Western Times News

Gujarati News

હોસ્‍પિટલની કમ્‍પાઉન્‍ડ વોલ તુટી પડતાં ત્રણ બાળકો સહિત 8 લોકોના મોત

બેંગ્‍લુરૂ, બેંગ્‍લુરૂ ખાતે બુધવારે ધોધમાર વરસાદ તુટી પડતાં શિવાજીનગર વિસ્‍તારમાં આવેલી બોવરિગ એન્‍ડ લેડી કર્ઝન હોસ્‍પિટલની કમ્‍પાઉન્‍ડ વોલ તુટી પડતાં તેની નીચે દબાઈ જતાં ત્રણ બાળકો સહિત આઠ લોકોના મૃત્‍યુ થયા હતા.

સાંજે પાંચના સુમારે આ દુર્ઘટના સર્જાઈ હતી. તપાસકર્તાઓએ જણાવ્‍યું હતું કે મૃતકોમાં મોટેભાગે રસ્‍તા પર વેપાર કરતા ફેરિયાઓનો સમાવેશ થતો હતો. અધિકારીઓનું માનવું છે કે દિવાલ તુટી પડી ત્‍યારે તેમણે દિવાલની આડનો ઉપયોગ કરીને તાડપત્રીની છત નીચે આશરો લીધો હશે. દિવાલ પહેલેથી જર્જરિત હતી કે કેમ તે હજી સ્‍પષ્ટ નથી. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

બેંગ્‍લુરૂ ખાતે સાંજે ધોધમાર વરસાદ વરસી પડ્‍યો હતો. મૃતક ફેરિયાઓએ તે સમયે તાડપત્રીની છત બનાવીને વરસાદમાં દિવાલ નજીક આશરો લીધો હતો. પરંતુ પહેલેથી નબળી થઈ ગયેલી દિવાલ વરસાદમાં તુટી ગઈ હતી.

ઘટના બનતાં જ સ્‍થાનિકો અને પોલીસ ઘટના સ્‍થળે દોડી ગયા હતા. કાટમાળ નીચે દટાઈ ગયેલા લોકોને બહાર કાઢ્‍યા હતા. તેઓ મૃત્‍યુ પામ્‍યા હતા. કાટમાળને દૂર કરવા જેસીબી મશીન કામે લગાડવામાં આવ્‍યું હતું.

ઈજાગ્રસ્‍તોને નજીકની હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા હતા. રાજ્‍યના મુખ્‍ય પ્રધાન સિદ્ધારમૈયા તેમ જ નાયબ મુખ્‍યપ્રધાન ડી.કે. શિવકુમારે ઘટના સ્‍થળની મુલાકાત લઈને સ્‍થિતીનો અંદાજ લીધો હતો. ઘાયલોના ખબર અંતર પણ પુછ્‍યા હતા. ઘાયલોને યોગ્‍ય સારવાર આપવા સુચના આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.