Western Times News

Gujarati News

ભાજપ મારો પ્રથમ દુશ્મન વિરોધ માટે વિપક્ષોને એક થવા મમતાની હાકલ

વિદ્યાર્થી સંઘો, એનજીઓને લડતમાં સામેલ થવા પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમની અપીલ

અગાઉ કોંગ્રેસના નેતૃત્વમાં દેશના તમામ વિરોધ પક્ષોએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી હતી

કોલકાતા, તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મળેલાં સજ્જડ પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીને હવે વિપક્ષી એક્તાની યાદ આવી છે. તેમણે ભાજપ વિરુદ્ધ લડવા માટે તમામ વિરોધ પક્ષોને એકજૂથ થવા અને એક સંયુક્ત મંચનું ગઠન કરવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસના નેતૃત્વમાં દેશના તમામ વિરોધ પક્ષોએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી હતી. તેમાં સામેલ રાજકીય પક્ષોના વ્યક્તિગત હિતોને કારણે આ ગઠબંધન બિનઅસરકારક પૂરવાર થયું છે.

આ ઉપરાંત મમતાએ વિદ્યાર્થી સંઘો, એનજીઓ તથા તેમની સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓને પણ ભાજપનો વિરોધ કરવા હાકલ કરી હતી. મમતાએ જણાવ્યું હતું કે, હું ડાબેરીઓ, કટ્ટર ડાબેરીઓ સહિતના તમામ વિરોધ પક્ષોને ભાજપ સામે લડવા એક સંયુક્ત મંચ બનાવવા એક સાથે આવવા અપીલ કરું છું. આ માટે તેમણે કોઈ પણ રાજકીય પક્ષ સાથે ચર્ચા કરવાની તૈયારી દર્શાવી હતી. દુશ્મનનો દુશ્મ મારો મિત્ર છે તેવું વિચારવાનો આ સમય નથી, અત્યારે મારો પ્રથમ દુશ્મન ભાજપ છે. ચૂંટણીના પરિણામો જાહેર થયાં બાદ ટીએમસીના કાર્યકરો અને સમર્થકો વિરુદ્ધ અત્યાચારો કરાયા હોવાનો દાવો કરતાં મમતાએ જણાવ્યું હતું કે, અનેક જગ્યાઓએ ટોળાઓ લોકો પર જુલમ ગુજારી રહ્યાં છે.

પરિણામો જાહેર થયાં પછી વિપક્ષના વિવિધ નેતાઓએ મારી સાથે વાત કરી હોવાનું જણાવતાં પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તથા મલ્લિકાર્જુન ખડગેએ મારી સાથે વાત કરી હતી. શિવસેના યુબીટીના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને આરજેડીના તેજસ્વી યાદવે પણ મને સંદેશો મોકલ્યો હતો. જે દિવસે રાજ્યમાં ભાજપ જીત્યું તે જ દિવસથી અમારી સુરક્ષા હટાવી દીધી હોવાનું જણાવતાં મમતા બેનરજીએ ઉમેર્યું હતું કે, અમારે કોઈની સહાનુભૂતિ નથી જોઈતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.