બંગાળમાં આજે BJPના ધારાસભ્યોની મળનારી બેઠક: મુખ્યમંત્રીના નામની પસંદગી થશે
બંગાળના રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી
કોલકાતા, પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ આરએન રવિએ વિધાનસભા ભંગ કરી દીધી છે. લોકભવનમાંથી ગુરુવારે સાંજે તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. તેનો અર્થ એ છે કે મમતા કેબિનેટના કોઈપણ મંત્રી પાસે હવે કોઈ સત્તા રહેશે નહીં.
મમતાએ બુધવારે કહ્યું હતું કે તેઓ સીએમ પદ પરથી રાજીનામું આપશે નહીં. બીજી બાજુ, આવતીકાલે ભાજપના ધારાસભ્યની મીટીંગ મળશે. જેમાં મુખ્યમંત્રીના નામની પસંદગી થશે. જેના પર સૌ કોઈ નજર મંડાયેલી છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી પાર્ટી તૃમણૂલ કોંગ્રેસનો પરાજય થવા છતાં મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજીનામું આપવાનો વારંવાર ઇન્કાર કરી રહ્યા હતા. આ કારણે રાજ્યમાં બંધારણીય સંકટની ઐતિહાસિક ઘટના બનવાની સંભાવના વધી ગઈ હતી.
ટીએમસી સરકારનો કાર્યકાળ આજે (૭ મે) ખતમ થઈ ગયો છે, જ્યારે બહુમતીથી ચૂંટણી જીતનાર ભાજપના મુખ્યમંત્રી ૯મી મેએ શપથ લેશે. એટલે કે, રાજ્યમાં ૮ મેથી ૯મી મેએ નવી સરકાર બનવા સુધી સરકાર વગરનું બંગાળ કોણ સંભાળશે, તેની ચર્ચાઓ શરૂ થઈ હતી.
બંધારણની કલમ-૧૭૨ના નિયમો મુજબ, રાજ્ય વિધાનસભાઓનો સામાન્ય કાર્યકાળ પાંચ વર્ષનો છે. સરકાર બનાવનારની પ્રથમ બેઠકથી જ તેની ગણતરી શરૂ થઈ જાય છે અને પાંચ વર્ષ પૂર્ણ થતાં જ વિધાનસભા આપોઆપ ભંગ થઈ જાય છે. આ માટે કોઈના પણ આદેશની જરૂર હોતી નથી. તેથી ભલે સીએમ મમતા બેનર્જીએ રાજીનામું આપ્યું નથી, પરંતુ આ નિયમ મુજબ, બંગાળમાં ૭મેએ રાત્રે ૧૨.૦૦ વાગતા જ જૂની વિધાનસભા આપોઆપ ભંગ થઈ જાય છે. આ સાથે મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્ય સહિત તમામનો દરજ્જો, બંધારણીય અધિકારો પણ સમાપ્ત થઈ જાય છે.
પશ્ચિમ બંગાળની વર્તમાન સ્થિતિ પર હવે સવાલ થઈ રહ્યો છે કે, ૭મીએ જૂની સરકાર જશે અને ૯મીએ નવી સરકાર આવશે, તો બે દિવસ બંગાળની કમાન કોણ સંભાળશે? બંધારણની કલમ-૧૬૪ મુજબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળ રાજ્યપાલની મરજી (પ્રસાદ પર્યંત) હોય ત્યાં સુધી જ પોતાના પદ પર રહી શકે છે. સરકાર હારેલી સત્તાધારી પાર્ટીને સસ્પેન્ડ કરી શકે છે અને બહુમત મેળવનાર પાર્ટીના નેતાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપી શકે છે. જો સત્તા ગુમાવનાર મુખ્યમંત્રી રાજીનામું ન આપે તો રાજ્યપાલને તેમનું મંત્રીમંડળ સસ્પેન્ડ કરવાનો અધિકાર છે.
સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ સંજય કિશન કૌલનું કહેવું છે કે, ‘મમતા બેનર્જીએ રાજીનામું આપ્યું નથી, જોકે તેમનો કાર્યકાળ ૭મીએ આપોઆપ ખતમ થઈ જશે.’
હવે રાજ્યપાલે પરંપરાનું પાલન કરીને એવો નિર્ણય લેવો જ પડશે કે, તેઓ આગામી મુખ્યમંત્રીના શપથ સુધી મમતાને પદ સંભાળવા કહે. કૌલે કહ્યું કે, એવું પણ બની શકે કે, જ્યાં સુધી નવી સરકાર શપથ ન લે ત્યાં સુધી કોઈ વ્યવસ્ત કરી દે. આ એક અભૂતપૂર્વ સ્થિતિ છે. આવું પહેલા ક્યારે થયું નથી.
રિપોર્ટમાં એવી વિગતો સામે આવી છે કે, યથાસ્થિતિ એટલે કે હજુ બે દિવસ જૂના મુખ્યમંત્રીની સત્તા યથાવત્ રખાશે. બીજીતરફ ચૂંટણી પંચે બંગાળમાં કેન્દ્રીય બળ તહેનાત કરી દીધું છે. આ ઉપરાંત ગર્વનરે કોઈપણ ફાઇલો આગળ ન વધવા દેવાનો આદેશ આપી દીધો છે. કાયદાકીય રીતે તેનું કોઈ ઉદાહરણ નથી, પરંતુ રાજ્યપાલ પાસે વચગાળાની વ્યવસ્થા કરવાનો અધિકાર છે. અત્યાર સુધીની પરંપરા મુજબ, જ્યાં સુધી નવા મુખ્યમંત્રી શપથ ન લે, ત્યાં સુધી રાજ્યપાલ વર્તમાન મુખ્યમંત્રીને પદ પર રહેવા કહે છે.
