ચંદ્રનાથની માતાએ કહ્યું કે આ હારનો બદલો મારા દીકરાની હત્યા કરીને લેવામાં આવ્યો
ચંદ્રનાથ હત્યાકાંડ- હુમલાખોરોએ ૭ કિમી સુધી પીછો કરીને ગોળી મારી-મેં મમતાને હરાવી, તેથી હત્યા કરીઃ અધિકારી
કોલકાતા, ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે તેમના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની હત્યા એટલા માટે થઈ કારણ કે તેમણે મમતાને હરાવ્યા હતા. બીજી બાજુ, આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ઘટનામાં વપરાયેલી બાઈક પણ પોલીસને મળી આવી છે. સાથે-સાથે આરોપીઓના મહત્ત્વપૂર્ણ પુરાવા પણ મળ્યાં છે.
જેનાં આધારે ટૂંક સમયમાં જ આરોપીઓ પકડાઈ જશે તેવો પોલીસને આશાવાદ છે. આ સમગ્ર ઘટનાની તપાસ કરવા સીટની રચના કરવામાં આવી છે.
સુવેન્દુએ કહ્યું- આ હત્યાને જે રીતે અંજામ આપવામાં આવ્યો, તેની જેટલી પણ નિંદા કરીએ તે ઓછી છે.
હત્યાનું કારણ ભવાનીપુરથી મમતાની હાર હોઈ શકે છે. બીજી તરફ, ચંદ્રનાથની માતાએ કહ્યું કે આ હારનો બદલો મારા દીકરાની હત્યા કરીને લેવામાં આવ્યો. કેટલાક નેતાઓએ પહેલા ધમકી આપી હતી કે ૪ તારીખ પછી કોઈ બચી નહીં શકે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે રથને ચાર ગોળીઓ વાગી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલાખોરોએ રથની ગાડીનો સાત કિમી સુધી પીછો કર્યો હતો. ફોરેન્સિક તપાસના પ્રારંભિક ઇનપુટ્સ અનુસાર, હુમલાખોરોએ ગ્લોક ૪૭એક્સ પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. આવા આધુનિક હથિયારનો ઉપયોગ કોઈ સામાન્ય ગુનેગાર કરતો નથી.
જે રીતે હુમલો થયો, તે કોઈ પ્રોફેશનલ શૂટર જ કરી શકે છે. બાઇક સવાર હુમલાખોર હેલ્મેટ પહેરેલો હતો અને બાઇક પર નંબર પ્લેટ નહોતી. પોલીસે ઘટનાસ્થળેથી તે કાર જપ્ત કરી છે, જેનાથી સ્કોર્પિયોનો રસ્તો રોકવામાં આવ્યો હતો. જોકે, તેના પર લાગેલી નંબર પ્લેટ નકલી નીકળી. ચંદ્રનાથ રથ પર ફાયરિંગના લગભગ ૧ કલાક પછી રાત્રે લગભગ ૧૨.૩૦ વાગ્યે બશીરહાટ જિલ્લામાં રોહિત રોય નામના ભાજપ કાર્યકર્તા પર ફાયરિંગ થયું. તેમની હાલત ગંભીર છે. રાજ્યમાં ૪ મેના ચૂંટણી પરિણામો પછી અત્યાર સુધીમાં ૫ લોકોની હત્યા થઈ ચૂકી છે. જેમાં ૩ ભાજપ અને ૨ ટીએમસી સાથે સંકળાયેલા હતા.
સુવેન્દુ અધિકારીએ પીએની હત્યાને આયોજિત હત્યા ગણાવી. તેમણે પક્ષના કાર્યકરોને શાંતિ જાળવવા અપીલ કરી અને કહ્યું કે ભાજપ બંગાળમાં ગુંડાઓનો સફાયો શરૂ કરશે.
ટીએમસીએ સુવેન્દુના પીએની હત્યા પાછળ પોતાના પક્ષના કાર્યકરોની સંડોવણીના આરોપોને નકારી કાઢતા કેસની સીબીઆઈ તપાસની માંગ કરી છે. પાર્ટીએ બુધવારે મોડી રાત્રે નિવેદન આપીને કહ્યું- અમે મધ્યમગ્રામમાં ચંદ્રનાથ રથની નિર્મમ હત્યાની નિંદા કરીએ છીએ. અમે આ મામલે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ, જેમાં કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ તપાસ કરાવવામાં આવે. ભાજપ અને ટીએમસીના અન્ય કાર્યકરોની હત્યાની પણ તપાસ કરાવવામાં આવે.
હાવડા શહેરના પોલીસ કમિશનર અખિલેશ ચતુર્વેદીએ જણાવ્યું કે, શિવપુરના ચૌરા બસ્તી વિસ્તારમાં રાજકીય અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. આ ઘટનામાં સામેલ તમામ લોકોને વહેલી તકે ધરપકડ કરવામાં આવશે.
મધ્યમગ્રામમાં સીઆઈડી પશ્ચિમ બંગાળના એક અધિકારીએ કહ્યું, અમે અત્યારે તપાસ કરવા માટે આવ્યા છીએ. હમણાં કંઈ કહી શકીએ નહીં. ચંદ્રનાથની હત્યા અંગે તેમના નાના ભાઈ દેવ કુમારે કહ્યું, જેણે પણ તેમની હત્યા કરી છે તેમને કડક સજા થવી જોઈએ. અમે બુધવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ તેમની સાથે છેલ્લીવાર વાત કરી.
