદાજ એÂક્ઝટ પોલમાં લગાવવામાં આવ્યો છે.
જો આ એક્ઝિટ પોલ સાચા સાબિત થશે, તો પશ્ચિમ બંગાળના રાજકારણમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ઉલટફેર ગણાશે. મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી એક દાયકા કરતા વધુ સમયથી સત્તામાં છે, પણ હવે એવું લાગે છે કે ભાજપે જે આક્રમક રીતે રાજ્યમાં પોતાનો પાયો મજબૂત કર્યો છે, તે આખરે વોટમાં પણ બદલાઈ રહ્યો છે. જોકે, આપણે એ ન ભૂલવું જોઈએ કે એક્ઝિટ પોલ એ માત્ર એક અંદાજ છે, આખરી પરિણામ તો મતગણતરીના દિવસે જ ખબર પડશે. પણ હાલ પૂરતા આંકડા પરથી એટલું તો સ્પષ્ટ છે કે બંગાળમાં આ વખતે ‘ખેલા’ ટીએમસીની તરફેણમાં જતો નથી દેખાઈ રહ્યો અને કમળ પૂરા જોશથી ખીલી રહ્યું છે.
