Western Times News

Gujarati News

સરકારી પટાવાળાએ ૮ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યુ અને બાબુઓને ખબર પણ ન પડી?

ટ્રેઝરી ઓફિસની આંખમાં ધૂળ નાખી નકલી બેનેફિશિયરી આઈડી બનાવી અને સરકારી પૈસાથી મોજ કરવા લાગ્‍યો.

શિક્ષણ વિભાગનો એક મામૂલી પટાવાળો કરોડપતિ લૂંટારો બની ગયો-પોતાની પત્‍ની અર્શી ખાતૂનના ખાતામાં ૧ કરોડ રૂપિયાથી વધારે ટ્રાન્‍સફર કરી દીધા

પીલીભીત, પીલીભીતમાં તો એક સરકારી પટાવાળાએ પોતાની રંગીનમિજાજીના ચક્કરમાં સરકારી ખજાના પર ધાડ પાડી. પોતાની ત્રણ-ત્રણ પત્‍નીઓ અને કેટલીય પ્રેમિકાઓના મોંઘા શોખ, ફલેટ અને જમીન લેવાના સપના પૂરા કરવા માટે પટાવાળાએ એવો ખેલ ખેલ્‍યો કે સાંભળનારા પણ ચોંકી ગયા. હકીકતમાં જોઈએ તો, શિક્ષણ વિભાગનો એક મામૂલી એવો પટાવાળો કરોડપતિ લૂંટારો બની ગયો.

સરકારી ખજાનામાં એવી ધાડ પાડી કે ભાંડો ફૂટતા અધિકારીઓના પગતળેથી જમીન સરકી ગઈ. ૮ કરોડ રૂપિયાના આ મહાકૌભાંડમાં હવે પોલીસે માસ્‍ટરમાઈન્‍ડની સાત મહિલાઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે.

પીલીભીતના જિલ્‍લા વિદ્યાલય નિરીક્ષક ઓફિસમાં કામ કરતા પટાવાળા ઈલ્‍હામ શમ્‍સીની કહાની કોઈ ફિલ્‍મી વિલનથી કમ નથી. હકીકતમાં જોઈએ તો, ડીઆઈઓએસ ઓફિસમાં તૈનાત પટાવાળો ઈલ્‍હામ ઉર રહમાન શમ્‍સી, જે કહેવા માટે તો ચોથી શ્રેણીનો કર્મચારી હતો, પણ તેના ઠાઠ કોઈ ધનવાનથી કમ નહોતા.

પોલીસ તપાસમાં સામે આવ્‍યું છે કે ઈલ્‍હામે પોતાની ત્રણ પત્‍નીઓ અને કેટલીય પ્રેમિકાઓના ખર્ચા ઉઠાવવા માટે, તેમને મોંઘા ફલેટ આપવા માટે અને જમીન ખરીદવા માટે સરકારી પૈસાને પાણીની માફક ખર્ચી નાખ્‍યા. તે ટ્રેઝરી ઓફિસની દરેક વાતો જાણતો હતો અને તેનો ફાયદો ઉઠાવી તેણે ટ્રેઝરી ઓફિસની આંખમાં ધૂળ નાખી નકલી બેનેફિશિયરી આઈડી બનાવી અને સરકારી પૈસાથી મોજ કરવા લાગ્‍યો.

તપાસમાં સામે આવ્‍યું કે, તેણે લગભગ ૫૩ અલગ અલગ ખાતામાં ૮ કરોડ રૂપિયાથી વધારે ટ્રાન્‍ઝેક્‍શન કર્યા, આ બધા પૈસા તેણે પોતાની પત્‍નીઓ અને પ્રેમિકાઓને ખુશ રાખવા માટે હડપી લીધા હતા.

ઈલ્‍હામ ઉર રહેમાન શમ્‍સી ખાલી પટાવાળો નહોતો પણ સરકારી ઓફિસમાં કૌભાંડ કરવાનો ઉસ્‍તાદ હતો. તેણે જનતા ટેક્રિકલ ઈન્‍ટર કોલેજના લિપિક પદ પર રહેતા DIOS કાર્યાલયમાં પોતાની મજબૂત ઓળખ બનાવી. આરોપીએ નકલી બેનિફિશિયરી આઈડી તૈયાર કર્યા અને પગાર બિલ તથા ટોકન જનરેશનની આડમાં સરકાર પૈસાને પર્સનલ ખાતામાં નાખવાના શરુ કરી દીધા.

શરુઆતી તપાસમાં જાણવા મળ્‍યું હતું કે તેણે પોતાની પત્‍ની અર્શી ખાતૂનના ખાતામાં ૧ કરોડ ૧ લાખ રૂપિયા મોકલ્‍યા હતા, પણ જ્‍યારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી તો ચોંકાવનારો ખુલાસો થયો. ઈલ્‍હામે કૂલ ૫૩ અલગ અલગ શંકાસ્‍પદ ખાતાનો ઉપયોગ કર્યો અને ૯૮ ટ્રાન્‍ઝેક્‍શન દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી કરી નાખી.

પોલીસે આ મામલામાં મોટી કાર્યવાહી કરતા ઈલ્‍હામ સાથે જોડાયેલી ૭ મહિલાની ધરપકડ કરી છે. પકડાયેલી મહિલાઓના નામ લુબના, ફાતિમા, પરવીન ખાતૂન, આશકારા પરવીન, અઝારા ખાન, નાહિદ અને આફિયા ખાન છે.

મુખ્‍ય આરોપીની પત્‍ની પહેલાથી જ જેલની હવા ખાઈ રહી છે. પોલીસે તત્‍પરતા દાખવતા આ શંકાસ્‍પદ ખાતામાં રહેલા ૫ કરોડ ૫૦ લાખ અને ૫૪ હજાર ૫૯૪ રૂપિયાને ફ્રીઝ કરી દીધા છે. જેથી સરકાર ધનની વેડફાય નહીં.

તપાસમાં ખુલાસો થયો છે કે ઈલ્‍હામ શમ્‍સીએ ગબન કરેલા પૈસાથી પોતાની પ્રેમિકાઓને મોંઘા ફલેટ અને કિમતી જમીનો અપાવી હતી. સપ્‍ટેમ્‍બર ૨૦૨૪થી શરુ થયેલા આ ખેલ એટલી ચાલાકીથી ખેલાતો હતો કે કોઈને કાનોકાન ખબર પણ ન પડી. તેણે એકલા પોતાની પત્‍ની અર્શી ખાતૂનના ખાતામાં ૧ કરોડ ૧ લાખ રૂપિયાથી વધારે ટ્રાન્‍સફર કરી દીધા. લિપિક અને પટાવાળાના પદ પર રહેતા વેતન બિલ અને ટોકન જનરેશનમાં આટલી મોટી હેરાફેરીએ વિભાગની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કરી દીધા છે.

પીલીભીતના એડિશનલ એસપી વિક્રમ દહિયાના જણાવ્‍યા અનુસાર, પોલીસે આ સમગ્ર સિન્‍ડિકેટના મૂળ સુધી પહોંચી રહી છે. તેમણે જણાવ્‍યું કે, નકલી આઈડી દ્વારા સરકારી ખજાનામાં ધાડ પાડનારી ટોળકીના અન્‍ય મદદગારોને પણ શોધી રહ્યા છે. સરકારી રૂપિયાનો પાઈ પાઈનો હિસાબ લેવામાં આવશે અને આ કૌભાંડમાં સામેલ કોઈને પણ છોડવામાં નહીં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.