Western Times News

Gujarati News

Op. Sindoor: ૬૫% દેશી હથિયારો વડે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાં પર હુમલા કરાયા હતા

ભારતે ૧૩ પાકિસ્તાની વિમાનો અને ૧૧ બેઝને તબાહ કર્યા હતા -ભારતીય સેના, વાયુસેના અને નૌસેનાએ ઓપરેશન સિંદૂરને ઐતિહાસિક સફળતા ગણાવી

નવી દિલ્હી, ભારતીય સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓએ ઓપરેશન સિંદૂરને ભારતના ઇતિહાસની મહત્વપૂર્ણ ઘટના ગણાવી છે. ગયા વર્ષે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ૨૬ નિર્દોષ લોકોના મૃત્યુના એક વર્ષ પછી, ત્રણેય સેનાના વડાઓએ ઓપરેશનની સફળતા અને શીખ પર વિગતે ચર્ચા કરી છે.

લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ, એર માર્શલ અવધેશ ભારતી અને વાઈસ એડમિરલ એ.એન. પ્રમોદે સંયુક્ત રીતે જણાવ્યું કે, આ ઓપરેશન આતંકવાદીઓ અને તેમના સમર્થન તંત્ર સામે ભારતની દૃઢ ઇચ્છાશક્તિનું પ્રતીક છે. ભારતે ૧૩ પાકિસ્તાની વિમાનોને તબાહ કર્યા, ૧૧ બેઝને નષ્ટ કર્યા અને ૧૦૦થી વધુ પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા હતા.

લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ, જે ઓપરેશન સમયે ડીજીએમઓ હતા, તેમણે પહેલગામમાં શહીદ થયેલા ૨૬ પરિવારોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર ભારતના ઇતિહાસમાં મોટી ક્ષણ સાબિત થઈ છે. સરકારે સેનાને સ્પષ્ટ માર્ગદર્શન અને વ્યાવસાયિક સ્વતંત્રતા આપી હતી, જેના કારણે આખી કાર્યવાહી ખૂબ જ વ્યાવસાયિક રીતે પૂર્ણ થઈ હતી. પાકિસ્તાન તરફથી ભારતીય સૈન્યના ઠેકાણાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ ઓપરેશન સિંદૂરને સૈન્ય અને વ્યૂહાત્મક રીતે ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ઓપરેશન દરમિયાન ૬૫%થી વધુ હથિયારો દેશી હતા, જે આત્મનિર્ભર ભારતની શક્તિ દર્શાવે છે. પાકિસ્તાનને વાતચીત માટે મજબૂર થવું પડ્યું અને ઓપરેશન રોકવાની વિનંતી પણ કરી હતી. જનરલ ઘઈએ સ્પષ્ટ કહ્યું કે, ભારત પોતાની સંપ્રભુતાની રક્ષા હંમેશા દૃઢતા અને વ્યાવસાયિકતા સાથે કરશે. તેમણે ઉમેર્યું કે, ઓપરેશન સિંદૂર અંત નથી, પણ નવી શરૂઆત છે.

એર માર્શલ અવધેશ ભારતી, ઉપપ્રમુખ વાયુ સ્ટાફે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર હાલમાં રોકવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, ભારતીય સેનાની સરળ ફિલોસોફી છે, ‘લિવ એન્ડ લેટ લિવ’, એટલે કે ‘જીવો અને જીવવા દો’. પણ જો કોઈ અમારી શાંતિને કમજોરી સમજે તો અમે કડક પગલાં લઈએ છીએ.

તેમણે જણાવ્યું કે, દળોને સંપૂર્ણ ઓપરેશનલ સ્વતંત્રતા આપવામાં આવી હતી. પાકિસ્તાનમાં પહેલો હથિયાર લક્ષ્ય પર લાગતાં જ ભારતીય સૈનિકોનો આત્મવિશ્વાસ વધ્યો અને શહીદ પરિવારોને ન્યાય મળ્યો હતો. અમારી લડાઈ આતંકવાદીઓ અને તેમના સપોર્ટ સિસ્ટમ સામે હતી.

જ્યારે પાકિસ્તાને હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભારતે તરત જ જવાબ આપ્યો હતો. ઓપરેશનમાં વાયુ શક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા ફરી સાબિત થઈ હતી. દુશ્મનના દરેક પગલાંને પહેલેથી જ ઓળખી લીધા હતા.

એર માર્શલ ભારતીએ કહ્યું કે, આત્મનિર્ભરતા જ આગળનો રસ્તો છે. ભારતીય વાયુસેના આ દિશામાં ઝડપથી આગળ વધી રહી છે અને મિશન સુદર્શન ચક્રમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેમણે ઉમેર્યું કે, વાયુસેનાની ભૂમિકાએ ઓપરેશનને વધુ મજબૂત બનાવ્યું હતું.

વાઈસ એડમિરલ એ.એન.પ્રમોદ, ડાયરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય નૌસેનાએ બેટલ કેરિયર ગ્રુપ, સબમરીન અને અન્ય સાધનો તહેનાત કર્યા હતા. નૌસેનાએ સ્ટ્રાઈકમાં પણ સક્રિય ભાગ લીધો હતો. પાકિસ્તાની વેપાર માર્ગો પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું, જેના કારણે પાકિસ્તાન પર દબાણ વધ્યું હતું. આ ઓપરેશનથી ભારતની દરિયાઈ ક્ષમતા અને તૈયારી આખી દુનિયા સામે સાબિત થઈ ગઈ. ભારતીય રક્ષા દળો અને નૌસેના હજુ પણ આગળ તહેનાત છે અને કોઈપણ પડકારનો સામનો કરવા તૈયાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.