Western Times News

Gujarati News

13 વર્ષના બાળકો નશાના રવાડે ચડ્‌યા! રિહેબ સેન્ટરોમાં ૧૮થી ૩૫ વર્ષના યુવાનોની કતારો

યુવાનોમાં દેશી દારૂ બાદ કફ સિરપનો સસ્તો નશો રોગચાળાની જેમ ફેલાયો ઃ સિંધુભવન રોડ નશાના લે-વેચનું કેન્દ્ર બન્યોઃ લોક ચર્ચા

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં દારૂની માફક હવે શેરીએ શેરીએ ગાંજા અને ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. ડ્રગ્સના બંધાણીઓનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે અમદાવાદના સરકારી અને ખાનગી મનોચિકિત્સાલયમાં ડ્રગ રિહાબિલેશન માટે મહિને ૬૦૦થી વધુ યુવાનોની લાઈન લાગે છે! અમદાવાદના સેન્ટરમાં લાગેલી આ યુવાનોની લાઈન તો માત્ર એક નમૂનો છે. આ સિવાય રાજ્યમાં નશામાં સપડાયેલાં યુવાનોનો અસલ આંકડો આનાથી અનેક ગણો વધારે છે.

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ અને ખાનગી મનોચિકિત્સાલયમાં ડ્રગ રિહાબિલેશન માટે મહિને ૬૦૦થી ૭૦૦ લોકો આવી રહ્યા છે. જેમાં સૌથી વધુ ૧૮થી ૩૫ વર્ષની ઉંમરના હોય છે. એટલું જ નહીં ૧૩થી ૧૭ વર્ષ સુધીની કુમળી વયના બાળકોમાં પણ નશાનું ચલણ વધ્યું હોવાનું નિષ્ણાંતો જણાવે છે. જ્યારે ૪૦થી વધુ ઉંમરના લોકોમાં દારૂના નશાનું પ્રમાણ વધારે છે. ધીમે ધીમે યુવતીઓમાં પણ નશાનું પ્રમાણ વધતું હોવાનું તબીબો જણાવે છે.

આ આંકડો માત્ર અમદાવાદમાં ચાલતાં રિહાબિલેશન સેન્ટરના છે. સુરત, રાજકોટ, વડોદરા, આણંદ જેવા શહેરમાં આવા કેટલાય સેન્ટર ચાલે છે. અને ત્યાં આવતા લોકોનો આંકડો ક્યાંય વધારે છે. એટલું જ નહીં સૂત્રોના મતે સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાના ભયથી નશાના આદીઓ પાડોશી રાજ્યના નશામુક્તિ કેન્દ્રમાં સહારો લે છે.
નશાની શહેર અને ગ્રામીણ વિસ્તારની વહેંચણીની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં મેફેડ્રોન, મેથેટાઈન, ગાંજો, ચરસ જેવા પાવડરના નશા સરળતાથી મળી રહેતાં શહેરી યુવાનોમાં આનું પ્રમાણ વધુ છે. જ્યારે ગ્રામીણ વિસ્તાર સુધી આ સડો પહોંચ્યો નથી, પરંતુ ત્યાંના યુવાનોમાં દેશી દારૂ બાદ કફ સિરપનો સસ્તો નશો રોગચાળાની જેમ ફેલાયો છે. ઉત્તર ગુજરાતના યુવાનોમાં અફીણનું ચલણ વધુ હોવાનું તબીબો જણાવે છે.

સમાજમાં એવી માન્યતા છે કે, ઉચ્ચ શિક્ષણ અને ઉચ્ચ દરજ્જો વ્યક્તિને નૈતિક રીતે વધુ મજબૂત બનાવી વ્યસનથી દૂર રાખે છે. નશાના અજગરે સમાજમાં કહેવાતા અને ઉચ્ચ શિક્ષિત વર્ગને પણ પોતાની ભરડામાં લીધો છે.

ખાનગી નશામુક્તિ કેન્દ્રના તબીબના જણાવ્યા અનુસાર, પૂર્વ અને વર્તમાન ડે. કલેક્ટર જેવા ઉચ્ચ વહીવટી અધિકારીઓ પણ આ નશાના રવાડે ચડી રિહાબિલેશન સેન્ટરના આંગણે પહોંચ્યા છે. દેશના ભવિષ્યને તૈયાર કરતો શિક્ષક પણ પોતાને આ દૂષણમાંથી બચાવી શક્યો નથી. લોકોની તબિયત સુધારતા એમબીબીએસ ડૉક્ટર પણ ડ્રગની ચપેટમાં આવ્યા છે. પાડોશી રાજ્યના કદાવર નેતા અને ઉદ્યોગપતિને પણ નશાની લતે આવા કેન્દ્રોમાં આવવા મજબૂર કર્યા છે.

ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલાં આંકડા મુજબ ગુજરાતમાંથી બે વર્ષમાં ૩,૧૬૨ કિલો જેટલો ડ્રગ, ચરસ, ગાંજો, અફીણ સહિતના નશીલા પદાર્થોનો જથ્થો કબજે કરાયો હતો.

જ્યારે એક વર્ષમાં ૨૬૯ કરોડનો દેશી-વિદેશી દારૂ અને બીયરનો જથ્થો કબજે કરાયો હતો. આ આંકડા પકડાયેલાં ડ્રગ-દારૂના છે. આ સિવાય રસિયાઓએ ગટગટાવેલા નશાનો હિસાબ માંડવામાં આવે તો તે અનેક ગણા વધુ હશે.

ગુજરાતમાં ૧૪ લાખ લોકો નશાના બંધાણી હોવાનો આંકડો પણ વિધાનસભા સત્રમાં રજૂ થયો હતો. જેમાં ૧૨ લાખ પુરુષો જ્યારે ૨ લાખ મહિલાઓ હતાં. આ આંકડામાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. જે દેશના આર્થિક અને સામાજિક બંને વિકાસ માટે અડચણરૂપ બની શકે છે.

અમદાવાદનો વૈભવી વિસ્તાર ગણાતો સિંધુભવન રોડ આજકાલ નશાના કલ્ચર માટે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્યાંના અનેક કેફે અને રોડ પર યુવાનો કોઈને કોઈ નશો કરેલી હાલતમાં મળી આવે છે. યુવાનોની આંખોમાં નશાનું ઘેન સ્પષ્ટપણે દેખાય છે. ત્યાં ફરતી દરેક વ્યક્તિ એવી નથી. પરંતુ કેટલાય સમયથી ત્યાં આવા લોકોનો આતંક વધ્યો છે. હાઈપ્રોફાઈલ લાઈફ સ્ટાઈલના ઓઠા હેઠળ ચાલતા આ ગોરખધંધાના કારણે સિંધુભવન વિસ્તારમાં રાત્રે સામાન્ય વ્યક્તિને પગ મૂકવો મુશ્કેલ બન્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.