પશ્ચિમ બંગાળમાં 15 મતદાન મથકો પર ફરીથી મતદાન પ્રક્રિયા થઈ
File Photo
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન થયેલી હિંસા અને ગેરરીતિઓને ધ્યાને રાખીને, ચૂંટણી પંચના આદેશ મુજબ શનિવારે દક્ષિણ 24 પરગના જિલ્લાના કુલ 15 મતદાન મથકો પર ફરીથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
ગત 29 એપ્રિલના રોજ યોજાયેલા બીજા તબક્કાના મતદાન દરમિયાન ડાયમંડ હાર્બરના 4 અને મગરહાટ પશ્ચિમના 11 બૂથો પર હિંસા, EVM સાથે છેડછાડ અને જૂથ અથડામણની ફરિયાદો ઉઠી હતી. આ ગંભીર અહેવાલોને આધારે ચૂંટણી પંચે તે દિવસે થયેલા મતદાનને અમાન્ય જાહેર કરી શુક્રવારે પુનર્મતદાન (Re-polling) યોજવાની સત્તાવાર જાહેરાત કરી હતી. 142 અને 143 મતદાન કેન્દ્રો પર બપોરે ત્રણ વાગ્યા સુધી લગભગ 72 ટકા મતદાન થયું હતું.
બપોરે 1 વાગ્યા સુધી મતદાનના પહેલા છ કલાકમાં તમામ 15 મતદાન મથકોમાં સરેરાશ મતદાન ટકાવારી 55.57 હતી. મગરહાટ (પશ્ચિમ) વિધાનસભા મતવિસ્તાર હેઠળના 11 મતદાન મથકો માટે સરેરાશ મતદાન ટકાવારી 1 વાગ્યા સુધી 54.9 હતી. બીજી તરફ, પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ના કાર્યાલય દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા મુજબ, ડાયમંડ હાર્બર મતવિસ્તાર હેઠળના ચાર મતદાન મથકોમાં આ જ સમયગાળા સુધી સરેરાશ મતદાન ટકાવારી 56.33 હતી.
સમયગાળો: મતદાન પ્રક્રિયા સવારે 7:00 વાગ્યે શરૂ થઈ છે, જે સાંજે 6:00 વાગ્યા સુધી ચાલશે.
ડાયમંડ હાર્બરની રોયનગર પ્રાથમિક શાળાના બૂથ નંબર 243 પર સવારના સમયે EVM ખોટકાયું હોવાની ફરિયાદ મતદારો દ્વારા કરવામાં આવી હતી, જેના કારણે મતદાન પ્રક્રિયામાં અડધા કલાકથી વધુ સમયનો વિલંબ થયો હતો.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, બાકીના તબક્કાના મતદાન અને પુનર્મતદાન પૂર્ણ થયા બાદ, તમામ મતોની ગણતરી 4 મે, 2026 ના રોજ હાથ ધરવામાં આવશે. મતદાનને ધ્યાને રાખીને સંવેદનશીલ બૂથો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી ગત વખત જેવી હિંસાની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
